સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ ફી સહિતના રૂ.5.24 કરોડની ઉચાપતનો મામલો, વડોદરામાં કેશ કલેક્ટર એજન્સીના કર્મચારીઓને ત્યાં કેવડિયા પોલીસના દરોડા

0
50
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ સહિતના નાણાં બેંકમાં જમા નહીં કરાવીને ખાનગી એજન્સીએ ઉચાપત કરી હતી
  • રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડે 5 કરોડનો ચુનો લગાડ્યો હોવાનું ઓડિટમાં બહાર આવ્યું હતું

કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પાર્કિંગ સહિતની ફીની રકમ રૂપિયા 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓને ઝડપી પાડવા કેવડિયા પોલીસે વડોદરામાં દરોડા પાડ્યા છે. આ ફરિયાદ થવાની સાથે જ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કંપનીના જવાબદાર મેનેજર સહિત કેટલાક કર્મચારીઓને દરોડા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવનારા પાસેથી પાર્કિંગ સહિતની ફીની રકમ વસૂલાતની જવાબદારી ઈસેક એજન્સીને સોંપવામાં આવી હતી અને તેના નાણાં ભેગા કરીને HDFC બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાઇટર કંપનીના કેટલાક કર્મચારીઓએ HDFC બેંકમાં નાણાં જમા કરાવ્યા નહીં અને બારોબાર ઉચાપત કરી લેતા સમગ્ર કૌભાંડ ઓડિટરના ધ્યાન પર આવ્યું હતું, ત્યાર બાદ કેવડિયા પોલીસ સ્ટેશનમાં HDFC બેંકના મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી, પોલીસે તપાસ શરૂ કરતાં રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના કંપનીના જવાબદાર મેનેજર સહિત કેટલાક કર્મચારીઓને ત્યાં વડોદરા ખાતે દરોડા પાડ્યા હતા.

બે કર્મચારી કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું
કેવડિયા પોલીસને મળેલી જાણકારી મુજબ રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના કંપનીમાં ફરજ બજાવતા નિમેષ અને હાર્દિક નામના બે કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે કેવડીયા પોલીસે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, પરંતુ, આ બંને આરોપી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here