હિંદુ ધર્મ પ્રમાણે 12 માસનું વર્ષ છે. આ બાર માસમાં સૌથી ઉત્તમ માસ માગશર margashirsha month છે. માગશર માસને જ મહર્ષિ વાલ્મીકિએ વાલ્મીકિ રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે વર્ષનું ઘરેલું કહ્યો છે. આપણાં હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે કે માગશર માસમાં કરેલાં જપ, તપ, દાન, વ્રત, ઉપવાસનું બહુ ઉત્તમ ફળ મળે છે. માગશર માસમાં જ વૃશ્ચિક અને ધન રાશિની સંક્રાંતિમાં હેમંત ઋતુની શરૂઆત થાય છે.
શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે મહાબાહૌ અર્જુનને કહ્યું છે કે, ‘હે ગુડાકેશ, ઋતુઓમાં હું વસંત છું. વૃક્ષોમાં હું અશ્વત્થ (પીપળો) છું. મહિનાઓમાં ઉત્તમ એવો હું માગશર છું.’ મહાભારતના કામમાં મહિનાઓની ગણતરીની શરૂઆત ચૈત્રથી નહીં માગશરથી થતી હતી એટલે કે માગશર માસ બીજો નહીં પણ પહેલો ગણાતો હતો.
એવું કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીનો ઉપદેશ અર્જુનને સંભળાવ્યો હતો. સુદ અગિયારશે ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો છે. માગશર માસ ભગવાન શ્રીકૃષ્ણને પણ ખૂબ પ્રિય છે. તેથી જ તેમણે ગીતાજીનો પ્રાદુર્ભાવ માગશર માસમાં કર્યો છે.
આ મહિનામાં નદીમાં સ્નાન કરવાનું ખૂબજ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે ગોકુળમાં અસંખ્ય ગોપીઓએ શ્રીહરિને મેળવવા ધ્યાન ધર્યું ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનામાં વિધિપૂર્વક નદી સ્નાન કરવાની સલાહ આપી. જેમાં નિયમિત વિધિપૂર્વક પ્રાત: સ્નાન કરવું અને ઈષ્ટદેવને પ્રણામ કરવાની વાત જણાવવામાં આવી છે. જો માગશર મહિનામાં કોઇ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો, બધાં જ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે.
આ મહિનાને એટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે માગશર સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા. નામ પડ્યું દત્તાત્રેય. માતા અનસૂયાના ગર્ભ દ્વારા જ બ્રહ્માના અંશરૂપ ચંદ્રમા અને ભગવાન શંકરના અંશ રૂપ દુર્વાસા જન્મ્યા. પુરાણોમાં વર્ણવ્યા મુજબ અત્રિ ઋષિનાં પત્ની અનસૂયા માતા સતીઓમાં શિરોમણિ કહેવાયા. માતા અનસૂયાની પવિત્રતાનાં આજે પણ વખાણ થાય છે.
માગશર મહિનામાં margashirsha month નિયમિત સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામ, ગજેન્દ્રમોક્ષ અને ભગવદ ગીતાનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માણસની દરેક ઇચ્છા આના દ્વારા પૂર્ણ થઈ શકે છે, તેમજ તમામ પાપી કાર્યોનો નાશ થાય છે.