મુંબઈમાં ભલે હોય શેરબજાર તોય કહેવું પડે કે કોઈ તો શેરને શેર કરો?

0
66

ઘણી ખમ્મા ઘણી ખમ્મા… ગીરમાં સિંહને ભગાડનારી ૧૪ વરસની ચારણ કન્યાને અમર કરી દેનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ઘણી ખમ્મા…

લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા હું અને પથુકાકા ટી.વી. પર ડાયરો જોતા હતા એમાં એક ગઢવી ચારણ કન્યાની બહાદુરીને બીરદાવતી કવિતા છંદબદ્ધ રીતે કડકડાટ બોલી ગયા, અમારા તો રૂંવાડા ઊભા થઈ ગયા. પછી ટીવી બંધ કરીને પથુકાકા અસલ રંગમાં આવીને બોલી ઉઠયા કે ‘જો ભાઈ ગામડામાં સિંહને ભગાડે એવી બહાદુર ચારણ કન્યા જોવા મળે, બાકી મુંબઈમાં તો સાવ શાંત સિંહને પણ કાયમ માટે પોઢાડી દે એવી કોઈ ‘મારણ-કન્યા’ તરીકે વગોવાઈ જાય તોય નવાઈ નહીં. ગીરના જંગલમાં  અને શહેરી ઉઠાઉ-ગીરના જંગલમાં  તફાવત તો ખરોને?’

કાકાને મેં યાદ અપાવ્યું કે ‘જંગલ ખાતામાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ત્રીસ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલા અને અત્યારે લંડનમાં સેટલ થયેલા તમારા નાનપણના મિત્રનું શું નામ?’ કાકાએ જવાબ આપ્યો અરે એનું નામ  ભૂલી ગયો? સિરિયસ-લાયન ટાઈમ-લાયન’ મેં પૂછ્યું ‘આવું વળી કેવું નામ?’ કાકા ખડખડાટ હસીને કહે કે ‘એનું મૂળ નામ ગંભીરસિંહ વખતસિંહ છે. પણ નિવૃત્ત થયા પછી દિકરાને ઘરે લંડન પહોંચેલો મારે એ દોસ્ત અડધો અંગ્રેજ બની ગયો. એટલે ગંભીર સિંહ વખતસિંહ નામનું અંગ્રેજી  ટ્રાન્સલેશન સિરિયસ લાયન ટાઈમ  લાયન કરી નાખ્યું બોલ. પણ અત્યારે તને એ જંગલમાં જીવન નિભાવનારા જીગરજાન જંગલી દોસ્તની  કેમ યાદ આઅવી ગઈ?’

મેં  કહ્યું ‘એ કહેતા હતા ને કે વાઈલ્ડ લાઈફ એકટ અમલમાં આવ્યા પછી સિંહ, વાઘ સહિત કોઈ  પણ જંગલી જાનવરનો શિકાર કરવાની મનાઈ છે. છતાં ગેરકાયદે શિકાર કરતી શિકારીઓની ટોળીઓ  જંગલોમાં ઘૂમતી હોય છે. ઘણીવાર હરણને મારી એના શબમાં કાતીલ ઝેર ભેળવી દેવામાં આવે છે. હવે શિકારની શોધમાં નીકળેલા સિંહ કે વાઘ આ તૈયાર વાનગી પડેલી જોઈ ખાવા લલચાય છે. એટલે ખાધા પછી સિંહ કાયમ માટે મરણને શરણ થઈ જાય છે.  પહેલાં તો એમ જ લાગે કે સિંહે કુદરતી મોતે મર્યો હશે.  પણ પછી પ્રાણીના ડૉકટરો પોસ્ટમોર્ટમ કરે ત્યારે ખબર પડે કે સિંહ મર્યો નથી પણ સિંહને મારવામાં આવ્યો છે.’ મારી આ વાત સાંભળી કાકા ખોંખારો ખાઈને બોલ્યા કે અત્યારે પણ ચારે તરફ એ જ ચર્ચાનો ચકરાવો  ચાલે છે ને કે સિંહ’ પોતે જીવ આપ્યો કે કોઈએ એનો જીવ લીધો?

