વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનો નિર્ણય લેવાય તેવી શક્યતા

0
115
  • ભાજપની તરફેણમાં પરિણામો આવશે તો જાન્યુઆરીમાં ચૂંટણી, નહીં તો એપ્રિલ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી શકે છે
  • રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા છે
  • ડિસેમ્બરમાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ખાસ સમીક્ષા કરી શકે છે

ગુજરાતમાં છ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુલતવી રહેલી ચૂંટણી વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પરિણામના આધારે નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને જો પેટા ચૂંટણીમાં ભાજપનું પલ્લું ભારે રહેશે તો જાન્યુઆરીમાં જ ચૂંટણી યોજાવાની શક્યતા છે.

3 મહિના સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખી છે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચ ડિસેમ્બર પછી ફરી સમીક્ષા કરશે અને ત્યારબાદ તારીખ નક્કી કરવામાં આવશે. હાલ રાજ્ય સરકારની ભલામણ પછી રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના સુધી મુલતવી રાખી છે.

સમીક્ષા બાદ નિર્ણય લેવાશે
પેટાચૂંટણીના પરિણામો જો ભાજપની ફેવરમાં આવશે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ નવા વર્ષ એટલે કે 2021ના પ્રારંભમાં કરવામાં આવે તેવી સંભાવના છે, પરંતુ જો પરિણામ વિપરિત આવશે તો આવતા વર્ષના મધ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં ત્રણ મહિના પછી કોરોના સંક્રમણની સમીક્ષા પછી નિર્ણય લેવાનું જણાવાયું છે.

નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણી પંચ સમીક્ષા કરશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત નવેમ્બર અને ડિસેમ્બરમાં પૂર્ણ થતી હતી પરંતુ હવે આ બન્ને મહિનામાં ચૂંટણીઓ શક્ય નથી. તેથી 2021માં આ ચૂંટણીઓ થાય તેવી રૂપરેખા ચૂંટણી પંચ બનાવી રહ્યું છે. સંભવ છે કે, જાન્યુઆરી મહિનામાં જ્યારે રાજ્ય ચૂંટણી પંચ સમીક્ષા બેઠક કરે ત્યારે રાજકીય પાર્ટીઓ, ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ અધિકારીઓના પ્રતિભાવ મેળવીને તારીખ જાહેર કરશે. રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here