ભૂતકાળ ભૂલી જવામાં જ કલ્યાણ હોત તો ઇતિહાસ ન રચાયો હોત !

0
135

– ખુલ્લા બારણે ટકોરા- ખલીલ ધનતેજવી

– લાંબુ વિચારનારા કેટલાક જિદ્દી પણ હોય છે. એ કોઇનું સાંભળતા નથી. સાંભળે છે તો માનતા નથી. એમની એક જ જિદ છે કે પુનરાવર્તન અનિવાર્ય છે

વ ર્તમાન કાળે છાતી સમાણો ધક્કો મારીને મને વીતી  ગયેલી વીસમી સદીમાં ધકેલી દીધો છે. ૧૯૭૬-૭૭નાં વર્ષોમાં હું જીવી રહ્યો હોઉં એવું લાગે છે. જે લોકો ભૂતકાળને ભૂલી જવાની સલાહ આપે છે. એમની સમજણ પ્રત્યે મને  શંકા જાગે છે ? ભૂતકાળ તે કંઇ ભૂલી જવાની ચીજ છે. ભૂતકાળને ભૂલી જવામાં જ કલ્યાણ હોત તો ઇતિહાસ ના રચાયો હોત ! ભૂતકાળને આપણે ભૂલી ના જઇએ એટલા માટે તો ઇતિહાસ રચાયો છે. 

દરેક યુગમાં ઇતિહાસ રચાયો છે ! ઇતિહાસ આપણને ભૂતકાળમાં તાણી જાય છે. ક્યારેક કોઇ કોઇ યુગમાં ભૂતકાળનું પુનરાવર્તન જોવા મળે છે. અત્યારે હું ભૂતકાળના પુનરાવર્તનની ખાટીમીઠી અનુભૂતિ માણી રહ્યો છું ! ભૂતકાળમાં ચર્ચાઇને ચૂંથાઇ ગયેલી ઘટનાઓ ફરીથી ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને સામે ઊભી હોવાનું હું અનુભવી રહ્યો છું. 

આવી બધી ઘટનાઓથી વાજ આવી જઇને મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. માંડ આંખ લાગી હતી ને બારણે ટકોરા પડયા. રાતના બાર વાગ્યે કોણ આવ્યું હશે એ વસવસો લઇને હું ઊભો થયો. બારણુ ખોલ્યું. બારણુ ખોલતા જ કોઇ બોલ્યું ”જા આજથી તારો દેશ આઝાદ થઇ ગયો ! ” એ કોણ કહી ગયું એનો મને ખ્યાલ જ ના રહ્યો. હું તો એની વાત સાંભળીને જ ધુ્રજી ગયો.

મારાથી આઝાદી જીરવાશે ? એ ‘ફ્રીડમ એટ મીટ નાઇટ’ આજે પણ ભૂલાતી નથી. લોકો કહે છે ભૂતકાળ ભૂલી જાવ ! ભૂલી જવાતો હશે ? ભૂતકાળ ક્યારેય ભૂલાતો નથી. એનું પુનરાવર્તન થાય છે અને નવો વેશ ધારણ કરીને આપણી સામે ઊભો થઇ જાય છે ? પણ એ ફ્રીડમ એટ મીડ નાઇટને આજે હું ‘મીડડે’ માં શોધું છું, મને લાગે છે કે મધરાતના અંધારામાં કોઇ આવીને મને છેતરી ગયો છે ! એ એક અવાજ હતો. આકાર નહોતો.  એ ઓળખાયો પણ નહોતો. તોંતેર વર્ષથી કાનમાં ગૂંજ છે. એ સંભળાય છે. દેખાતો નથી ! ઓળખતો પણ નથી! હવે તો સંભળાતો પણ નથી! ક્યારેક એવી પણ શંકા દિમાગમાં આંટો મારી જાય છે કે ‘ફ્રીડમ એટ નાઇટ’ જેવી કોઇ ઘટના સર્જાઇ જ નહોતી ! કોઇ આપણને છેતરી ગયું છે. એ છેતરી જનારા હજીય છાલ મેલતા નથી. હજી ય છેતરે છે. અને હજીય આપણે છેતરાતા રહીએ છીએ ! આપણને એ ફાવી ગયું છે. આપણે ટેવાઇ ગયા છીએ !

