શેર માર્કેટમાં મહિલાઓને પણ રસ:લોકડાઉનમાં મહિલાઓનાં ખાતાંમાં 32%નો વધારો, જેમાં 70%એ પહેલી વખત શેરમાં ઇન્વેસ્ટ કર્યા

0
76
  • એક્સપર્ટનું માનવામાં આવે તો વેતનમાં કપાત અને હાંકી કાઢવાને કારણે મહિલાઓ હવે શેરબજારમાં રસ દાખવી રહી છે

કોરોના સંકટ દરમિયાન શેરબજારમાં મહિલાઓની ભાગીદારી વધી છે. મહિલાઓ ગોલ્ડ બોન્ડથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સુધીમાં રોકાણ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે શેરબજારમાં રોકાણ કરનારી મહિલાઓ મોટે ભાગે પહેલી વખત ઈન્વેસ્ટ કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં વર્કિગ વુમન્સ અને હાઉસ વાઈફ છે. આ મહિલાઓ ન માત્ર શેરબજારમાં પૈસા લગાવી રહી છે, પરંતુ બીજી મહિલાઓને પણ પ્રેરિત કરી રહી છે. આવો વાંચીએ એવી જ કેટલીક મહિલાઓની વાત, જે માર્કેટમાં રોકાણ કરીને સારુંએવું રિટર્ન મેળવી રહી છે…

અંકિતા તોલાની- વર્કિગ
અંકિતા તોલાની 28 વર્ષની છે. દિલ્હીની એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે. અંકિતા 2016થી શેર માર્કેટમાં પૈસા લગાવી રહી છે. તે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરે છે. અંકિતા કહે છે, ‘પહેલી વખત મેં SIPમાં 1 લાખ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી હતી. હવે દર વર્ષે દોઢથી બે લાખ રૂપિયાનું રોકાણ કરું છું.’ અંકિતા છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ 10 લાખથી વધુનું રોકાણ કરી ચૂકી છે. તો ગોલ્ડ બોન્ડમાં અંકિતાએ અત્યારસુધીમાં 7 લાખ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે.

તે જણાવે છે, તેને ગોલ્ડ બોન્ડમાં રોકાણથી અત્યારસુધીમાં 50 ટકાથી વધુનો નફો થયો છે, તો SIPની વેલ્યુ 10 ટકા સુધી પહોંચી ગઈ છે. અંકિતાને શેર માર્કેટની સારીએવી સમજ છે અને તે અત્યારસુધીમાં 7 મહિલાને શેર માર્કેટમાં પૈસા લગાડવા માટે પ્રેરિત કરી ચૂકી છે. તે પોતે ઓફિસના કલીગ, ગૂગલ અને બ્રોકિંગ હાઉસના કન્સલ્ટન્ટની મદદ લે છે.

દીપ્તિ શર્મા- એન્ટ્રપ્રિનર

દીપ્તિ કહે છે, શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં હું રોજ સવારે સ્ટોક પર નજર રાખતી હતી. ન્યૂઝ વાંચતી હતી. કેટલાક શેર્સની યાદી બનાવી અને પછી પતિના સહયોગથી એની ખરીદી કરી.

દીપ્તિ શર્મા એક સ્ટાર્ટઅપ કંપનીની સંસ્થાપક છે. પહેલી વખત 2019માં શેર માર્કેટમાં રોકાણનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ઘર પરિવાર અને બિઝનેસને કારણે સમય આપી શકતી ન હતી. તે જણાવે છે, લોકડાઉનમાં ઘરમાં રહીને ઘણો જ સમય મળતો હતો, તો એ સમયે મને લાગ્યું કે આ વસ્તુ ફરી કેમ શરૂ ન કરી શકાય. તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે.

