રતલામમાં ટ્રિપલ મર્ડર સહિત 6ની હત્યાનો આરોપી દાહોદનો કુખ્યાત દિલીપ દેવળ MP પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર

0
64
  • ખાચરોદમાં દિલીપે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું, પોલીસે જવાબમાં ફાયરિંગ કરતાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

દાહોદમાં એક વેપારી અને યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને મધ્યપ્રદેશના રતલામમાં ટ્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજે રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં 5 જેટલા પોલીસકર્મી પણ ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

દિલીપે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું, પોલીસે જવાબમાં ફાયરિંગ કરતાં ઠાર મરાયો
મધ્યપ્રદેશ પોલીસને બાતમી મળી હતી કે દિલીપ હાઇવેને અડીને ખાચરોદ માર્ગ નજીક ક્યાંક જઈ રહ્યો છે. બાતમી મળતાં એસપી ગૌરવ તિવારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઘેરાબંધી કરી હતી. જેથી દિલીપે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેને કારણે દિલીપનું ઘટનાસ્થળે જ મોતને થયું હતું. દિલીપ દ્વારા પણ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે સબ-ઈન્સ્પેક્ટર અયુબ ખાન અને અનુરાગ યાદવ તેમજ અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

પરિચિત વ્યક્તિનો લાભ લઇને દિલીપ બે વર્ષથી રતલામમાં વસવાટ કરતો હતો
દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલી સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લાં બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરીને ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિનો લાભ લઇને છેલ્લાં બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો. આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે થોડા સમય પહેલાં પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી, જેની તપાસ પોલીસ કરી હતી.

25 નવેમ્બરના રોજ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી
મધ્યપ્રદેશના રતલામ સ્થિત રાજીવનગરમાં 25 નવેમ્બર 2020ની રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવાના પ્રકરણમાં, દાહોદમાં બે હત્યા બાદ મરે ત્યાં સુધી આજીવન કેદની સજા બાદ પેરોલ જમ્પ કરનારા દાહોદના દિલીપ દેવળ અને અભલોડના લાલા ભાભોર સહિત ચાર લોકોની સંડોવણી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ પોલીસની મદદથી લાલા તેમજ રતલામના અન્ય આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે, જ્યારે દિલીપ ફરાર હતો. દિલીપે રતલામમાં દુષ્કર્મ તેમજ અન્ય એક હત્યા પણ કરી હોવાનું સામે આવ્યું હતું. દાહોદ શહેરમાં વર્ષ-2017માં વેપારી મોહનદાસની હત્યામાં પકડાયેલા દાહોદ નજીક આવેલા ખરેડી ગામના રહેવાસી દિલીપ દેવળે દાહોદના રામનગરમાં રહેતા પોતાના મિત્ર વિરલ શેઠની 4 ડિસેમ્બર 2013ના રોજ હત્યા બાદ પોતાના જ ખેતરમાં લાશને દાટી દેવાનું ખૂલ્યું હતું.

ફાયરિંગમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મી.

વિરલ હત્યા કેસમાં કોર્ટે દિલીપને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી હતી
વિરલ હત્યા કેસમાં 30 એપ્રિલ 2019ના રોજ દિલીપને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી હતી. વડોદરા જેલથી 19 સપ્ટેમ્બર 2019ના રોજ પેરોલ પર આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. મધ્યપ્રદેશના રતલામમાં આશરો લઇને રાજીવનગરમાં 25 નવેમ્બર-2020ની રાત્રે ગોવિંદરામ સોલંકી(50), પત્ની શારદા(45) અને દીકરી દિવ્યા(20)ની લૂંટના ઇરાદે તેમના ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

એક મહિલાની પણ ગોળી મારીને હત્યા કરી હતી
દિલીપ સાથે ગરબાડાના અભલોડ ગામના લાલા મનુ ભાભોર અને રતલામના જ ગોલુ ઉર્ફે ગૌરવ રાજેશ બિલવાળ અને અનુરાગ ઉર્ફે બોબી પ્રવીણસિંહ પરમારની પણ સંડોવણી સામે આવતાં તેમને પકડી લેવાયા છે. આ કેસમાં દિલીપ હાલ પણ ફરાર છે ત્યારે તેણે તેના પિતરાઇ ભાઇ સુનીત ઉર્ફે સુમિત જિતેન્દ્રસિંહ ચૌહાણ સાથે મળીને એન્ય એક મહિલાની પણ ગોળી મારીને હત્યા કરી હોવાનું પણ ખૂલતાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાસ્થળે પોલીસકાફલો.

