રહેઠાણના વેચાણમાં વધારો પણ કોરોના પહેલાના સ્તરથી નીચો

0
45

– રિઅલ એસ્ટેટ ક્ષેત્રે માગમાં સુધારાનો આધાર અર્થતંત્રની રિકવરી પર રહેશે

દેશના મહાનગરોમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રહેઠાણના વેચાણમાં વધારો થયો છે પરંતુ દેશની રિઅલ એસ્ટેટ માર્કેટ માટે રિકવરી હજુ ઘણી દૂર હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. રિઅલ એસ્ટેટ માર્કેટને કોવિડ-૧૯ પહેલાના સ્તરે પહોંચવામાં લાંબો સમય લાગી જશે.

દેશના આઠ મહાનગરો કોલકત્તા, અમદાવાદ,  હૈદરાબાદ, મુંબઈ,પૂણે, બેંગ્લુરુ, એનસીઆર તથા ચેન્નાઈમાં રહેઠાણનો વેચાણ આંક સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૩૩૪૦૩ એકમ રહ્યો છે જે જુન ત્રિમાસિકની સરખામણીએ ૨૪૬ ટકા વધુ છે. જો કે માર્ચ ત્રિમાસિકની સરખામણીએ આ આંક ૩૩ ટકા નીચો છે અને ૨૦૧૯ના વર્ષની ત્રિમાસિક સરેરાશ કરતા ૪૬ ટકા નીચો છે. ૨૦૧૯ના દર ત્રિમાસિકમાં  આઠ શહેરોમાં  મળીને સરેરાશ ૬૧૪૬૭ રહેઠાણો વેચાયા હતા. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વેચાયેલા કુલ રહેઠાણોમાંથી ૫૬ ટકા રહેઠાણ મુંબઈ, બેંગ્લુરુ તથા એનસીઆરમાં વેચાયા હતા. ૨૦૧૯માં આ આંક ૬૨ ટકા રહ્યો હતો. 

રિઅલ એસ્ટેટ ક્ષેત્ર કોરોનાની મંદીમાંથી બહાર આવી ગયો છે તેવું કહેવું હાલમાં ઘણું જ વહેલું ગણાશે એમ નાઈટ એન્ડ ફ્રેન્ક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. 

વેચાણમાં વધારો છતાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રહેઠાણના ભાવમાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૩થી ૭ ટકા ઘટાડો જોવાયો છે. આઠમાંથી માત્ર બે શહેરો બેંગ્લુરુ તથા હૈદરાબાદમાં ભાવમાં સાધારણ વૃદ્ધિ જોવાઈ છે. 

નીચા વ્યાજ દરો, આકર્ષક ઓફરો તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં સ્ટેમ્પ ડયૂટીમાં રાહત વેચાણમાં વધારા માટેના કારણો બની રહ્યા છે. અર્થતંત્રમાં સુધારો ગતિ પકડશે તો રિઅલ એસ્ટેટ ક્ષેત્રે માગ ફરી કોવિડ-૧૯ પહેલાના સ્તરે જોવા મળી શકે છે, એમ પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here