તે વરુણ ધવન, નીતુ કપૂર અને અનિલ કપૂર સાથે શૂટિંગ કરી રહ્યો હતો
જુગ જુગ જિયોની ટીમ પર હાલ કોરોના ત્રાટક્યો છે. વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મનીષ હાલ મુંબઇમાં છે. જોકે તે આઇસોલેશનમાં છે કે, હોસ્પિટલમાં છે તે જાણકારી મળી નથી. એક રિપોર્ટના અનુસાર મનીષને હળવો તાવ આવતા તે મુંબઇ આવી ગયો છે. અહીં આવીને તેણે પોતાની કોવિડ ૧૯ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મનીષે હજી સુધી પોતાના સ્વાસ્થ્યને લઇને સોશિયલ મીડિયા પર શેર કર્યું નથી.
જોકે વરુણ ધવને પોતાના રિપોર્ટ પોઝિટિવ જણાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આ કપરાકાળમાં હું કામ પરથી પાછો ફર્યો છું અને કોવિડ ૧૯ના સપાટામાં આવ્યો છું. પ્રોડકશન હાઉસ તરફથી સઘળી સાવધાની રાખવામાં આવી હતી. પરંતુ જિંદગી કાંઇ નિશ્ચય હોતું નથી. તેથી તમે બધા જ તમારું ધ્યાન રાખશો.
ઉલ્લેખનીય છે કે, નીતૂ કપૂરને કોવિડ ૧૯ પોઝિટિવ આવતા પુત્ર રણબીર કપૂરે ખાસ એર એમ્બ્યુલન્સ મોકલીને નીતુને મુંબઇ લાવવામાં આવી હતી.
અનિલ કપૂર પણ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો પરંતુ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હાલ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.