વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં ઘટાડો ચાલુ

0
115

ચાંદી એક કિલોના ભાવ રૂપિયા રૂ. ૧૧૦૦ તૂટી રૂપિયા ૬૧૫૦૫

– – ક્રુડ ઓઈલમાં સાંકડી વધઘટે ભાવમાં નરમાઈ: ડોલર સામે રૂપિયો ઘટયો

વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો.દિવાળી બાદ ઘરઆંગણે માગ ઘટતા તેની પણ ભાવ પર અસર પડી હતી. કોરોનાની વેકસિન અસરકારક પરિણામો દર્શાવી રહ્યાના અહેવાલો તથા ડિસેમ્બરના અંત સુધીમાં તેને મંજુરી મળી જવાની આશાએ સોનાચાંદીમાં ઘટાડો જોવાયો હતો. સ્થાનિક કરન્સી બજારમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો જ્યારે ક્રુડ તેલમાં નરમાઈ રહી હતી.

સ્થાનિક મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ  ગ્રામના ભાવ જીએસટી વગર જે ગઈકાલે રૂપિયા ૫૦૪૨૪ રહ્યા હતા તે આજે રૂપિયા ૫૦૧૪૨ રહ્યા હતા. ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૦૬૨૭વાળા રૂપિયા ૫૦૩૪૪ બંધ રહ્યા હતા.

 જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૨૬૦૫થી રૂપિયા ૧૧૦૦ તૂટી રૂપિયા ૬૧૫૦૫ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

વિશ્વ બજારમાં ગોલ્ડ પ્રતિ ઔંસ ૧૮૭૪ ડોલરવાળું ૧૮૬૨ ડોલર જ્યારે ચાંદી ૨૪.૪૧ ડોલર પરથી ઘટી ઔંસ દીઠ ૨૩.૯૮ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ૯૨૯ ડોલરથી વધી ૯૪૫ ડોલર  જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૩૩૭ ડોલરથી ઘટી ૨૩૧૮ ડોલર બોલાતું હતું. કોરોના વાઈરસ વિરોધી રસી નજીકના ભવિષ્યમાં બજારમાં આવી જવાની આશાએ સોનામાં વેચવાલી આવી રહી છે.

સ્થાનિક કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો નરમ રહ્યો હતો.  વિદેશ બજારમાં ડોલર ઈન્ડેકસ ગઈકાલે બે વર્ષના તળિયે ગયા બાદ આજે ફરી ઊંચકાયો હતો. સ્થાનિકમાં ડોલર સાત પૈસા સુધરી ૭૪.૨૭ રૂપિયા, પાઉન્ડ ૫૧ પૈસા ઘટી ૯૮.૧૧ રૂપિયા તથા યુરો ૩૬ પૈસા ઘટી ૮૭.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારો તૂટતા ડોલર સામે રૂપિયામાં નરમાઈ આવી હતી. 

અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ક્રુડ તેલની માગ દબાણ હેઠળ રહેવાની ગણતરીએ ભાવમાં સાંકડી વધઘટ જોવા મળે છે. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૪૧.૩૧ ડોલર તથા બ્રેન્ટ ૪૪.૦૫ ડોલર બોલાતું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here