લઘુ બચત યોજનાઓમાં રૂ.1 લાખ કરોડનો ઈન્ફલોઝ

0
105

 ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ ૨૫ ટકા વધુ નાણાં ઠલવાયા

– કોરોના ઈફેકટ: લોકોના બિનજરૂરી ખર્ચમાં ઘટાડો

વર્તમાન નાણાં વર્ષમાં દેશની વિવિધ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નાણાંનો જંગી પ્રવાહ જોવા મળ્યો હતો. કોરોનાને કારણે લોકોના બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થતાં આ નાણાં લઘુ બચત યોજનાઓ તરફ વળ્યા હોવાનું જોવા મળે છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ભારતીયોએ રૂપિયા એક ટ્રિલિયન જેટલી રકમ લઘુ બચત યોજનાઓમાં ઠાલવી છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૨૫ ટકા વધુ છે. 

લઘુ બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટસ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ ડિપોઝિટસ વગેરેનો સમાવેશ થાય છે. 

પબ્લિક પ્રોવિડેન્ટ ફન્ડમાં પણ એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડ ઠલવાયા છે જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા ૪૬ ટકા વધુ છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના આર્થિક વિકાસ દરમાં ૨૪ ટકા ઘટાડો થયો છે અને સંપૂર્ણ વર્ષમાં આ દર દસ ટકા રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

સામાન્ય રીતે લઘુ બચત યોજનાઓ પગારદારો તથા ખેડૂત વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી છે પરંતુ વર્તમાન સંજોગોમાં દેશનો સમૃદ્ધ વર્ગ પણ સ્કીમ્સમાં નાણાં ઠાલવી રહ્યો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

અન્ય એસેટ કલાસની સરખામણીએ બચત યોજનાઓ આવા સમયમાં એકદમ સલામત હોય છે. તાજેતરમાં ભારતમાં બેન્કોની સ્થિતિ નબળી પડતી જતી હોવાના ચિત્રને કારણે પણ રોકાણકારો પોતાના બચાવેલા નાણાં એકદમ સલામત સાધનોમાં રોકવાનું પસંદ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here