લાંબુ વિચારનારા કેટલાક જિદ્દી પણ હોય છે. એ કોઇનું સાંભળતા નથી. સાંભળે છે તો માનતા નથી. એમની એક જ જિદ છે કે પુનરાવર્તન અનિવાર્ય છે, એનું કોઇ નિવારણ પણ નથી ને વિકલ્પ પણ નથી ! આવા જિદ્દી લોકોને કહી શકીએ કે ગાંધીબાપુના રેંટિયાનું હેમખેમ પુનરાવર્તન થાય તો અમે માનીએ કે તમે સાચા તત્વચિંતક છો ! એ રેંટિયાનું પુનરાવર્તન થશે તમારાથી ?

આવી નાનકડી ઘટના પણ જો તમે સર્જી ન શકતા હો તો ફ્રીડમ એટ મીડ નાઇટ જેવી મહાન ઘટનાના પુનરાવર્તનની અપેક્ષાઓ શા માટે અમારે ગળે વળગાડો છો ? અમારે ચીસો પાડવી નથી ને સન્નાટામાં તિરાડ પાડવી નથી ! સન્નાટામાં એક પ્રકારની નિરાંત અમે અનુભવીએ છીએ ! અમારે નિરાંતે જીવવું છે. અને એ સન્નાટામાં જ શક્ય છે !  સન્નાટો તૂટશે તો ઘોંઘાટ સર્જાશે અને ઘોંઘાટમાં નિરાંતે  જીવવાની ક્ષણો પીંખાઇ જશે ! આ કોરોના એક પ્રકારનો સન્નાટો જ છે ને ? એણે ફરમાન કર્યું છે કે સ્વસ્થ અને સુરક્ષિત રહેવું હોય તમતમારે ઘરમાં પૂરાઇ  રહેવાનું ! બહાર નીકળવાનું નહિ ! 

બહાર નીકળો તો મોઢે બૂકાની બાંધીને નીકળો જેથી કોઇ ઓળખી ન જાય ! ઓળખાશો તો સજા થશે ! આ ફરમાન સર્વસ્વીકૃત થયું એનાથી પ્રજા સંગઠિત હોવાનો પુરાવો મળે છે. આ સરસ સ્થિતિ છે ! શુભપ્રસંગના જમણવારમાં ઝાઝા નોંતરા દેવાની વારસાગત જવાબદારીમાંથી મુક્તિ મળી જ ગઇ ને ?  દીકરાના લગ્નની જાનમાં અમને કેમ લઇ ગયા નહિ, એવો ઠપકો દેવાની કોઇ હિંમત જ કરશે નહિ ! તમે  તમારા  પરિવારના  સભ્યોને જ ભેગા  કરીને  જલસો કરો  ને ?  એનાથી  પરિવાર  સંગઠિત  થશે. 