નામ બદલીને દાહોદ અને રતલામમાં બે આધારકાર્ડ બનાવ્યાં
કુખ્યાત દિલીપ દેવળે ભળતાં નામનાં બે આધાર કાર્ડ પણ બનાવ્યાં હતાં. એક આધાર કાર્ડમાં તેણે પોતાનું નામ અનુપમ શર્મા રાખ્યું હતું, તેમાં દાહોદના ખરેડીનું સરનામું લખાવ્યું હતું, જ્યારે બીજું આધાર કાર્ડ હિમાંશુ સોલંકીના નામે બનાવ્યું હતું, તેમાં રતલામના ગાંધીનગર વિસ્તારનું સરનામું લખાવ્યું હતું.

હત્યા બાદ ગૌરવ અભલોડ ગામે સંતાયો હતો
અભલોડનો લાલા ભાભોર માત્ર 20 વર્ષનો છે. રતલામમાં રહેતો ગોલુ ઉર્ફે ગૌરવ બિલવાળ તેના સંબંધમાં થતો હોવાથી પરિચયમાં હતો. ગુનાઇત માનસ ધરાવતા ગોલુની વાતમાં આવીને રૂપિયાની લાલચે લાલા ભાભોરે ટ્રિપલ મર્ડરના ગુનામાં તેનો સાથ આપતાં ફસાયો હતો.

હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસકર્મી.

દિલીપે ક્યાં અને કેટલા ગુના આચર્યા
કુખ્યાત આરોપી દિલીપ દેવળે દાહોદમાં પોતાના મિત્ર વિરલ શેઠ, વેપારી મોહનદાસ, રતલામમાં પ્રેમકુંવરબાઇ ઉપરાંત ગોવિંદરામ સોલંકી, તેમની પત્ની શારદા અને દીકરી દિવ્યાની હત્યા કરી હતી. આ ઉપરાંત તે રતલામમાં જ એક અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

રેકી બાદ લૂંટ બાદ હત્યા કરવાની મોડ્સ-ઓપરેન્ડી
દિલીપ દેવળે પેરોલ જમ્પ કર્યા બાદ વિશાલા નામની એક મહિલા શિક્ષિકાની મદદથી તેણે રતલામમાં આશરો મેળવ્યો હતો. ગોવિંદરામ સોલંકીની દુકાને તે દાઢી કરાવવા જતો હતો. ગોવિંદરામે જમીનનો સોદો કર્યો હોવાથી દોઢ લાખ રૂપિયા આવ્યા હોવાની ખબર પડતાં તેણે લૂંટના ઇરાદે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ પ્રકારે જ રતલામમાં રહેતી પ્રેમકુંવરબાઇ નામની મહિલાએ પોતાની સ્કૂલનું વેચાણ કરતાં મોટી રકમ આવી હોવાની જાણ થતાં ઘર ભાડે લેવાના ઇરાદે રેકી બાદ તેની પણ ગોળી મારી હત્યા કરી નાખી હતી. દાહોદમાં વિરલના માથામાં પણ ગોળી જ મારી હતી, જ્યારે વેપારી મોહનદાસની ગળું દબાવીને હત્યા કરી હતી.

પોલીસ અધિકારીઓએ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી.

દિલીપ ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
દાહોદમાં એક વેપારી અને યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને મધ્યપ્રદેશના રતલામમાં ટ્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજે રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં 5 જેટલા પોલીસકર્મી પણ ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here