3 વર્ષના દીકરાને માતાએ વેચી દીધો, પિતાએ હેબિઅસ કોર્પસ કરતાં હાઇકોર્ટના આદેશથી પોલીસે શોધી કાઢી પિતાને સોંપ્યો

0
87
  • પહેલા માતાને શોધી પોલીસે તામિલનાડુમાં વેચાયેલા દીકરાનો કબજો મેળવ્યો

છોરું કછોરું બને, પણ માવતર કમાવતર કદાપી ન બને. આ કહેવતને ખોટી પાડનાર કળિયુગની માતાનો હૃદયદ્રાવક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો છે. બીજા પતિને છોડીને 3 વર્ષના સગા દીકરાને તામિલનાડુમાં વેચી દેનારી માતાને શોધીને દીકરાને જ્યાં વેચ્યો હતો ત્યાંથી શોધીને તેની કસ્ટડી પિતાને સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે.

રાજકોટના વિજય નામના યુવકના લગ્ન પૂજા ઉર્ફે જયશ્રી નામની યુવતી સાથે થયા હતા. બંનેના આ બીજા લગ્ન હતા. આ લગ્નથી તેમને એક દીકરો મિત જન્મ્યો હતો. મિતના જન્મ પછી બંને છૂટાં પડ્યાં હતાં. પૂજા મિતને લઇને જતી રહી હતી. વિજયને શંકા જતાં તેણે હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. એડવોકેટ નિશિત ગાંધીએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે સમગ્ર કેસમાં બાળકની તસ્કરી થઇ હોવાની શંકા છે. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે આકરી મહેનત કરીને પૂજા અને મિતને તામિલનાડુથી શોધી કાઢ્યા હતા. પૂજાએ પોતાના 3 વર્ષના મિતને તામિલનાડુમાં સોનુ રાજેન્દ્ર પૈકરવ સાથે મળીને વેચી દીધો હતો. આ બનાવ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કેસમાં પોલીસે પૂજાને પણ આરોપી બનાવતાં દીકરાની કસ્ટડીનો પ્રશ્ન થયો હતો.

બાળક માટે કોર્ટે ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર નીમ્યા
હાઇકોર્ટે આરોપી માતા પાસેથી 3 વર્ષના મિતની કસ્ટડી લઇને પિતા વિજયભાઇને સોંપી, ત્યાર બાદ રાજકોટ સેશન્સ જજને ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસરને નીમવા આદેશ કર્યો હતો. આ ઓફિસરે દર મહિને વિજયના ઘરે જઇને મિતની સંભાળ યોગ્ય રીતે લેવાય છે કે નહીં, એનું ધ્યાન રાખવાનું રહેશે અને કોર્ટને હકીકતથી વાકેફ કરવાની રહેશે.

પોલીસ તપાસ કરે તો માનવ તસ્કરી પકડી શકાય
હેબિઅસ કોર્પસમાં જ્યારે સગીર સંતાનો ગુમ થયાની ફરિયાદ હોય ત્યારે પોલીસ ગંભીરતાથી બાળકને શોધવા પ્રયત્ન કરે તો માનવ તસ્કરી જેવા ગુના પકડી શકાય છે. આ અગાઉ પણ હેબિઅસ કોર્પસમાં સગીરાઓને વેચી દેવાનું કૌભાંડ પકડાયું હતું, જેની તપાસ સીઆઇડી ક્રાઇમ પાસે છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાંથી બાળકો ગુમ થયાંના અનેક કિસ્સા નોંધાયા છે. મોટા ભાગના કિસ્સામાં આવાં બાળકોનો પત્તો મળતો નથી. આ કિસ્સા પરથી એવું પણ જાણવા મળ્યું કે બાળક ગુમ થવાના કેસમાં ક્યારેક માતા-પિતા સંડોવાયેલાં હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here