સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી પોતાના ફોટા કાઢી નાખવાની ચાહકોને વિનંતી કરી ઝાયરા ખાને

0
125

– જીવનની નવી યાત્રા માટે માગ્યો સહકાર

વર્ષ ૨૦૧૬માં ‘દંગલ’ ફિલ્મથી બોલીવૂડમાં કદમ માંડનાર અભિનેત્રી ઝાયરા વસીમે ગયા વર્ષે ઝાકઝમાળની આ દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને પોતાના પ્રશંસકોને આંચકો આપ્યો હતો અને હવે તેણે તેમને વધુ એક આંચકો આપતી હોય તેમ કહ્યું હતું કે તેઓ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી તેના ફોટા કાઢી નાખે.

પોતાના પ્રશંસકોને સંબોધતા ઝાયરાએ લખ્યું હતું કે તમે અત્યાર સુધી મને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું તમારી આભારી છું, તમે હમેશાં મારી શક્તિના સ્રોત રહ્યાં હતાં. મને સતત સહકાર આપવા બદલ હું તમારી શુક્રગુઝાર છું અને હવે ઈચ્છું છું કે તમે મારી એક વાત માનો. હું તમને વિનંતી કરું છું કે તમે બધા તમારા અકાઉન્ટ્સમાંથી મારા ફોટા દૂર કરી દો અને અન્યોને પણ એમ કરવાનું કહો.

જોકે અભિનેત્રીએ કબૂલ્યું હતું કે સોશ્યલ મીડિયા પરથી તેના ફોટા સંપૂર્ણપણે દૂર કરવાનું અસંભવ છે. આમ છતાં તેણે તેના ચાહકોને વિનંતી કરી હતી કે મારા ફોટા સમગ્ર પણ ડિલિટ કરવાનું શક્ય નથી પણ તમે તેને ફરીથી આગળ મોકલવાનો પ્રયાસ નહીં કરો તો મારા ઉપર મોટી મહેરબાની થશે. હું મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહી છું અને મારું આટલું કહ્યું માનીને તમે મને સાથ આપશો એવી આશા રાખું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાયરાએ ‘દંગલ’ પછી ‘સિક્રેટ સુપરસ્ટાર’ (૨૦૧૭) અને ‘ધ સ્કાય ઈઝ પિંક (૨૦૧૯)માં કામ કર્યા પછી ફિલ્મોદ્યોગ છોડીને નવજીવનનો આરંભ કરવાની જાહેરાત કરી હતી અને તેના જીવનના આ નવા અધ્યાયમાં તે બંધ બેસી જાય તેથી તેણે હમણાં તેના ચાહકોને સોશ્યસ મીડિયા પરથી પોતાના ફોટા કાઢી નાખવાની વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here