હેલ્થ ઇન્શ્યોરન્સ:ભારતમાં આરોગ્ય માટે માથાદીઠ માત્ર રૂ. 342 ખર્ચ થાય છે, જે બ્રિક્સ દેશોમાં સૌથી નીચો: CII

0
98
  • ઇન્શ્યોરન્સ કંપનીઓને રૂ. 8000 કરોડના દાવા મળ્યા, એમાંથી રૂ. 3500 કરોડ ચૂકવાયા

હેલ્થ ઇન્શ્યોરન્સ, કોવિડ-19ના સારવાર ખર્ચા તથા કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રવાહો, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII), ગુજરાતના ઉપક્રમે વર્ચ્યુઅલ સેશન યોજાયું હતું. વેબિનારમાં નિષ્ણાતોએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે કોવિડ-19 મહામારીએ હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્ત્વ વધારી દીધું છે અને લોકોને ખ્યાલ આવ્યો છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ એ નાણાકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે. CII ગુજરાતના વાઈસ-ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં આરોગ્ય માટે GDPના માત્ર 4.2% ખર્ચ કરવામાં આવે છે, જે બ્રિક્સ દેશોમાં સૌથી નીચો છે.

સરકારી આરોગ્ય યોજના હેઠળ 92 કરોડ લોકોને આવરી લેવાયા
અગ્રવાલે જણાવ્યું હતું કે હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ એ નાણાકીય આયોજનનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે. કોવિડ-19 મહામારીએ ઇન્શ્યોરન્સ બાબતે જાગૃતિમાં વધારો કર્યો છે. આમ છતાં પણ ભારતમાં આરોગ્ય માટે થતો માથાદીઠ ખર્ચ માત્ર રૂ. 342 છે. આશરે 90થી 92 કરોડ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને કામદાર રાજ્ય વીમા યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે 40 કરોડ લોકો ઓછો વીમા લઈ રહ્યા છે અથવા તો વીમા લેતા જ નથી. લાંબા ગાળાના હેલ્થ ઇન્શ્યોરન્સની તાકીદની જરૂરિયાત છે.

કોરોના ટ્રીટમેન્ટ માટે રૂ.3500 કરોડના દાવા ચૂકવાયા
અમદાવાદસ્થિત આઈએન્ડ ઇન્શ્યોરન્સ બ્રોકરના ડિરેકટર અને પ્રિન્સિપાલ ઓફિસર પ્રભાત વિજે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, ઇન્શ્યોરન્સ કંપનીઓને રૂ. 8000 કરોડના દાવા મળ્યા છે, જેમાંથી 3 નવેમ્બર સુધીની સ્થિતિમાં રૂ.3500 કરોડના દાવા ચૂકવાઈ ગયા છે. સામાન્ય ફુગાવાની તુલનામાં તબીબીક્ષેત્રે ફુગાવો ખૂબ જ ઊંચા દરથી વધતો જાય છે, આથી ઇન્શ્યોરન્સ પોલિસી રાખવાનું ફરજિયાત બની ગયું છે. મને લાગે છે કે રોટી, કપડાં અને મકાન પછી હેલ્થ ઇન્શ્યોરન્સ એ ચોથી સૌથી મહત્ત્વની બાબત છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો
HDFC અર્ગો જનરલ ઇન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ વાઈસ-પ્રેસિડેન્ટ હિતેશ બિરાનીએ જણાવ્યું હતું કે કોવિડ-19 પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સને મુનસફી ખર્ચ તરીકે ગણવામાં આવતો હતો. મોટા ભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સને દબાણપૂર્વક વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા હતા. હવે એની તરફનું આકર્ષણ વધ્યું છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here