વડાપ્રધાન મોદી આ વખતે જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)બિપિન રાવત અને સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહેશે. 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે.
જવાનોને મોદીનો મેસેજ
આપણે આપણા એ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જેઓ આ તહેવારો પર સીમા પર ખડેપગે છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ. આપણે ઘરમાં એક દીપ ભારત માતા એ વીર સપૂતો માટે પ્રગટાવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માગીશ કે ભલે તમે સરહદ પર છો., પણ આખોય દેશ તમારી સાથે છે, તમારું સન્માન કરી રહ્યો છે. હું એ પરિવારોને પણ નમન કરું છું, જેમનાં દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે. દરેક એ વ્યક્તિ જે દેશ સાથે જોડાયેલી હોઈ, કોઈ ને કોઈ જવાબદારીને કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું દિલથી તેમનો આભાર માનું છું.
6 વર્ષમાં ક્યાં ઊજવી દિવાળી
- 2019- મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે રાજૌરી ગયા હતા. તેમણે કહ્યું હતું, યુદ્ધ હોય કે ઘૂસણકોરી હોય, આ વિસ્તારને સૌથી વધુ પડકારનો સામનો કરવો પડે છે, પણ આ ક્ષેત્ર એવું જેણે ક્યારેય હાર નથી માની.
- 2018- વડાપ્રધાન દિવાળીના અવસરે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરનાં દર્શન માટે ગયા હતા. અહીં તેમણે ચીન બોર્ડર પાસે હરસિલ ગામના કેન્ટ વિસ્તારમાં ભારતીય સશસ્ત્ર દળ અને ITBPના જવાનોની મુલાકાત કરી હતી. અહીં તેમણે કહ્યું હતું, બરફવાળા વિસ્તારમાં તમારી ફરજ પ્રત્યેનું સમર્પણ દેશને મજબૂતાઈ પ્રદાન કરે છે. તમારા જ કારણે દેશના સવા સો કરોડ લોકોનાં સપના સુરક્ષિત છે.
- 2017- આ વર્ષે મોદીએ દિવાળીની ઉજવણી જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે કરી હતી.
- 2016- મોદીએ હિમાચલ પ્રદેશ પાસે આવેલા ચીન બોર્ડર પાસે ઈન્ડો- તિબેટ બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- 2015- વડાપ્રધાને અમૃતસર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- 2014- મોદીએ સિયાચીનમાં જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.