મહેસાણા એસટી ડીવીઝનના અમદાવાદના 48 રૂટ બંધ કરાયા

0
58

અમદાવાદમાં કરફ્યું પગલે નિર્ણય લેવાયો

– મહેસાણા ખાતેથી અમદાવાદ જવા માટે 22 એકસ્ટ્રા બસો મુકાઈ

અમદાવાદમાં કોરોના વિસ્ફોટના પગલે વહિવટીતંત્ર દ્વારા શુક્રવાર રાત્રીથી સોમવાર સવારે ૬ કલાક સુધી કરફ્યુંનો નિર્ણય કર્યો છે. અને એસટી બસનો પણ અમદાવાદમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે મહેસાણા એસટી ડિવીઝન દ્વારા અમદાવાદ તરફ જતા અને આવતા ૪૮ જેટલા રૃટો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દિવાળી તહેવારો બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટયો છે. અને કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર પણ ભારે ચિંતિત બની છે. અમદાવાદમાં પણ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. કોરોનાના કેસોના પગલે સ્થાનિક વહિવટી તંત્ર ભારે ચિંતિત બન્યું  છે અને સંક્રમણ રોકવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. આ પ્રયત્નોરૃપે શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુંનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં દવા, દૂધ અને શાકભાજી સિવાયની વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં અમદાવાદમાં આવતી એસટી બસનો પણ સમાવેશ થાય છે.

મહેસાણા તરફથી પણ મોટી સંખ્યામાં અમદાવાદ તરફ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે આજ રાતથી અમદાવાદ તરફ જતા અને આવતી ૪૮ જેટલી રૃટો બંધ કરવાનો મહેસાણા એસટી ડીવીઝન દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં બેચરાજી ડેપોના ત્રણ, ચાણસ્મા-૬, હારીજ-૪, કડી-૪, ખેરાલુ-૩, કલોલ-૧, મહેસાણા-૬, પાટણ-૯, ઊંઝા-૯, વડનગર-૨ અને વિસનગર ડેપોનો ૧ રૃટનો સમાવેશ થાય છે.

મહેસાણા એસટી ડેપો દ્વારા ૨૨ એકસ્ટ્રા બસો દોડાવી

અમદાવાદમાં કોરોનાના કારણે કરફ્યું મુકવામાં આવતા દિવાળીના તહેવારોમાં મહેસાણા તરફ આવેલા લોકોએ અમદાવાદ જવા માટે દોટ મુકી હતી. મુસાફરોને ધ્યાને લઈ મહેસાણા ડેપો દ્વારા દિવસ દરમિયાન અમદાવાદ તરફ જવા માટે ૨૨ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here