વ્હિકલ્સ વેચાણમાં વૃદ્ધિથી ઓટોમોબાઇલ શેર્સે મહિનામાં 45% વળતર આપ્યું

0
82

લગભગ દોઢ વર્ષ બાદ ઓટોમોબાઈલ ક્ષેત્ર રોકાણકારોના રડાર પર પાછં ર્ફ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં વાહન વેચાણના પ્રતિકૂળ આંકડા વચ્ચે ભાવમાં ઘસારો જોતાં રહેલા ઓટો શેર્સ કોવિડના આગમન બાદ ભોંય ભેગા થઈ ચૂક્યા હતા. જોકે અંતિમ ત્રણ મહિનામાં ઉત્તરોત્તર અપેક્ષાથી સારા દેખાવ પાછળ ઓટો તથા ઓટો એન્સિલરી કંપનીઓમાં જાન આવી છે.

દિવાળી અગાઉના પખવાડિયાથી લઈને દિવાળી પછીના પખવાડિયાના એક મહિનાના સમયમાં લગભગ તમામ ઓટો કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી છે. જોકે ઓટોમોબાઈલ કંપનીઓ કરતાં પણ ઓટો એન્સિલરી કંપનીઓનો દેખાવ વધુ સારો જોવા મળી રહ્યો છે. જેનું કારણ તેમના નિકાસ બિઝનેસમાં જોવા મળેલો ઝડપી સુધારો છે.

ગુરુવારે ઘણી ઓટો કંપનીઓના શેર્સેમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. જેમાં બજાજ ઓટોનો શેર રૂ. ૩૩૬૮ની ૫૨-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે તે સ્તરે બંધ આપવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. બીજી બાજુ અગ્રણી કાર ઉત્પાદક અને પેસેન્જર કાર ક્ષેત્રે ૫૦ ટકા હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકીનો શેર ૭ ટકાથી વધુ ઊછળીને બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. ૭૨૦૩ના બંધ ભાવ સામે રૂ. ૫૭૫ અથવા ૮ ટકાના ઉછાળે રૂ. ૭૭૭૭ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. ૨.૩૪ લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું.

કાઉન્ટરે કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં રૂ. ૧૦,૦૦૦ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી માર્ચ ૨૦૨૦માં તે ગગડીને રૂ. ૪૦૦૨ના પાંચ વર્ષના તળિયા પર જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી માસિક ધોરણે કાર વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવી રહ્યા છે. જેની પાછળ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. જોકે ગણતરીમાં લીધેલા સમય દરમિયાન તેણે માત્ર ૧૨ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

અન્ય નાના ઓટો કાઉન્ટર્સનો દેખાવ તેના કરતાં સારો રહ્યો છે. જેમાં ટાયર ઉત્પાદક તથા બેટરી ઉત્પાદક કંપનીઓનો સમાવેશ પણ થાય છે. તાતા જૂથની કર્મિશયલ વ્હિકલ ઉત્પાદક તાતા મોટર્સના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં માસિક ધોરણે ૩૮ ટકા સાથે સૌથી સારો દેખાવ કર્યો છે. કંપનીનો શેર નવેમ્બર દરમિયાન રૂ. ૧૩૪ પરથી રૂ. ૧૮૫ સુધી સુધર્યો હતો. કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. ૬૫ના તેના દાયકાના તળિયા પર પટકાયો હતો. જેમાંથી કળ વળતાં તેણે ઘણો સમય લાગ્યો હતો.

જોકે અંતિમ બે મહિના દરમિયાન અપેક્ષાથી સારા વેચાણ પાછળ રોકાણકારો નીચા ભાવે ખરીદી કરી રહ્યા છે. ટ્રેકટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ ૨૬ ટકા જેટલો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. એક સમયે રૂ. ૧૦૦૦થી ઉપરના સ્તરે ટ્રેડ થતો શેર ગગડીને રૂ. ૫૦૦ની નીચે ચાલ્યો ગયો હતો.

હાલમાં તે રૂ. ૭૪૫ પર જોવા મળી રહ્યો છે. ખરીફ બાદ રવી સિઝન પણ સારી રહેવા પાછળ ગ્રામીણ અર્થતંત્રમાં મજબૂતીના અહેવાલે ટ્રેકટરનું વેચાણ સારં જળવાવાની શક્યતા છે. જેની શેર પર પોઝિટિવ અસર જોવા મળશે. ટાયર ઉત્પાદક બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ અને એમઆરએફ્ના શેર્સે અનુક્રમે ૨૨ ટકા અને ૧૮ ટકાનું વળતર દર્શાવ્યું છે.

૩ નવે.થી ૩ ડિસે. સુધીનો ઓટો કાઉન્ટર્સનો દેખાવ

સ્ક્રિપ્સ                  ૩ નવેમ્બરનો   ૩ ડિસેમ્બરનો  વૃદ્ધિ   

બંધ (રૂ)         બંધ (રૂ.)        (ટકામાં) 

મધરસન સુમી          ૧૦૮.૦૫       ૧૫૬.૨૫       ૪૪.૬૧

તાતા મોટર્સ            ૧૩૪.૧         ૧૮૫           ૩૭.૯૬

એમએન્ડએમ           ૫૯૫.૮         ૭૪૫           ૨૬.૦૦

બાલક્રિષ્ણ ઈન્ડ .       ૧૩૫૦.૫       ૧૬૪૭         ૨૧.૯૫

આઈશર મોટર          ૨૦૯૫         ૨૫૪૯.૯૫     ૨૧.૭૨

એમઆરએફ            ૬૭૬૭૬.૨૫    ૭૮૫૯૯.૯૫    ૧૭.૮૯

ભારત ફેર્જ              ૪૫૮.૩૫       ૫૩૯.૯         ૧૭.૭૯

અમરરાજા બેટરીઝ     ૭૮૨.૮         ૯૧૫.૨         ૧૬.૯૮

એક્સાઈડ ઈન્ડ.         ૧૬૦.૧૫       ૧૮૪.૬         ૧૪.૭૦

બજાજ ઓટો            ૨૯૧૪.૮૫     ૩૨૯૮.૩       ૧૪.૫૨

બોશ લિ.               ૧૧૮૨૦.૮     ૧૩૩૦૦.૯     ૧૨.૫૨

અશોક લેલેન્ડ          ૮૩.૯          ૯૫.૩૫         ૧૧.૩૨

મારુતિ સુઝુકી           ૬૯૧૩.૩૫     ૭૭૩૫         ૧૧.૮૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here