ફિલ્મોમાં આવતાં પહેલા વેટરનું કામ કરતાં હતા મુન્નાભાઇ એમબીબીએસના ડૉ. જે. અસ્થાના
ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ હોય કે 3 ઇડિયટ્સ, લીડ રોલમાં ભલે સંજય દત્ત અને આમિર ખાન જોવા મળ્યા હોય પરંતુ જે એક્ટરે દર્શકોને સૌથી વધારે પ્રભાવિત કર્યા હતા તે છે બોમન ઇરાની. 2 ડિસેમ્બરે બોમન પોતાનો 61મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમના આ ખાસ દિવસે જાણો કેટલીક રસપ્રદ વાતો…
બોમનને બાળપણથી જ ફિલ્મોનો શોખ રહ્યો છે. તેઓ સ્કૂલમાંથી છૂટીને ફિલ્મ જોવા જતાં, પરંતુ ક્યારેય વિચાર્યુ ન હતું કે તેઓ પોતે જ સિનેમા જગતના સ્ટાર બની જશે. તેમનાં જન્મ પહેલાં જ બોમનના પિતા અવસાન પામ્યા હતા. તેમની માતાએ જ તેમનું પાલન-પોષણ કર્યુ હતું. બોમને એક સમય ઘરની બેકરી શૉપમાં પણ કામ કર્યુ છે.
એક ઇરાની જોરાસ્ટ્રિયન પરિવારમાં જન્મ લેનાર બોમને સેન્ટ મેરી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઇ સ્થિત મીઠીબાઇ કૉલેજમાંથી વેટરનું પૉલિટેક્નિક ડિપ્લોમાનો કોર્સ કર્યો હતો. કોર્સ પૂર્ણ કર્યા બાદ બોમને તાજ મહેલ પેલેસ એન્ડ ટાવરમાં એક વેટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
અહીં બોમને બે વર્ષ સુધી વેટર અને રૂમ સર્વિસનું કામ સંભાળ્યું. કામ પ્રત્યે તેમની લગન અને પ્રામાણિકતાને જોઇને તેમને પ્રમોશન આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને ફ્રેન્ચ રેસ્ટૉરન્ટ Rendezvous માં પણ વેટરનું કામ મળ્યું.
તાજ પેલેસમાં કામ કરતી વખતે બોમન કસ્ટમર્સ દ્વારા આપવામાં આવેલ ટિપ્સ જમા કરતાં. આ પૈસાથી તેમણે કેમેરો લીધો અને શાળાના ક્રિકેટ-ફુટબોલ મેચની તસવીર લીધા કરતાં હતાં. તેઓ આ તસવીરને 20-30 રૂપિયામાં વેચી દેતા. સાત વર્ષની કમાણી જમા કરીને બોમને ફેમિલી વેકેશનની ટ્રીપનું પણ પ્લાનિંગ કર્યું. તેઓ પોતાના પરિવારને ઉટી લઇને ગયા હતા, પરંતુ થોડાક પૈસા હોવાને કારણે તેમણે નાની-મોટી હોટલમાં રૂમમાં રોકાવું પડ્તું.
વેટરનું કામ અને ફોટોગ્રાફી કર્યા બાદ બોમને વર્ષ 2000માં ફિલ્મો તરફ વળાંક લીધો. તેમણે ફિલ્મ ‘ડરના મના હૈ’ માં નાનકડો રોલ કર્યો. આ ફિલ્મમાં બોમનને ખૂબ જ ઓછું સ્ક્રીન સ્પેસ મળ્યું પરંતુ તેમના કામને નોટિસ કરવામાં આવ્યું અને ત્યારબાદ બોમનના સારા દિવસોની શરૂઆત થઇ.
‘ડરના મના હૈ’ થી પહેલા બોમન ઇરાની, એવરીબડી સેજ આઇ એમ ફાઇન અને લેટ્સ ટૉકમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 2003માં બૂમમાં તેઓ ફરીથી જોવા મળ્યા. બૂમ બાદ બોમનને ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસમાં ડૉ. જે. અસ્થાનાનો રોલ નિભાયો. આ રોલમાં બોમને દર્શકોના દીલ જીતી લીધા.
તેમને આ ફિલ્મ માટે સ્ક્રીન વીકલીમાં એવૉર્ડ ફૉર બેસ્ટ પરફૉર્મન્સ ઇન કૉમિક રોલથી સન્માનિત કરવામાં આવ્યા. ત્રણ વર્ષ બાદ 2006માં રિલીઝ થનાર લગે રહો મુન્નાભાઇમાં પણ બોમનનો રોલ જોવા મળ્યો હતો, જેના માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ વિલેન એવોર્ડ મળ્યો હતો.
વર્ષ 2009માં રિલીઝ થનાર ફિલ્મ 3 ઈડિયટ્સમાં પણ બોમનનાં કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમણે વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફ ‘વાયરસ’નું જબરદસ્ત પાત્ર ભજવ્યું હતું. આ રોલ માટે આજે પણ બોમનને યાદ કરવામાં આવે છે. 3 ઈડિયટ્સ માટે બોમનને 3 એવોર્ડ પણ મળી ચુક્યા છે. તેમને સ્ટાર સ્ક્રીન એવૉર્ડ ફૉર બેસ્ટ વિલેન, ફિલ્મફેર એવૉર્ડ ફૉર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને આઇફા એવૉર્ડ ફૉર બેસ્ટ પરફૉર્મન્સ ઇન નેગેટિવ રોલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોમન કેટલીય હિટ ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે. તેમાં ‘મૈં હૂં ના’, ‘લક્ષ્ય’, ‘વીર-ઝારા’, ‘પેજ-3’, ‘વક્ત-ધ રેસ અગેન્સ્ટ ટાઇમ’, ‘નો એન્ટ્રી’, ‘બ્લફમાસ્ટર’, ‘ડૉન’, ‘હનીમૂન ટ્રાવેલ્સ’, ‘હે બેબી’, ‘દોસ્તાના’ વગેરે સામેલ છે.