મેં વાતને જરાક વળાંક આપતા કહ્યું કે ‘મુંબઈમાં આવડું મોટું શેરબજાર છે છતાં ગુજરાત પાસેથી શેર મેળવવા લાંબો હાથ લાંબો કરવો પડયો  બોલો.’ માથું ખંજવાળીને  કાકાએ સવાલ કર્યો ‘મુંબઈ શેરબજાર છે છતાં ગુજરાત પાસે શેર માગવા પડે એટલે વળી શું?’ મેં ફોડ પાડયો કે મુંબઈના પ્રાણીબાગવાળા સિંહ-સિંહણની જોડી મેળવવા છેલ્લાં ત્રણેક વર્ષથી પ્રયાસ કરતા હતા.  પણ કોણ જાણે કેમ ગુજરાતે ગીરના સિંહની જોડી ન મોકલી એટલે હવે તેલંગણાથી સિંહ લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, બોલો.’

પથુકાકા જૂની વાત કરતા બોલ્યા કે ‘દેશના ભાગલા પડયા ત્યારે જે રાજકારણ ખેલાયું એમાં જ દુશ્મન પાકિસ્તાન અડધું કાશ્મીર શેર કરી ગયું ને? અને એ વખતના ત્યાંના મોટા નેતાને બીરૂદ કેવું મળ્યું હતું? શેર-એ-કાશ્મીર. હવે તો કેન્દ્રમાં પહોંચેલા ગુજરાતના બે શેર એ કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાન પાસેથી કબજે કરી લેશેને ત્યારે કાશ્મીરની વહેંચણી કરી ચૂકેલા શેર-એ-કાશ્મીરના સમર્થકોના ગાલે સણસણતો તમાચો પડશે ત્યારે ‘પોક’ (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર-પી.ઓ.કે.) મૂકીને  રડશે હજી તુંં જોજે તો ખરો?’

કાકાની આ એકધારી શેર-વાણી ચાલતી હતી ત્યાં અમારી સોસાયટીમાં  રહેતા રાજસ્થાની શેરદલાલ  ટપકી પડયા. પૂછ્યું ‘કયા બાત ચલ રહી હૈ?’ પથુકાકા બોલ્યા કુછ નહીં યે તો ગુજરાત કે શેર કો મુંબઈ  ટ્રાન્સફર કરને કી બાત ચલ રહી થી.?’ જમાનાના ખાધેલ રાજસ્થાની શેરદલાલ બોલ્યા ‘લો કર લો બાત… શેર ટ્રાન્સફર જૈસી મામુલી બાત મેં ઈતની બહસ કર રહે હો? અરે એક ફોર્મ ભર દો, શેર ટ્રાન્સફર હો જાયેંગે… બાત ખતમ… ‘ ત્યારે મારે ખુલાસો કરવો પડયો કે કાગળના શેરના ટ્રાન્સફરની વાત નથી કરતા… અમે તો ગીરના જંગલના સાચા બબ્બર શેરને મુંબઈ ટ્રાન્સફર કરવાની વાત કરીએ છીએ હવે સમજાયું? આ કંઈ કાગનો વાધ કે કાગનો શેર કરવાની વાત નથી.’ 

શેરદલાલ ગયા એટલે મેં પથુકાકાને જરા પાનો ચડાવતા પૂછ્યું કે ‘તમારા નામની આગળ પણ સિંહ અને પાછળ પણ સિંહ લાગે એટલે તમે તો ડબલ સિંહ કહેવાય, ખરૂંને? તો લાયન પ્રથમેન્દ્ર સિંહ તમારો સંસાર કેમ ચાલે છે?’

પથુકાકા જરા મોળા પડી ગયા અને બોલ્યાં  ‘સિંગલ સિંહ હોય કે ડબલ સિંહ, આપણો સંસાર તો સિંહ જેવો સંસાર ચાલે છે.’ મેં પૂછ્યું ‘સિંહ જેવા સંસાર ચાલે છે એટલે વળી શું?’ કાકા કહે ગીરના સિંહ વિશે તને ખબર નથી? સિંહ ભલે (અનઓફિસિયલી) જંગલનો રાજા  કહેવાતો હોય, પણ જોર તો સિંહણનું જ ચાલે છે હો?  શિકાર કરી લાવવાનું અને બચ્ચા ઊછેરવાનું  એ બધું કામ સિંહણ જ પાર પાડે છે. એટલે સિંહના સંસારમાં  જેમ સિંહણનું જોર ચાલે છે  એમ મારા સંસારમાં ભલે તું મારી ડબલ-સિંહ કહીને મશ્કરી કરે પણ મારા સંસારમાં જોર કોનું ચાલે છે એ હવે મારે કહેવાની જરૂર છે? એટલે જ હું કાયમ કહું છું ને કે વાહ વાહ ભલે કરો તમે શેરની, પણ જોર અજમાવે છે ‘શેરની’.

