વિવાદમાં ‘આદિપુરુષ’:સૈફ અલી ખાને રાવણ અંગેના નિવેદન પર માફી માગી, રામ કદમે કહ્યું- હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડનારી કોઈ વાત ભાજપ સહન કરશે નહીં

0
86

તાજેતરમાં સૈફ અલી ખાને પોતાની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ અંગે પોતાના રોલ અંગે વાત કરી હતી. સૈફ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. ફિલ્મ અંગે સૈફે એવું કહ્યું હતું કે ફિલ્મમાં રાવણને માનવીય બતાવવામાં આવશે અને સીતાહરણને ન્યાય-પૂર્ણ ઠેરવવામાં આવશે. સૈફની આ વાતનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૈફે પોતાના નિવેદન બદલ માફી માગી હતી. તો બીજુ બાજુ ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયામાં ફિલ્મ અંગે મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જો ફિલ્મના માધ્યમથી હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ભાજપ આ સહન કરશે નહીં.

માફી માગીને સૈફે શું કહ્યું?
સૈફે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું, ‘મારા ધ્યાનમાં આ વાત આવી છે કે મારા ઈન્ટરવ્યૂમાં મારી એક વાતથી વિવાદ થયો છે અને લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. મારા કહેવાનો અર્થ તે નહોતો અને તે ઈરાદો પણ નહોતો. હું દરેકની માફી માગું છું અને મારું નિવેદન પરત લઉં છું. ભગવાન રામ હંમેશાં મારા માટે ન્યાયપૂર્ણ તથા વીરતાના પ્રતિક રહ્યાં છે. ‘આદિપુરુષ’માં અનિષ્ટ પર ઈષ્ટનો વિજય તથા આખી ટીમ આ મહાકાવ્યના કોઈ પણ તથ્ય સાથે છેડછાડ કર્યા વગર કામ કરશે.’

ભાજપ નેતા રામ કદમે સોશિયલ મીડિયામાં આ વાત કહી
રામ કદમે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘રાવણનું પાત્ર ભજવનાર સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં રાવણે સીતાહરણ કર્યું તેને યોગ્ય ઠેરાવવામાં આવશે. રાવણનો માનવીય પક્ષ બતાવવામાં આવશે અને શ્રીરામ વિરુદ્ધ યુદ્ધને યોગ્ય બતાવવામાં આવશે. ઓમ રાઉત તમે ‘તાન્હાજી’ બનાવી અને દુનિયાએ ફિલ્મને પસંદ કરી, કારણ કે આ હિંદુ ગૌરવ તથા મરાઠી અસ્મિતાને ન્યાય આપે છે. જોકે, ‘આદિપુરુષ’માં રાવણને સકારાત્મક બતાવવાની યોજના હોય તો અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. આશા છે કે તમે સમજી રહ્યાં હશો. જય શ્રીરામ.

સૈફે કઈ વિવાદિત વાત કહી હતી?
મુંબઈ મિરર સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને ‘આદિપુરુષ’માં લંકેશના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. વધુમાં સૈફે કહ્યું હતું, ‘રાક્ષસ રાજાનું પાત્ર ભજવવાની મજા આવશે, પરંતુ અમે તેને દયાળુ બતાવીશું. ફિલ્મમાં સીતાના અપહરણને ન્યાય-પૂર્ણ બતાવવામાં આવશે. લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપી નાખ્યું હતું અને આ વાતનો બદલો લેવા માટે રાવણે રામ સાથે યુદ્ધ કર્યું હતું. આ વાત ફિલ્મમાં બતાવવામાં આવશે.

સૈફની વાત પર યુઝર્સ ભડક્યા
સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા હતા. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી હતી. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી હતી.

2022માં ફિલ્મ રિલીઝ થશે
સૈફ અલી ખાન ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં તથા ક્રિતિ સેનન સીતાના રોલમાં છે. આ ફિલ્મ 2022માં ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here