સુરત: વરાછામાં રત્નકલાકારને પોલીસના સ્વાંગમાં ચાર અજાણ્યાએ માર મારી રૂ.15 હજારનો મોબાઈલ ફોન લૂંટી લીધો

0
110

રચના સર્કલ વાળીનાથ સોસાયટી પાસે ચેક કરવાના બહાને ત્રણ લૂંટારુએ લૂંટ્યા બાદ ચોથા લૂંટારુએ આવી રત્નકલાકારના હાથમાંથી ચાંદીની સાંકળી કાઢવા પ્રયાસ કર્યો પણ નહીં નીકળતા ધમકાવી ચાલ્યા જવા કહ્યું

સુરત, તા. 09 ઓક્ટોબર 2020 શુક્રવાર

સુરતના વરાછા રચના સર્કલ વાળીનાથ સોસાયટી પાસે ગત બુધવારે રાત્રે મોટાભાઈને ટિફિન આપવા જતા રત્નકલાકારને ચેક કરવાના બહાને પોલીસના સ્વાંગમાં માર મારી રૂ.15 હજારનો મોબાઈલ ફોન ત્રણ લૂંટારુએ લૂંટ્યા બાદ ચોથા લૂંટારુએ આવી રત્નકલાકારના હાથમાંથી ચાંદીની સાંકળી કાઢવા પ્રયાસ કર્યો પણ નહીં નીકળતા ધમકાવી ચાલ્યા જવા કહ્યું હતું. રત્નકલાકારે થોડે દૂર જઈ જોયું તો ચારેય ચાલતા ચાલતા રચના સર્કલ તરફ જતા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ગાયત્રી સોસાયટીની સામે જનતા એપાર્ટમેન્ટ ઘર નં.1 માં માસી સુરેખાબેન સાથે રહેતો 23 વર્ષીય યોગેશ પુષ્પરાજ કોળી કાપોદ્રા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરે છે. તે જ્યાં કામ કરે છે તે મિલન ડાયમંડમાં જ કામ કરતા મોટાભાઈ રાહુલની રાતપાળી હોય ગત બુધવારે તે ઘરેથી ટિફિન આપવા ચાલતો નીકળ્યો હતો. 9.30 ના અરસામાં તે રચના સર્કલ વાળીનાથ સોસાયટી આગળ પટેલ રેસ્ટોરન્ટ સામે પહોંચ્યો ત્યારે પાછળથી એક અજાણ્યાએ આવી શર્ટનો કોલર પકડી પૂછ્યું હતું કે તું ક્યાં જાય છે ? યોગેશે ટિફિન આપવા જાઉં છું કહેતા અજાણ્યો તેને પટેલ રેસ્ટોરન્ટ પાસે બેસેલા અન્ય બે અજાણ્યા પાસે લઈ ગયો હતો. બંનેએ અમે ડીસ્ટાફ્ના પોલીસવાળા છીએ તેમ કહી ટિફિન ચેક કર્યા બાદ તારા ખિસ્સામાં મોબાઈલ ફોન છે તે આપી દે તેમ કહેતા યોગેશે ના પાડી હતી.

આથી ત્રણેયે તેને ગાળો આપી ઢીકમુક્કીનો માર મારી રૂ.15 હજારનો મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. તે સમયે જ ચોથો યુવાન આવ્યો હતો અને તેણે યોગેશના જમણા હાથમાંથી ચાંદીની સાંકળી કાઢવા પ્રયાસ કર્યો પણ નહીં નીકળતા અહીંયાથી ચુપચાપ જતો રહે નહીં તો તને પકડીને જેલમાં પુરી દઈશું તેવી ધમકી આપતા તે થોડે દૂર જઈ અટક્યો હતો. તેણે જોયું તો ચારેય રચના સર્કલ તરફ ચાલતા ચાલતા જતા હતા. બનાવ અંગે માસીના દીકરા વિનોદભાઈને જાણ કરતા તે ત્યાં આવ્યા હતા અને આજુબાજુ તપાસ કરી ઘરે ચાલ્યા ગયા હતા. ગતરોજ ફરી યોગેશ અને વિનોદભાઇએ આજુબાજુ ખાતરી કરતા રાત્રે ત્યાં કોઈ પોલીસવાળા ન હોવાનું જાણવા મળતા છેવટે 30 થી 35 વર્ષના ચાર અજાણ્યા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here