વેનેઝુએલામાં એક લાખની નોટ આપો, બદલામાં મળશે ફક્ત બે કિલો બટાટા !

0
170

– 2014માં તેલનો આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં એની નિકાસ કરનારા આ દેશની સ્થિતિ કફોડી બનતી ગઇ

ક્યારેક અમીરીમાં આળોટતા વેનેઝુએલાનું ચલણ આજે રદ્દી જેવું થઇ ગયું છે. મોંઘવારી એટલી છે કે એક કપ ચા-કોફી માટે પેટી ભરીને ચલણી નોટો લઇ જવી પડે છે ! આ મુશ્કેલીને દૂર કરવા માટે વેનેઝુએલા સરકાર ફરી એક વાર મોટી નોટ છાપશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ  વેનેઝુએલાએ ચલણી નોટ છાપવા માટેનો કાગળ પણ બહારથી  મંગાવવો પડે છે. એણે અત્યાર સુધીમાં એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન સિક્યોરિટી કાગળ ખરીદ્યો છે.  અહીનું ચલણ બોલિવર કહેવાય છે. 

વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્ક હવે એક લાખ બોલિવરની નોટ છાપશે. અત્યાર સુધીની આ સૌથી મોટી નોટ બની રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નોટનું  મૂલ્ય ફક્ત 0.23 ડોલર જ હશે, જેનાથી માત્ર બે કિલો બટાટા ખરીદી શકાશે. અગાઉ, અહીં 50,000 બોલિવરની નોટ છાપવામાં આવી છે. 

ગયા વર્ષે દેશનો મોંઘવારી-દર  2400 ટકા હતો. દેશનું અર્થકારણ સતત સાતમા વર્ષે મંદીમાં સપડાયું છે. આ વર્ષે કોરોના રોગચાળો અને તેલમાંથી થનારી આવક ઘટવાથી અર્થવ્યવસ્થાને વધુ 20 ટકા ફટકો પડવાની શક્યતા છે.

સરકારે ચલણને સ્થિર કરવા માટે એની નોટોમાંથી શૂન્યને ઘટાડી નાખ્યા હતા, પરંતુ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડયા હતા. વેનેઝુએલામાં 2017થી જ મોંઘવારી સતત વધી રહી છે. મોટા ભાગના લોકો જીવનજરૂરી ચીજો પણ ખરીદી શકતા નથી. સાંજ થતા જ  દુકાનોમાં લૂંટફાટ શરૂ થઇ જાય છે. 

ચાર આંકડાની મુદ્રાસ્ફીતિના લીધે વેનેઝુએલાના ચલણની હવે કોઇ કિંમત નથી. ગ્રાહકોએ મજબૂરીથી કાં તો પ્લાસ્ટિક અથવા ઇલેકટ્રોનિક વસ્તુઓને ટ્રાન્સફર કરવી પડે છે. અથવા ડોલર રાખવા પડે છે.  જો કે બસનો ઉપયોગ કરવા માટે સ્થાનિક ચલણ બોલિવરની જ જરૂર પડે છે. 

દેેશમાં મોંઘવારી એટલી છે કે એક કિલો માંસ માટે લાખો બોલિવર ચૂકવવા પડે છે. ગરીબી અને ભૂખમરાથી બચવા માટે લગભગ 30 લાખ લોકો વેનેઝુએલા છોડીને બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, એકવાડોર અને પેરૂ જેવા દેશોમાં જઇ વસ્યા છે. 

2014માં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો ભાવ ઘટતા વેનેઝુએલા સહિત અનેક દેશોને અસર થઇ હતી. દેશની કુલ નિકાસમાં 96 ટકા હિસ્સો ફક્ત  તેલનો છે. ચાર વર્ષ  અગાઉ તેલનો ભાવ છેલ્લા 30 વર્ષોમાં સૌથી ઓછો થઇ ગયો હતો. 

આર્થિક સંકટના લીધે સરકાર સતત નોટો છાપતી રહી, જેના લીધે હાઇપર  મુદ્રાસ્ફીતિની સ્થિતિ પેદા થઇ ગઇ, અને પરિણામે બોલિવરનો ભાવ સતત ઘટતો રહ્યો.,  દેશના રાષ્ટ્રપતિ મદુરો દેશની આર્થિક બેહાલી બદલ વિશ્વના તેલ ઉત્પાદક દેશોના સંગઠન (ઓપેક)ના પ્રતિબંધોને જવાબદાર ગણાવે છે.  અમેરિકા પણ મદુરોને  સત્તાસ્થાનેથી હટાવવા માટે આર્થિક પ્રતિબંધો દ્વારા દબાણ આણવાની કોશિશ કરતો રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here