બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં ઘરકંકાશ મામલે થયેલી બોલાચાલીમાં પતિએ જ પત્નીની કુહાડી વડે ક્રૂર હત્યા કરી દીકરીને પણ ઇજાઓ પહોંચાડી ફરાર થઈ જવાનો મામલો સામે આવ્યો છે. જેમાં હત્યારા પિતાની હરકતને કારણે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઇ પુત્રએ પિતા સામે માતાની હત્યા કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ મામલે અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ધાણધા ગામે ઘરકંકાશ મામલે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધાણધા ગામે રહેતા શાંતિભાઇ મકવાણા પહેલા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નજીકમાં આવેલી માણકા ગામની પંચાયતમાં સફાઇ કામ કરે છે. જ્યારે તેમના ચાર સંતાનોમા બે સંતાનો કલોલ ખાતે હોટલમાં સેવકનું કામ કરી પેટિયું રળે છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. ત્યારે ઘરમાં વીજ પુરવઠાનું બિલ ન ભરતાં વીજ કર્મીઓ દ્વારા ઘરનું વીજજોડાણ કાપી દેવાયું હતુ. જોકે ઘર માટે લીધેલી લોનના હપ્તાની ઉઘરાણી પણ વારંવાર આવવા છતાં ભરી ન શકતાં શાંતિભાઈની પત્ની નયનાબેન શાંતિભાઈને કામ ધંધો કરવા કહેતી હતી. અને પત્નીના ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા પતિ શાંતિભાઈએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. અને બાજુમાં પડેલી કુહાડી લઇ ઘરના પ્રાંગણમાં દીકરી દિપાલી સાથે બેઠેલી પત્નીને કુહાડીના ઘા ઝીંકી દેતા નયનાબેનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ દરમિયાન માતાને બચાવવા પિતાના હાથમાં રહેલી કુહાડી છીનવવા પહોંચેલી દીપાલીને પણ કુહાડીનો ઘા વાગી જતાં ઇજાઓ પહોંચી હતી.
માતા અને દીકરીની ચિચિયારીઓથી પાડોશી સગાસંબંધીઓ એકઠાં થઇ જતાં હત્યારો પતિ શાંતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતક નયનાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા પતિ શાંતિને શોધી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીની મિનિટોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો. જોકે પિતાની હરકતને કારણે માતાની છત્રછાયા ગુમાવનાર ચાર સંતાનોમાના મુકેશભાઈ મકવાણા નામના પુત્રએ હત્યારા પિતા શાંતિ મકવાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્ત દીપાલીએ કહ્યું કે, ઘરનું લાઈટ કપાઈ ગયું અને લોનના હપ્તાની ઉઘરાણી આવતા મમ્મી પપ્પાને ધંધો કરવા કહેતી હતી. આ બાદ હું અને મમ્મી ઘરના આંગણામાં બેઠા હતા અને પપ્પા કુહાડી લઇ આવી મમ્મીને કુહાડી મારવા લાગતાં હું બચાવવા ગઈ તો કુહાડી મને પણ વાગી ગઇ. જેથી હું સાઇડમાં ખસી જતાં પપ્પાએ મમ્મીને બીજા કુહાડીના ઘા મારતા મમ્મી ઢળી પડી હતી.