લોકડાઉનથી તણાવના લીધે હાઇ બ્લડપ્રેશરના દર્દીઓમાં ૩૭ ટકાનો વધારો

0
41

આર્જેન્ટિનામાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર લોકડાઉનને કારણે થતો તણાવ હાઇ બ્લડપ્રેશરથી પીડાતા લોકોની સંખ્યામાં વધારા માટે જવાબદાર છે. આ અભ્યાસમાં આર્જેન્ટિનામાં ૨૦મી માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી ત્રણ મહિનામાં એક હોસ્પિટલમાં ઇમર્જન્સીની સ્થિતિમાં દાખલ કરવામાં આવેલા ૧,૬૪૩ દર્દીઓમાંથી ૩૯૧ને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગયા વર્ષે આ જ સમયગાળા કરતાં આ સંખ્યા ૩૭ ટકા વધુ છે.

હાઇ બ્લડપ્રેશરથી ગંભીર બીમારીઓનો ખતરો

હાઇ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શનના ભાગ્યે જ દેખાય એવા લક્ષણો હોય છે, પરંતુ જો એની સારવાર ન થાય તો એનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો બ્લડપ્રેશર વધારે હોય તો એનાથી રક્તવાહિનીઓ, હૃદય તેમજ મગજ, કિડની અને આંખો જેવા અન્ય અંગો પર વધારે તાણ આવે છે. હાઇ બ્લડપ્રેશરથી હૃદયની બીમારીઓ, હાર્ટઅટેક, સ્ટ્રોક્સ, હૃદય બંધ પડી જાય, કિડનીની બીમારી, વેસ્ક્યૂલર ડિમેન્શિયા અને પેરિફેરલ આર્ટરિયલ ડિસીસ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

શારીરિક, આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ આ સ્થિતિમાં વધારે અસર કરે

બ્યૂનોસ એર્સમાં ફેવલોરો ફાઉન્ડેશન યુનિવર્સિટી હોસ્પિટલના ડો. મેટિઆસ ફોસ્કોએ જણાવ્યું હતું કે, ‘સમાજથી અલગ-થલગ થવું અને હાઇ બ્લડપ્રેશરની વચ્ચેના સંબંધ માટે અનેક સંભવિત કારણો છે. જેમ કે, મર્યાદિત શારીરિક સ્પર્શ, નાણાકીય કે પારિવારિક મુશ્કેલીઓ થતાં કે એ વધતા મહામારીના કારણે તણાવમાં વધારો થયો છે. વળી, મહામારી દરમિયાન નિષ્ક્રિય રહેણીકહેણી, વજનમાં વધારો, ભોજન અને આલ્કોહોલનું વધારે પ્રમાણ જેવાં કારણો પણ જવાબદાર હોય શકે છે.’  તેમણે વધુ કહ્યું હતું કે, ‘લોકડાઉનના કારણે બધા સાથે સંપર્ક કપાઈ જઈને અલગ-અલગ રહેવાના કારણે અમે નિરીક્ષણ કર્યું હતું કે, ઇમર્જન્સીમાં આવતા મોટા ભાગના દર્દીઓને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા છે. અમારું આ નિરીક્ષણ સાચું છે કે નહીં એ જાણવા અમે આ અભ્યાસ હાથ ધર્યો હતો.’

કડક લોકડાઉન લાગુ કરાયું

આર્જેન્ટિનામાં લોકડાઉન દરમિયાન લોકોને ખાવા-પીવા અને સફાઈ માટેની વસ્તુઓ તેમજ દવાઓ ખરીદવાની જ છૂટ હતી. શાળાઓ, યુનિવર્સિટીઓ પણ બંધ હતી. એ સિવાય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટ નહોતી.

બે સમયગાળા સાથે સરખામણી

દર્દીઓમાં લોકડાઉન દરમિયાન હાઇ બ્લડપ્રેશરના પ્રમાણની ૨૦૧૯માં ૨૦મી માર્ચથી શરૂ થતાં ત્રણ મહિના તેમજ લોકડાઉનના બરાબર પહેલાંના ત્રણ મહિના એમ બે સમયગાળા સાથે સરખામણી કરવામાં આવી હતી. આ અભ્યાસના ભાગરૂપે ૨૧મી માર્ચ, ૨૦૧૯થી આ વર્ષે ૨૫મી જૂન દરમિયાન દાખલ કરવામાં આવેલા લગભગ દરેક વ્યક્તિના બ્લડપ્રેશરને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું.  લોકડાઉનના ત્રણ મહિનામાં ઇમર્જન્સીમાં દાખલ કરવામાં આવેલા ૨૩.૮ દર્દીઓને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હતી. જે ૨૦૧૯માં આ જ સમયગાળા કરતાં નોંધપાત્ર વધારે છે. એ સમયગાળામાં આ ટકાવારી ૧૭.૫ હતી જ્યારે લોકડાઉનના બરાબર પહેલાંના ત્રણ મહિનામાં આ ટકાવારી ૧૫.૪ હતી. આ ત્રણેય સમયગાળામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનાં કારણો લગભગ સમાન હતા.

બ્રિટનમાં દર પાંચમાંથી એકને હાઇ બ્લડપ્રેશર

બ્રિટનમાં દર પાંચમાંથી એક પરિપક્વ વ્યક્તિને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા છે. જેનું મુખ્ય કારણ અયોગ્ય ભોજન, તણાવ અને ધૂમ્રપાન છે અને એના લીધે સ્ટ્રોક્સ, હાર્ટઅટેક અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here