વડોદરા, તા. 1 ઓકટોબર 2020, ગુરૂવાર
ઓક્ટોબર 2019 મા મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી પ્રોસેસ ડિઝાઇન કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપની માલિક સહિત 4 કર્મચારીઓના કમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે કર્મચારીઓને દાઝી જવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવની તપાસ ચલાવી રહેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, કંપની માલિકે સિંગલ યુઝ પ્લાસ્ટિક રિસાયક્લિંગ કરવા માટેનું મશીન બનાવ્યું હતું અને તેની ટેસ્ટિંગ સમયે બોલરમાં બ્લાસ્ટ થતા ઘટના ઘટી હતી. આ ટેસ્ટિંગ વખતે કોઈપણ જાતની સુરક્ષાના સાધનો કંપનીમાં જણાય આવતા માંજલપુર પોલીસે મૃતક કંપની માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ અર્જુનભાઈ ઇશ્વરભાઇ ગત વર્ષે 21 10 2019 ના રોજ તપાસમાં હતા. તે દરમિયાન મકરપુરા જીઆઇડીસી પ્રોસેસ ડિઝાઇન કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કર્મચારીઓને ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મકરપુરા જીઆઇડીસી શેડ નંબર 336 / 9 માં કેમશેલ કંપની આવેલી છે જે ત્રણ ભાગમાં વિભાજીત છે. તે પૈકીના એક ભાગમાં ભાસ્કર પઢરીનાથ નાડકર્ણી ( રહેવાસી – સીરાલી સોસાયટી , ફતેગંજ, વડોદરા ) પ્રોસેસ ડિઝાઇન કંપની ધરાવે છે અને મશીનનું ટેસ્ટિંગ કરતા હતા. તે વખતે અચાનક મશીનમાં આગ લાગી ગઈ હતી સ્થળ પર ઉભેલા કર્મચારીએ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અચાનક ફ્યુલની ટાંકી ગરમ થતાં મશીનમાં લાગેલ બોઇલર ફાટતાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે તમામ કર્મચારીઓ દાઝી ગયા હતા. આ ઘટનામાં સુભાષભાઈ ચિત્રે ( રહેવાસી- દાંડિયા બજાર ,માણેકરાવ અખાડાના સામે ,વડોદરા) ભાસ્કર પઢરીનાથ નાડકર્ણી , શ્રીકાંત મધુસુદન બોરસે ( રહેવાસી – બદામડી બાગ ,દાંડિયા બજાર )ખુમાનસિંહ ભાભોર (રહેવાસી- સિકોતેર નગર, અલવાનાકા, માંજલપુર) નું મોત નીપજ્યું હતું.
અને મશીનના પરીક્ષણ સમયે બ્લાસ્ટ થતાં 6 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ 11 મહિના બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.