સાસણ ગીરમાં સિંહની ડણક સંભળાય, પણ લોકડાઉનમાં તો લાયન પ્રથમેન્દ્રસિંહ આ નામના  સિંહની ડણક વાસણ ગીરમાં સંભળાઈ હાથે વાસણ ઘસવાનો વખત આવ્યોને એટલે. સાસણ ગીરનું  નામ કાને પડયું  એટલે કાકાને પોતાનું વતન જૂનાગઢ યાદ આવતા વગર પૂછ્યે હુકો લલકાર્યોઃ

સોરઠ ઘરા સોહામણી

જ્યાં ગઢ જૂનો ગિરનાર

સાવજડા સેંજળ પીવે 

એનાં નમણાં નર ને નાર

ઘણી ખમ્મા… ઘણી ખમ્મા… એમ મારાથી જરા મોટા અવાજે  દાદ દેવાઈ ગઈ. ‘આત્મનિર્ભર’ બની વાસણ ઘસવા માંડેલા કાકા છણકો કરીને બોલ્યા કે ઈ સાસણના સિંહ અને અમે આ વાસણના સિંહ એટલો ફેર છે બાકી સાસણ ગીરમાં સિંહોની જાળવણી કરવામાં આઝાદી પહેલાં જૂનાગઢના  નવાબે  સિંહ-ફાળો આપ્યો હતો એવું  મેં સાંભળ્યું  છે, સાચુખોટું  રામ જાણે. પણ દેશના ભાગલા પડયા ત્યારે નવાબે ઊભી પૂંછડીયે પાકિસ્તાન ભાગવું પડયું હતું ખબર છેને?’

મેં કહ્યું ‘કાકા મેં સાંભળ્યું છે કે  નવાબ સાહેબને જાતજાતની  નસલના કૂતરા પાળવાનો  બહુ  શોખ હતો. કૂતરા-કૂતરીને ધામધૂમથી  પરણાવતા એવુંય મેં સાંભળ્યું છે એ સાચી વાત?’

કાકા કહે કે એક આડવાત કરૂં. ઊંચી  નસલના અને પાળેલા ને પંપાળેલા  શ્વાનના અત્યારે ક્યારેક  લગ્ન લેવાય છે અને કેનલ કલબવાળા આવા  શ્વાનના લગ્નો યોજે છે. પણ મને લાગે છે કે કૂતરા-કૂતરીને નવાબ સાહેબ જે ધામધૂમથી પરણાવતા એની તો વાત જ  કાંઈક જુદી હતી. બાકી તું મને કહે  કે આ શેરીના કૂતરા  કેમ નહીં પરણતા હોય?’ મેં કહ્યું  કે  ખબર નથી એટલે મારા હાથ પર ચમચમતી તાલી મારીને કાકા બોલ્યા એ શેરીના કૂતરા વગરપરણ્યે  સાવ કૂતરા જેવું જીવન ગુજારતા હોય છે. પછી શું કામ પરણે?’

મેં કહ્યું ‘કાકા નાનપણમાં તમે જૂનાગઢની નિશાળમાં ભણ્યા હશોને? તો  ત્યારની કોઈ વાત કરોને?’ કાકા બોલ્યા  સ્કૂલમાં સેકન્ડરીમાં ભણતા ત્યારે કાંઈ અત્યાર જેવાં  ટેલિવિઝન નહોતા કે ચેનલો નહોતી. ત્યારે તો અવારનવાર ઉડતા સમાચાર મળતા કે  ગીરના જંગલમાં  ફલાણા નેસમાંથી સાવજ રાતે  વાછરડાને ઉપાડી ગયો.  ક્યારેક સાસણના જંગલમાં  સિંહ-સિહણ વચ્ચે ‘ડોમેસ્ટીક વાયોલન્સ’ના પણ ઉડતા ખબર મળતા ક્યાંક કોઈ ડાલામથ્થા સિંહે ભેંસનો શિકાર કરી ભક્ષણ કર્યાની વાતો કાને પડતી. પણ કૂતરાના ધામધૂમથી  લગન કરાવવાના નવાબના શોખ ઉપરથી એક ટુચકો ભારે ચગ્યો હતો. અત્યારની ભાષામાં કહીએ તો વાઈરલ થયો હતો.

