હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત

0
111

કલોલના મોટી ભોયણથી ખાત્રજ જવાના રોડ ઉપર

– પિતા ટોળું જોઈને ઉભા રહયા તો પોતાના પુત્રનો મૃતદેહ પડયો હતો

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનની ઘટનાઓએ માથું ઉંચકયું છે ત્યારે કલોલના મોટી ભોયણથી ખાત્રજ જવાના રોડ ઉપર બાઈક ઉપર નોકરીએ જઈ રહેલા બોરીસણાના યુવાનને અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું અને આ ગંભીર અકસ્માતમાં યુવાનનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે સાંતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા દોડધામ શરૂ કરી છે. 

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ તો વધી જ રહી છે પરંતુ તેમાં હીટ એન્ડ રનની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. અકસ્માત સર્જનાર વાહનચાલકો ઉભા રહેવાની તસ્દી લેતાં નથી કે ઘાયલ થતાં લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરતાં નથી. ત્યારે આવી જ એક ઘટના કલોલના બોરીસણાના યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે રતનજી જુહાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમનો ર૭ વર્ષીય પુત્ર વિજયજી કારોલી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો અને ગત રવિવારે સાંજે નોકરી પૂર્ણ કરી તેનું બાઈક લઈને ઘરે આવ્યો હતો. ઓવરટાઈમ કરવાનો હોવાથી ઘરે જમીને વિજયજી પરત નોકરીએ જવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ સાડા દસ વાગ્યાના સુમારે રતનજી પણ મીલમાં નોકરી માટે તેમનું બાઈક લઈ નીકળ્યા હતા. આ જ સમયે મોટી ભોયણથી ખાત્રજ જતાં રોડ ઉપર જીઆઈટી કોલેજથી થોડેક દુર રોડ ઉપર ટોળું ઉભેલું જોઈને રતનજીએ પણ તેમનું બાઈક થોભાવી દીધું હતું અને ટોળામાં જઈ તપાસ કરતાં અકસ્માતગ્રસ્ત બાઈક પાસે તેમના પુત્રનો મૃતદેહ પડયો હતો. જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ સાંતેજ પોલીસે આ મામલે તેમની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here