મુંબઇ મહાનગરની વીજળી સોમવારે સવારે ગૂલ થઇ ગઇ. લાખો નાગરિક વીજળી વગર રહેવા મજબૂર થયા તો હાહાકાર મચી ગયો. મુંબઇ, ઠાણે, નવી મુંબઇ અને અન્ય વિસ્તારોની વીજળી ગઇ છે. BESTના અધિકારીના મતે ટાટા પાવરનો ઇનકમિંગ સપ્લાય ફેલ થતા આ મુશ્કેલી આવી છે. મુંબઇની લાઇફલાઇન એટલે કે લોકલ ટ્રેનોને પણ અસર થઇ છે. કેટલીય ટ્રેનો અધવચ્ચે રોકાતા મુસાફરો પગપાળા નીકળી પડ્યા છે. મુંબઇમાં 24×7 પાવર સપ્લાય છે, એવામાં વીજળી ગૂલ થઇ તો તેની અસર સોશિયલ મીડિયા પર તરત જ દેખાવા મળી. થોડીક જ વારમાં મુંબઇ, ઇલેક્ટ્રિસિટી, અને પાવર કટ ટ્રેન્ડ કરવા લાગ્યા. લોકો તેમને પોતાની જિંદગીમાં પહેલી વખત આવું થતું જોયું છે.
ટ્વિટર પર શું કહી રહ્યા છે લોકો
જેવી વીજળી ગૂલ થઇ મુંબઇના લોકોએ ધનાધન પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ કેટલીક તસવીરો ટ્વીટ કરી અને કહ્યું છે કે તેમણે પહેલી વખત વીજળી જતી રહેતા કેવું લાગે છે એ અહેસાસ થયો છે. દેશના બાકીના ભાગના લોકો મુંબઇની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાંક કટાક્ષણ પણ કરી રહ્યા છે કે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં તો દરરોજ લોડ શેડિંગ થાય છે. એક યુઝરે લખ્યું કે બાકી જગ્યાએ દરરોજ કલાકો વીજળી કપાઇ જાય તો કંઇ નથી થતું. મુંબઇમાં જરા થોડીકવાર વીજળી શું ગઇ, ટ્રેન્ડ થવા લાગ્યું.
કંગનાએ ઉદ્ધવ સરકાર પર નિશાન સાંધ્યું
લોકોને કેટલીય પરેશાનીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને લોકોને અપીલ કરી કે શાંતિ રાખો, બધું બરાબર થઇ જશે. એક્ટ્રેસ કંગના રનૌત એ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર ક…ક…ક… કંગના કરવામાં લાગી છે. તેમણે કોમેડિયન કુનાલ કામરા અને શિવસેના સાંસદ સંજય રાઉતની એક તસવીર પણ ટ્વીટ કરી.
વીજળી સપ્લાય ઠીક થવામાં કેટલો સમય લાગશે?
સાઉથ, સેન્ટ્રલ અને નોર્થ મુંબઇમાં પણ કેટલીય જગ્યાએ વીજળી નથી. ઠાણેને અડીને આવેલા કલવાથી પડઘે સુધી મલ્ટિપલ ટ્રિપિંગના સમાચાર છે. 380 મેગાવોટ પાવર સપ્લાય ઠપ થયો છે. શહેરમાં કયાં સુધીમાં વીજળી આવશે તેના અંગે હજુ કંઇ નિશ્ચિત કહી શકાય નહીં. કહેવાય છે કે સંપૂર્ણપણે સપ્લાય શરૂ થવામાં 2 કલાકથી વધુનો સમય લાગી શકે છે. કોવિડ હોસ્પિટલોમાં હાલ પાવર બેકઅપ દ્વારા વીજળી આવી રહી છે.