ફાધર વાલેસ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા છતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. 1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના આ અધ્યાપક ક્યારેક ચાલતા તો ક્યારેક સાઈકલ લઈને જતા અને સ્ટુડન્ટસમાં દેવદૂત તરીકે ફાધર વાલેસ જાણીતા હતા. તેમનાં લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.
જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આવા ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા.
આપણી માતૃભાષાને ક્યારેય પણ ન ભૂલવી જોઈએઃ ફાધર વાલેસ
દિવ્યભાસ્કરને એક સમયે આપેલા ઇન્ટરવ્યુમાં ફાધર વાલેસે જણાવ્યું હતું, ‘વ્યક્તિ ભલે કોઈપણ ભાષાનું શિક્ષણ મેળવે, પરંતુ તેણે પોતાની રાષ્ટ્રભાષા અને માતૃભાષાનું હંમેશાં સન્માન કરવું જોઈએ. આજના યુગમાં કોઈપણ ભાષાનું ચલણ ગમે એટલું વધે તોપણ આપણી માતૃભાષાને ક્યારેય પણ ન ભૂલવી જોઈએ. ઝેવિયર્સમાં ગણિત ભણાવતો હતો એ મારી ફરજ હતી, જ્યારે સાહિત્યની વાત કરું તો જે અંદર પડ્યું હોય એને પચાવવાનો આ પ્રયાસ છે. સંસ્કારો પચાવવા એમ કહી શકાય. મારા પિતાનો વારસો છે કે જે કરો એ સારું કરો. દિલની વાત હું અંગ્રેજીમાં ન કહી શકું એટલે ભારત-અમદાવાદ આવ્યો ત્યારે ગુજરાતી શીખ્યો. જે બધું અંદર હતું એ ગુજરાતી ભાષામાં અભિવ્યક્ત થયું.’