તે આગળ જણાવે છે, મેં પહેલી વખત મ્યુચ્યુઅલ ફંડમાં 15 હજાર રૂપિયા રોક્યા હતા. કેમ કે એ સમયે થોડીઘણી જ સમજણ હતી. લોકડાઉન મારા માટે વરદાનરૂપી રહ્યું, જ્યાં મારી પાસે ઘણો જ સમય રહેતો હતો. માર્ચમાં મેં તેના પર ઘણું જ રિસર્ચ કર્યું. એ સમયે માર્કેટ ડાઉન હતું. શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં હું રોજ સવારે સ્ટોક પર નજર રાખતી હતી. ન્યૂઝ વાંચતી હતી. કેટલાક શેર્સની યાદી બનાવી અને પછી પતિના સહયોગથી એની ખરીદી કરી હતી.

દીપ્તિ આગળ જણાવે છે કે મેં 2019માં કેટલાક શેર્સમાં પૈસા લગાવ્યા હતા, પરંતુ વધુ જાણકારી ન હોવાથી તેમજ યોગ્ય સમય ન આપી શકવાથી નુકસાન થયું હતું. જોકે હવે મેં લગભગ 2 લાખથી વધુનું રોકાણ કર્યું છે અને તેમાં 40 ટકાથી વધુનો ફાયદો થયો છે.

ભવિષ્યમાં ફાઇનાન્સિયલ ક્રાઇસીસ ન થવી જોઈએ
સ્ટોકમાં પૈસા લગાવવાનો હેતુ જણાવતાં દીપ્તિ અને અંકિતા કહે છે કે એનાથી અમને ઘણો જ ફાયદો મળે છે. આ રોકાણથી એક તો ભવિષ્યમાં ફાઇનાન્સિયલ ક્રાઈસીસની ચિંતા નથી રહેતી. તેઓ જણાવે છે કે શેર માર્કેટ એવી જગ્યા છે જ્યાં દરેકને રિસ્ક લેવું જ પડે છે. અહીં કોઈને ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે. એવામાં દરેક મહિલાએ પોતાની સમજણ અને હોશિયારીથી રોકાણને લઈને પ્લાન બનાવવો જોઈએ. મહિલાઓ પૈસા બચાવવાનું ઘણું જ સારી રીતે જાણે છે.

અપર્ણા ચૌધરી- હાઉસ વાઈફ

અપર્ણા કહે છે, મેં માત્ર 20 હજાર જેવી નાની રકમથી રોકાણની શરૂઆત કરી હતી, જે મારી સેવિંગ મની હતી. અત્યારસુધીમાં 10 ટકાથી વધુનું રિટર્ન મળી ચૂક્યું છે.

નોયડાની રહેવાસી અપર્ણા ચૌધરી હાઉસ વાઈફ છે. ઘર અને બાળકોમાં બિઝી હોવાને કારણે અપર્ણાએ ગત વર્ષે જ પ્રાઈવેટ નોકરીમાં રાજીનામું આપી દીધું હતું. જોકે માર્કેટની થોડીઘણી સમજણ હતી અને સમાચારથી અવગત રહેવાને કારણે તેણે લોકડાઉનમાં પહેલી વખત શેર માર્કેટમાં સ્ટોકની ખરીદી કરી. તે જણાવે છે કે લોકડાઉનને કારણે એટલો સમય મળ્યો કે શેરબજારમાં ધ્યાન આપી શકું. રોજિંદાં કામકાજની વ્યસ્તતામાં તે આવું કરી શકતી ન હતી.

