મુંબઈમાં NCBના ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ પર ડ્રગ પેડલરના ટોળાનો હુમલો, અધિકારીઓ સુરક્ષિત

0
46

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સની ટોળકીએ હુમલો કર્યો છે. આ હુમલામાં NCBના બે સભ્યોને ઇજા પહોંચી છે, પરંતુ મળતી માહિતી પ્રમાણે તમામ અધિકારીઓ સુરક્ષિત છે.

NCB તરફથી મળતી માહિતી પ્રમાણે સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહર નગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવા ગયેલી. તે દરમિયાન ડ્રગ પેડલર્સ અને તેની સાથે 60 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી અત્યારે સુરક્ષિત છે.

આ હુમલાના કેન્દ્રમાં ડ્રગ પેડલર કેરી મેન્ડિસ અને તેના મળતીયા ગુંડાઓ વિપુલ આગરે, યુસુફ શેખ, અમીન અબ્દુલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં LSD ડ્રગ પણ મળી આવ્યું હતું. અત્યારે જોકે સ્થિતિ નિયંત્રણમાં છે.

ઉલ્લેખનીય છે કે NCBએ કોમેડિયન ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા બાદ શનિવારે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરાઈ અને બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. તેમની જામીન અંગે સોમવારે સુનાવણી ચાલુ છે.

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બૉલિવૂડ અને ટેલિવિઝન જગતમાં ડ્રગ્સના ઉપયોગ અને સપ્લાય પર NCB સતત ગાળિયો કસી રહ્યું છે. દિવાળી પહેલાં અભિનેતા અર્જુન રામપાલને અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલાને પણ NCBએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

મુંબઈમાં NCB ટીમ પર થયેલા હુમલાની ઘટનામાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here