એક વાર જંગલના રાજા એટલે કે સિંહરાજાના ધામધૂમથી લગ્ન યોજાયા.  સોહામણી સિંહણ સાથેના લગ્નસમારંભમાં  અત્યારે જેમ કલબની કે ફાઈવસ્ટાર હોટલોની પાર્ટીઓમાં ઉમટી પડતા અને ડ્રગ્સ કે દારૂના નશામાં ધૂત થઈ નાચતા શહેરી પાર્ટી-એનિમલોની જેમ સિંહરાજાના લગ્નની પાર્ટીમાં  સાચા એનિમલો ઉમટયા હતા. વાજતેગાજતે સિંહરાજાની બારાત નીકળી ત્યારે બધા પ્રાણીઓ જરા જાળવીને નાચતા  હતા. પણ કોણ જાણે પાકિસ્તાન ભાગી ગયેલા નવાબે પરણાવ્યા  હશે એવા છ સાત ડાઘીયા કૂતરા મન મૂકીને, ઠેકડા મારીને, હાઉં-હાઉં… ભાઉ-ભાઉ કરતા ડિસ્કો ડાન્સ કરતા હતા. નાચી નાચીને  બેવડ વળી જતા આ કૂત્તા પાર્ટીને  જોઈ સિંહરાજાથી રહેવાયું નહીં એટલે ડણક નાખી કૂતરાવને પૂછયું કે એલા… લગન મારા છે  અને તમે કેમ આમ ઊછળી ઊછળીને નાચો છો? ત્યારે એક કૂતરાએ જવાબ આપ્યો કે  લગન પહેલાં  અમેય સિંહ હતા. દેખતે જાવ આગે આગે હોતા હૈ ક્યાં…

મેં કાકાને કહ્યું કે ભેળસેળ અને મિલાવટના આ જમાનામાં  સિંહ અને વાઘની પણ મિલાવટ થવા માંડી છે  એ તમને ખબર છે?’ કાકાની રાડ ફાટી ગઈ  ‘શું વાત કરે છે?  સિંહ અને વાઘની પણ મિલાવટ?’ મેં કહ્યું  પરદેશમાં લાયન અને ટાઈગરના સમાગમથી  પ્રાણીને લાયગર નામ આપવામાં આવ્યું છે  અડધો લાયન અને અડધો  ટાઈગર એટલે નામ અપાયું લાય-ગર. 

આ સાંભળીને તરત જ કાકા બોલી ઉઠયા કે ‘આજના જમાનામાં  ફેશનમાં ગળે ફાંસો આવે એવી ટાઈ પહેરી  ટીપટોપ થઈ ફરતા ‘ટાઈગરો’ની  અને જુઠ્ઠાણા  ચલાવતા  ‘લાયરો’ની જ બોલબાલા છેને?  એટલે આપણે ત્યાં  તો રેડીમેડ લાય-ગરો જોવા મળે છે, બરાબરને?’

મેં કાકાને દાદ આપી એટલે વધુ પોરસાઈને પથુકાકા બોલ્યા ‘જંગલમાં હાંક વાગે લાયનની અને જૂઠના જમાનામાં હાંક વાગે લાયરની.’ મેં પૂછયું કાકા લાયનની અને લાયર (જૂઠ્ઠાડા)ની સરખામણી કેવી રીતે થઈ શકે? ‘ સવાલ સાંભળી લુચ્ચું હસીને કાકાએ જવાબ આપ્યો કે લાયનનો અને લાયરનો બંનેનો સંબંધ કેશવાળી  સાથે સમજ્યો? લાયન શોભે કેશવાળીથી અને લાયર પણ ઓળખાય કેશ-વાળીથી. આજના જમાનાના   આ ચાલબાજ લાયરો ‘કેશ’ વિના  કામ થોડા જ કરે છે?  એટલે જ ફરી ફરી કહું છું કે લાયન શોભે કેશવાળીથી  અને લાયર ઓળખાય કેશ-વાળીથી, કેશ આપો તો જ કરે કામ નહીંતર રામ… રામ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here