ઈટાલીના મોલિઝે ક્ષેત્રના મધ્યકાલીન ગામ કાસ્ત્રોપિગનાનોમાં વસવા ઈચ્છુક લોકોને સ્થાનિક તંત્રે 90 રૂપિયામાં ઘર વેચવાની શરૂઆત કરી છે. આમ, કાસ્ત્રોપિનનાગો દુનિયાના સૌથી સસ્તા ઘર ધરાવતું ગામ છે. હાલ આ ગામમાં 900 લોકો રહે છે. 1930ના દસકામાં અહીં 2500 લોકો રહેતા હતા, જ્યારે 1960 પછી મોટા ભાગના યુવાનો નોકરીની શોધમાં ગામ છોડીને શહેર તરફ જવા લાગ્યા.
આજે આ ગામમાં 60% લોકોની ઉંમર 70 વર્ષથી વધુ છે. હવે તંત્ર ફરી આ ગામ વસાવવા ઈચ્છે છે, જેથી અહીં લોકોને સસ્તા ઘર અપાય છે. આ પહેલા તંત્રે ઘરો અને મૂળ માલિકોને નોટિસ મોકલીને આ નિર્ણય જણાવ્યો હતો. તેમાં કહ્યું હતું કે, જો તેઓ ઘરનું રિપેરિંગ નહીં કરાવે તો સુરક્ષાના કારણસર તેમની મિલકતો કબજામાં લઈ લેવાશે. આ ગામ સ્કી રિસોર્ટ અને સમુદ્ર તટ નજીક છે. એટલે અધિકારીઓને આશા છે કે, સસ્તા ઘરની યોજના સફળ રહેશે.
આ છે યોજના: ત્રણ વર્ષમાં રિપેરિંગ કરાવવું પડશે, ગેરંટી મની પણ લેવાશે
કાસ્ત્રોપિનગાનોમાં પહેલા તબક્કામાં 100 ઘર વેચવા માટે રખાયા છે. નિયમ પ્રમાણે, ઘર ખરીદનારાને ત્રણ વર્ષમાં ઘરનું રિપેરિંગ કરાવવું પડશે. જો તેવું નહીં કરે તો ઘર જપ્ત થઈ જશે. તેમણે 2000 યુરો એટલે કે આશરે રૂ. 1,78,930 ગેરંટી તરીકે પણ જમા કરાવવા પડશે. આ રિપેરિંગ પૂરું થયા પછી આ રકમ પાછી આપી દેવાશે.
મોલિઝેના અન્ય ગામ-શહેરો પણ ઘર વેચવાની યોજના લાવી ચૂક્યા છે
મોલિઝેમાં અનેક ગામ-શહેરો ઈચ્છે છે કે, અહીંથી શહેરો તરફ ગયેલા પાછા આવે. એટલે તેઓ પણ સસ્તા ઘર વેચવાની યોજના ચલાવી ચૂક્યા છે. જોકે, તેમાંથી કોઈ કાસ્ત્રાપિગનાનો જેટલા સસ્તા ઘરની યોજના નથી લાવ્યું. આ પહેલા કેટલાક ગામ-શહેરે આશરે 25 હજાર યુરો એટલે કે આશરે રૂ. 22,36,280માં ઘર વેચવાની રજૂઆત કરી હતી.