વટવામાં સોલવન્ટ ભરેલા 20 પીપમાં બ્લાસ્ટ થતાં ચાર ફેક્ટરી આગમાં ખાખ

0
53

 રાત્રે 1 વાગે થયેલા વિસ્ફોટને પગલે દોડધામ : અજંપાની સ્થિતિ

– ફેક્ટરીની નજીક આવેલા વીસ ઝૂંપડા રાખ : એક ટ્રક સહિતના છથી વધુ વાહનો પણ હોમાયા : જાનહાનિ નહીં

અમદાવાદ શહેરમાં મંગળવારની રાત ખુબ ભયાવહ બની રહી હતી.વટવા જી.આઈ.ડી.સી.ફેઈઝ-બેમાં આવેલી માતંગી ઈન્ડસ્ટ્રીઝ નામનીબંધ ફેકટરીમાં રાખવામાં આવેલાં સોલવન્ટના જથ્થામાં એક પછી એક એમ સોલવન્ટના વીસ પીપડામાં અગમ્ય કારણોસર પ્રચંડ ધડાકા સાથે રાતે એકના સુમારે ભીષણ આગ ફાટી નીકળતા આગની લપેટમાં માતંગી ઉપરાંત રીકીન અને અન્ય બે ફેકટરીઓ પણ આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ઘટના સ્થળથી પાંચ કીલોમીટર સુધીના વિસ્તાર સુધી એની અસર જોવા મળતા પૂર્વ અમદાવાદના વટવા,વિંઝોલ અને ઈસનપુર સહીતના વિસ્તારમાં રહેતા લોકોએ આખી રાત ભારે ઉચાટ સાથે પસાર કરવાની ફરજ પડી હતી.આગ લાગતા આ વિસ્તારમાં ઝુંપડા બાંધી રહેતા શ્રમિકો તેમના ઝુંપડામાં રહેલી ઘરવખરી જેમની તેમ છોડી દઈને જીવ બચાવવા નાસી છૂટયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.આ ઘટનામાં એક ટ્રક સહીત કુલ છથી વધુ વાહનો આગમાં હોમાઈ ગયા છે.વીસ ઝુંપડા પણ બળીને ખાખ થઈ ગયા છે.

મંગળવારે રાતે એકના સુમારે ભીષણ આગને પગલે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.મંગળવાર રાતથી બુધવાર સાંજ સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા ૪૬ થી પણ વધુ વાહનોની મદદથી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરતા આગ નિયંત્રણમાં આવ્યા બાદ પણ ઘટના સ્થળે ધુમાડા ફરી દેખાતા ફાયરના ઉચ્ચ અધિકારીઓ ફરી ઘટના સ્થળે દોડી ગયા હતા.આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર આગમાં ઈજાગ્રસ્ત થયો હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આગને નિયંત્રણમાં લેવા અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ ઉપરાંત ૧૨૫ થી પણ વધુ ફાયરના જવાનોએ ફરજ બજાવી હતી.

અમદાવાદની માઠી બેઠી હોય એમ મંગળવારે રાતે એકના સુમારે વટવા વિંઝોલ ફાટક પાસે આવેલી માતંગી ઈન્ડસ્ટ્રીઝ અને જેગસન કલરકેમ નામની બે બંધ ફેકટરીમાં રાખવામાં આવેલા સોલવન્ટના જથ્થામાં પ્રચંડ ધડાકા અને વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં આવેલી અન્ય બે ફેકટરીઓ પણ આગના લપેટામાં આવી ગઈ હતી.આગને કારણે ઘટના સ્થળે રાખવામાં આવેલી એક ખાનગી ટ્રક અને છથી વધુ વાહનો પણ આગની ઝપેટમાં આવતા તમામ વાહનો આગમાં હોમાઈ ગયા હતા.

આ તરફ આગની વિકરાળતા જોતા અમદાવાદ ફાયર બ્રિગેડ તરફથી બ્રિગેડ કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનોના સ્ટેશન ઓફીસર,એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ ઉપરાંત સો થી પણ વધુ ફાયરના જવાનો ઘટના સ્થળે ૪૬થી વધુ વોટર ટેન્કર અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.સૌથી દર્દનાક બાબત તો એ બહાર આવી છે કે,આગ જયાં લાગી હતી એ સ્થળથી નજીકમાં કેટલાક શ્રમિકો ઝુંપડા બાંધી રહેતા હતા.આ તમામ જીવ બચાવવા તેમના ઝુંપડામાં રહેલી તમામ ઘરવખરી મુકી દઈ જીવ બચાવવા ઘટના સ્થળથી અન્ય સ્થળે ભાગી ગયા હતા.

ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી,આંખોમાં બળતરા થઈ

વટવા જી.આઈ.ડી.સી.ફેઈઝ-બેમાં મંગળવારે રાતના સુમારે લાગેલી આગ બાદ તેનો ધુમાડાની અસર પાંચ કીલોમીટર સુધી જોવા મળી હતી.પ્રચંડ ધડાકાના કારણે વટવાથી લઈ ઈસનપુર સુધીના રહીશો ભરઉંઘમાંથી જાગી ગયા હતા.ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે આંખોમાં બળતરા થતી હોવાની ફરીયાદો પણ વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી હતી.

બંધ ફેકટરીમાં સોલવન્ટનો મોટો જથ્થો ક્યાંથી આવ્યો ?

વટવા ખાતે મંગળવારે રાતના સુમારે લાગેલી ભીષણ આગ પાછળનું ચોકકસ કારણ જાણવા મળ્યુ ન હોવાનું ફાયર કંટ્રોલ સૂત્રોનું કહેવું છે.જે ફાયરના અધિકારીઓ અંગાર કોલ એટેન્ડ કરી રહ્યા હતા એ પૈકી એક અધિકારીના કહેવા પ્રમાણે,ફેકટરીમાં મોટા પ્રમાણમાં સોલવન્ટનો જથ્થો હોવાનું પ્રાથમિક તારણ તપાસમાં બહાર આવ્યું છે.આ સંજોગોમાં બંધ ફેકટરીમાં આટલા મોટા પ્રમાણમાં સોલવન્ટનો જથ્થો કયા કારણથી રાખવામાં આવ્યો હતો એ અંગેના કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.

મ્યુનિ.કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડયા

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,વટવાની ફેકટરીઓમાં લાગેલી આગની ઘટનાની ગંભીરતાની જાણ થતા જ રાતના સમયે જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં તેમણે આગને શકય એટલી ઝડપથી કાબૂમાં લેવાના તમામ પ્રયાસ હાથ ધરવા સુચના આપી હતી.

અમદાવાદમાં એક વર્ષમાં આગના બનાવમાં ૩૯ લોકોના મોત

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષની અંદર આગના મોટા બનેલા બનાવોમાં અત્યાર સુધીમાં ૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવવાની નોબત આવી છે.જેની વિગત આ મુજબ છે.

સ્થળ મોત

સાહીલ એન્ટર પ્રાઈઝ,પીરાણા ૧૨

શ્રેય હોસ્પિટલ,નવરંગપુરા ૦૮

નંદન એકિઝમ,ચિરિપાલ ગ્રુપ ૦૮

વિશાલ ફેબ્રિકસ,ચિરીપાલ ગ્રુપ ૦૬

લોટસ લેબલ ઈન્ડસ્ટ્રીઝ,ઓઢવ ૦૩

ગણેશ જીનેસીસ,ગોતા ૦૨

આગની શરૂઆત માતંગી ઈન્ડસ્ટ્રીઝથી થઈ હતી…

વટવામાં મંગળવારે રાતે લાગેલી આગની શરૂઆત માતંગી ઈન્ડસ્ટ્રીઝથી થઈ હતી.બાદમાં આગની અસર રીકીન નામની ફેકટરી ઉપરાંત જગસન કલરકેમ અને ભાવિન ઈન્ડસ્ટ્રીઝની ઓફીસ સુધી થઈ હોવાનું ફાયરના અધિકારીનું કહેવું છે.

એફ.એસ.એલ. કયા મુદ્દાની તપાસ કરશે?

વટવાની ફેકટરીઓમાં ભીષણ આગની ઘટનાને પગલે તંત્ર દ્વારા એફ.એસ.એલ.ની તપાસ માટે મદદ લેવામાં આવી છે.એફ.એસ.એલ.બંધ ફેકટરીમાં આટલા મોટા પ્રમાણમાં સોલવન્ટનો જથ્થો કેવી રીતે આવ્યો,કોના દ્વારા લાવવામાં આવ્યો? ફેકટરી બંધ હતી તો સોલવન્ટ ભરેલા પીપડાઓમાં બ્લાસ્ટ કયા કારણથી થયો? શું કોઈએ બીડી કે અન્ય પદાર્થ સળગાવ્યો એનાથી થયો વગેરે સહીતના કારણોની પણ તપાસ કરાશે.

મ્યુનિ.ના હોદ્દેદાર લોક ચર્ચામાં 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલમાં શાસકપક્ષના હોદ્દેદારો પૈકી એક હોદ્દેદાર પોતે સોલવન્ટના વ્યવસાય કરતા હોવાનુ તેમજ વટવા ના ઈન્ડસ્ટ્રીઅલ એકમોને સોલવન્ટનો જથ્થો સપ્લાય કરતા હોવાની ચર્ચા વટવા અને આસપાસના વિસ્તારમાં થતી જોવા મળી હતી.

ગેરકાયદે બાંધકામો દુર કરવા માંગણી કરાઈ

વટવામાં બનેલી ભીષણ આગની ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે પ્રતિક્રીયામાં કહ્યુ,આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે.આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની સત્તા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હતી એ સત્તા પરત કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here