બોલિવૂડ એક્ટ્રેસ તબ્બૂ, તાપસી પન્નુ, અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિન્હાને લઈ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ એન્ટિવાયરસ બનાવતી સાઇબર સુરક્ષા ક્ષેત્રથી જોડાયેલ કંપની મૈકેફી(Mcafee) દ્વારા મંગળવારે જાહેર કરેલ એક યાદી અનુસાર બોલિવૂડની અભિનેત્રી તબ્બૂ, તાપસી પન્નુ, અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિન્હાનું નામ એવી ટોચની 10 હસ્તીઓમાં શામેલ છે, જેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી વાયરસના સંપર્કમાં આવવાનું જોખમ સૌથી વધુ છે.
રિપોર્ટ પ્રમાણે Mcafeeની સૌથી ખતરનાક હસ્તીઓની 2020ની ઇન્ટરનેશનલ યાદીમાં ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે જ્યારે અભિનેત્રી તબ્બૂ બીજા સ્થાને છે. તબ્બૂ તાજેતરમાં ‘અ સૂટેબલ બોય’ પર આધારિત મીરા નાયરની ટીવી સીરીઝમાં નજરે આવી હતી. જ્યારે ત્રીજા સ્થાને ફિલ્મ ‘થપ્પડ’ની અભિનેત્રી તાપસી પન્નુ છે. રિપોર્ટ મુજબ Mcafee ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ એન્જિનિયરિંગ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટ કૃષ્ણપુરે કહ્યું કે ગ્રાહક ફ્રી મનોરંજન માટે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે અને સાયબર ગુનેગારો ગ્રાહકોના આ રસનો લાભ લે છે.
ઉપરાંત તેમણે કહ્યું કે હાલ લોકો ફ્રીમાં રમત ઇવેન્ટ્સ, મૂવીઝ, વેબ સીરીઝ વગેરે જોવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે ગ્રાહક મફત સુવિધાઓ માટે સલામતી સાથે સમજૂતી કરે છે ત્યારે તેઓ પોતાના ડિજિટલ જીવન માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે. રિપોર્ટ મુજબ Mcafeeની યાદીની વાત કરીએ તો ચોથા સ્થાને ફિલ્મ નિર્માતા-અભિનેત્રી અનુષ્કા શર્મા છે. જ્યારે પાંચમાં નંબરે અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત, સિંગર અરમાન મલિક છઠ્ઠા, સારા અલી ખાન 7માં, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી 8માં, શાહરૂખ ખાન 9માં અને સિંગર અરિજીત સિંહ 10માં ક્રમે છે.