તે જણાવે છે, મારા પતિ શેર માર્કેટમાં પૈસા લગાવતા હોય છે. મને પણ ઘણી વખત ઈચ્છા થઈ, પરંતુ ક્યારેય સમય જ ન મળ્યો. એપ્રિલમાં આ અંગે મેં વાંચવાનું શરૂ કર્યું. જે બાદ મેં પતિ અને એક બેંકર મિત્રને કન્સલ્ટ કર્યો. લગભગ એક મહિના સુધી રિસર્ચ કર્યા બાદ મેં પહેલી વખત એફડીમાં રોકાણ કર્યું. જોકે મેં માત્ર 20 હજાર જેવી નાની રકમથી જ રોકાણની શરૂઆત કરી હતી, તે પણ સેવિંગ મની હતી. અત્યારસુધીમાં 10 ટકાથી વધુનું રિટર્ન મળી ચૂક્યું છે. તે જણાવે છે કે મેં આ રોકાણ ફાઇનાન્સિયલ દૃષ્ટિએ પોતાની આત્મનિર્ભરતાને યથાવત્ રાખવા માટે શરૂ કર્યું છે, કેમ કે જોબ છોડ્યા પછી આર્થિક રીતે મારે પતિ પર જ નિર્ભર રહેવું પડતું હતું.

પૂજા ગૌરા- સર્વિસ વુમન

પૂજા જણાવે છે, છ માસમાં મને 50 હજારનો પ્રોફિટ થયો. સારું રિટર્ન મળ્યા બાદ મેં મારી ભાભીને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા.

પૂજા એક પ્રાઈવેટ ફર્મમાં જોબ કરે છે. પૂજાએ લગભગ 5-6 વર્ષ પહેલાં જ એક નાની રકમથી રોકાણની શરૂઆત કરી હતી. પૂજા જણાવે છે કે એક દિવસ મિત્રના કહેવા પર વાતો વાતોમાં જ બ્લુચિપ શેરમાં મેં 25 હજાર રૂપિયાની સામાન્ય રકમ ટેસ્ટ તરીકે રોકી દીધી, પરંતુ બાદમાં તેના પર મને ઘણું સારું વળતર મળ્યું. ત્યારે થયું કે હું આને વધુ સારી રીતે શીખી શકું છું. તે જણાવે છે કે હું છેલ્લાં ત્રણ વર્ષમાં 4-5 લાખ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છું.

જોકે માર્ચના અંતમાં શેરબજારમાં મહામારીને કારણે મને નુકસાન થયું, પરંતુ પછી મેં માર્કેટ એક્સપર્ટની સલાહ લીધી અને એ સમયે મેં HDFC અને રિલાયન્સના કેટલાક શેર ખરીદ્યા અને મને અહીંથી ઘણું જ સારું રિટર્ન મળ્યું. છેલ્લા છ માસમાં મને 50 હજારનો પ્રોફિટ થયો છે. સારા વળતર પછી મેં મારી ભાભીને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા.

શું કહે છે ઓનલાઈન બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ?
ઓનલાઈન બ્રોકરેજ કંપની અપ સ્ટોક્સ મુજબ, એપ્રિલથી જૂન 2020 દરમિયાન મહિલાઓનાં ખાતાંમાં છેલ્લા કવાર્ટરની તુલનાએ 32%નો વધારો થયો છે, જેમાં 70% મહિલાઓ પહેલી વખત શેરબજારમાં રોકાણ કરી રહી છે. બ્રોકરેજ કંપનીની મહિલા ગ્રાહકોમાંથી 35% ગૃહિણીઓ છે. 74% મહિલા ગ્રાહક વિશાખાપટ્ટનમ, જયપુર, સુરત, રંગારેડ્ડી, નાગપુર, નાસિક, ગુંટુર જેવાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી છે.

એક્સપર્ટનું શું કહેવું છે?
એક બ્રોકિંગ હાઉસના કન્સલ્ટન્ટ મોહિત અગ્રવાલ જણાવે છે કે મહામારી દરમિયાન ઘરના ખર્ચમાં યોગદાન આપવા અને વેતનમાં કપાત, છંટણીઓને કારણે મહિલાઓ હવે શેરબજારમાં રુચિ લઈ રહી છે. આ ઉપરાંત બેંકોની એફડી પર વ્યાજદર ઘટી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મહિલાઓ બચતના અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here