વિમેન્સ ટી૨૦ ચેલેન્જ ક્રિકેટ ટૂર્નામેન્ટના બીજો મુકાબલામાં ટ્રેલબ્લેઝર્સે વેલોસિટીને નવ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વેલોસિટીની ટીમ ૧૫.૧ ઓવરમાં માક્ષ ૪૭ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ટ્રેલબ્લેઝર્સે ૭.૫ ઓવરમાં એક વિકેટે ૪૯ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ટ્રેલબ્લેઝર્સે માત્ર ૪૭ બોલમાં મેચ જીતી લીધી હતી. બીજી તરફ વેલોસિટીએ ટૂર્નાનેન્ટના ઇતિહાસનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ૨૦૧૯માં ટ્રેલબ્લેઝર્સે જયપુર ખાતે છ વિકેટે ૧૧૨ રનનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. રનચેઝ કરનાર ટ્રેલબ્લેઝર્સ માટે ઓપનર ડિન્ડ્રા ડોટ્ટિને ૨૬ બોલમાં ૨૯ તથા રિચા ઘોષે ૧૩ રન બનાવ્યા હતા. આ પહેલાં પ્લેયર ઓફ ધ મેચ બનેલી એક્લેસ્ટોને નવ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ભારતની સિનિયર બોલર જુલન ગોસ્વામીએ ૧૩ રનમાં બે તથા ગાયકવાડે ૧૩ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. વેલોસિટીની ટીમની માત્ર ત્રણ બેટ્સવુમન બેવડા આંકનો સ્કોર નોંધાવી શકી હતી. ત્રણ ખેલાડી ખાતું પણ ખોલાવી શકી નહોતી.