૨૧ રનમાં ૭ વિકેટ પડયા બાદ બુમરાહે અડધી સદી ફટકારી ભારતને ઉગાર્યું, પ્રથમ દિવસે ૨૦ વિકેટ પડી

0
60

ઓસ્ટ્રેલિયા-એ અને ભારત વચ્ચે શુક્રવારથી શરૂ થયેલી બીજી અને અંતિમ વોર્મ-અપ મેચના પ્રથમ દિવસે વિકેટોનું પતન થયું હતું. ડે-નાઇટ મેચના પ્રારંભિક દિવસે બંને ટીમો તેના પ્રથમ દાવમાં ઓલઆઉટ થઇ ગઇ હતી એટલે કે પ્રથમ દિવસે ૨૦ વિકેટો પડી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પૂરી ટીમ ૪૮.૩ ઓવરમાં ૧૯૪ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન-એ ટીમનો પ્રથમ દાવ ૩૨.૨ ઓવરમાં ૧૦૮ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. આ ભારતીય ટીમે પ્રથમ દાવના આધારે ૮૬ રનની સરસાઇ મેળવી હતી.

ભારતનો મિડલ ઓવર વેરવિખેર થયો 

પિંક બોલની પ્રેક્ટિસ મેચમાં ભારતનો મિડલ ઓર્ડર વેરવિખેર થયો હતો અને ૨૧ રનની અંદર ભારતે સાત વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ભારતે ૧૦૨ રનના સ્કોરે હનુમા વિહારીની વિકેટ ગુમાવી હતી અને ૧૨૩ રનના સ્કોર સુધીમાં ફટાફટ વિકેટો પડી હતી. રહાણે ચાર તથા રિષભ પંત પાંચ રન બનાવી આઉટ થયા હતા. રિદ્ધિમાન સાહા સતત ફ્લોપ-શો જારી રહ્યો હતો અને તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. નવદીપ સૈની અને મોહમ્મદ શમી પણ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન-એ ટીમ માટે સીન એબોટ્ટે ૪૬ રનમાં ત્રણ અને જેસ વિલ્ડરમુથે ૧૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

બુમરાહે કારકિર્દીની પ્રથમ અડધી સદી નોંધાવી 

ભારતના નવ બેટ્સમેનો આઉટ થયા હતા ત્યારે સ્કોર ૧૨૩ રનનો હતો. બુમરાહે ક્રિઝ ઉપર આવીને મોરચો સંભાળીને યજમાન બોલર્સને ચોમેર ફટકાર્યા હતા. તેણે ૫૭ બોલમાં છ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે ૫૫ રનની અણનમ ઇનિંગ રમી હતી. બુમરાહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ પ્રથમ અડધી સદી નોંધાવી હતી. તેણે મોહમ્મદ સિરાજ સાથે ૭૧ રનની ભાગીદારી નોંધાવીને ભારતીય ટીમને શરમજનક પરિસ્થિતિમાંથી ઉગારી હતી. સિરાજે ૩૪ બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર પૃથ્વી શોએ ૨૯ બોલમાં આઠ બાઉન્ડ્રી વડે ૪૦ તથા શુભમન ગિલે ૫૮ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા-એના ચાર બેટ્સમેન ખાતું ખોલવામાં નિષ્ફળ 

પ્રથમ દિવસના અંતિમ તબક્કામાં ભારતી બોલર્સે ઘાતક સ્પેલ નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયા ચાર બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. બુમરાહે ઓપનર જોઇ બર્ન્સ (૦)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ માર્ક હેરિસ અને નિક મેડિન્સને બીજી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી નોંધાવી હતી જે હાઇએસ્ટ પાર્ટનરશિપ રહી હતી. હેરિસે ૪૭ બોલમાં ૨૬ તથા મેડિન્સને ૧૯ રન બનાવ્યા હતા. બેન મેકડર્મોર્ટ, સીન એબોટ્ટ તથા વિલ સધરલેન્ડ ટૂંકા ગાળામાં આઉટ થઇ જતાં યજમાન ટીમનો વધુ રકાસ થયો હતો. એલેક્સ કેરીએ સર્વાધિક ૩૨ રન બનાવ્યા હતા. ભારત માટે મોહમ્મદ શમી તથા નવદીપ સૈનીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

બુમરાહની સ્ટ્રેટ ડ્રાઇવ બોલર ગ્રીનના માથામાં વાગી, વોર્મ-અપ મેચમાંથી બહાર

ઓસ્ટ્રેલિયા-એ સામેની ડે-નાઇટ પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે શુક્રવારે ભારતીય ટીમનો ધબડકો થયો હતો ત્યારે બુમરાહે આક્રમક બેટિંગ કરીને અડધી સદી નોંધાવી હતી. આ દરમિયાન બુમરાહે એક સ્ટ્રેટ ડ્રાઇવ મારી હતી જે ૨૧ વર્ષીય બોલિંગ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનના માથામાં વાગી હતી. માથામાં થયેલી ઈજા ગંભીર હોવાના કારણે તેને તાત્કાલિક મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો અને તે મેચની પણ બહાર થઇ ગયો છે. લોફ્ટેડ સ્ટ્રેટ ડ્રાઇવ એટલી બધી પાવરફૂલ હતી કે ગ્રીન કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરે તે પહેલાં તેના માથામાં બોલ વાગી ગયો હતો. બોલ પહેલાં તેના હાથમાં વાગ્યા બાદ સ્પીડમાં માથામાં વાગ્યો હતો. આ ઘટના દરમિયાન નોન-સ્ટ્રાઇકર છેડે બેટિંગ કરી રહેલા ભારતના મોહમ્મદ સિરાજ તાત્કાલિક બેટ ફેંકીને ગ્રીન તરફ દોડી ગયો હતો.   ગ્રીનને ડ્રેસિંગરૂમમાં લઇ જવામાં આવ્યો હતો, ઓસ્ટ્રેલિયા-એની મેડિકલ ટીમ તેની ઉપર નજર રાખી રહી છે. નોંધનીય છે કે બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિલ પુકોવસ્કીને ભારતીય બોલર ર્કાિતક ત્યાગીનો બાઉન્સર હેલ્મેટ ઉપર વાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here