પરિવાર  સંગઠિત  એટલે  આખો સમાજ  સંગઠિત  અને સમાજ  સંગઠિત  હોવાથી  દેશ સંગઠિત બને છે ! અહિં કોઇ એક વ્યક્તિ ખતરામાં હોય તો સમગ્ર દેશ ખતરામાં હોવાની ભ્રામકતા આપણને ઘેરી વળે છે. અને જ્યારે દેશ ખતરામાં હોય છે ત્યારે ઉપાય શોધવાને બદલે કોઇ એકના શિરે જવાબદારી નાખી દેવાની અને પછી એ વ્યક્તિ જવાબદારીનું પાલન નથી કરતી એવી બુમરાણ મચાવી મૂકીએ છીએ ! પ્રશ્ન સમગ્ર દેશનો હોય ત્યારે જવાબદારી જેના માથે ઝીંકાય છે, એ વ્યક્તિના પડખે ઊભા રહેવાની શું આપણી જવાબદારી નથી !  જવાબદારીઓ પ્રત્યે આંગળી ચીંધવાનો આપણને અધિકાર છે. પણ અનિવાર્ય સંજોગોમાં સામે થવાને બદલે સાથે રહેવાની પ્રમાણિક ઉત્સુકતા પણ આપણે કેળવવી જોઇએ. દરેક બાબતમાં આપણે ઉપાય શોધવાના બદલે પ્રશ્નો ઊભા કરીએ છીએ. પછી એ પ્રશ્નો અંગે ચર્ચાઓ પાછળ સમય બગાડીએ છીએ.  એમાં ઉપાય શોધવાનું ચુકી જવાય છે અને જે તબાહી સર્જાવાની  હોય છે તે સર્જાય છે. 

દરેક માણસને સ્વચ્છતા ગમે છે. પણ સ્વચ્છ રહેતાં આવડતું નથી. એટલે કે ગંદકી દૂર કરતાં આવડતી નથી.  વાળીઝૂંડીને બહાર ખદેડી દીધેલી ગંદકી થોડીવાર પછી જ્યાં હતી ત્યાં પાછી આવીને ઠરીઠામ થઇ જાય છે. આપણે ઘરનો કચરો વાળીઝૂંડીને આંગણામાં નાખીએ છીએ ને ક્યાંકથી પવન આવીને એ કચરો પાછો આપણા ઘરમાં નાખી જાય છે. ઘરને સાફ રાખનારને આંગણું સાફ રાખવાની ચીવટ હોવી જોઇએ.

આગણામાં કચરો હશે તો ઉડીને  ઘરમાં જ આવવાનો છે ! ઉકરડા તો ગામની બહાર જ  હોવા જોઇએ એવું આપણા પૂર્વજો માનતા હતા ! આજે તો રોજ સવારે દૈનિક અખબારો આખા  જગતનો ઉકરડો આપણાં ઘરમાં ઠાલવી જાય છે ને પછી એ ઉકરડાને  ખોતરવામાં જ આપણો દિવસ પૂરો થઇ જાય છે. એમાંના કેટલાક ઉકરડા ઘણા દિવસો સુધી આપણી વચ્ચે ચર્ચાતા અને ગંધાતા રહે છે. આપણે એ દુર્ગંધથી ટેવાઇ ગયા છીએ.  એટલે ઉકરડાઓથી પણ ટેવાઇ ગયા છીએ !

કોઇ પણ કામ અંગે આપણે ત્યાં જેટલી ચર્ચા થાય છે  એટલા પ્રમાણમાં કામ થતું નથી. ચર્ચાઓ પાછળ જેટલો સમય વેડફાય છે એમાંનો દસ ટકા સમય પણ કામ અંગે ખર્ચાય તો લેખે લાગે ! કામો ચર્ચાઓમાં અટવાઈ જાય છેને સમયસર પૂરા થતા નથી. સિસ્ટમ સમજાતી નથી. પ્રશ્ન ઉકેલવા બેસીએં તો એમાંથી અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે. મૂળભૂત પ્રશ્નનો નિકાલ થતો નથી. કોઈવાર મૂળભૂળ પ્રશ્ન બાજુ પર મૂકાઈ જાય છે અને એના કારણે ઊભા થયેલા પ્રશ્નો આપણા માટે મહત્વના થઈ પડયાં છે !

કબાડીના ભંગારમાંથી એક માણસે દીવો ખરીદ્યો ! દીવાનો આકાર અને ડિઝાઈન ખૂબજ આકર્ષક હોવાથી એણે એ દીવો ખરીદી લીધો હતો. દીવો કાળો પડી ગયો હતો. એ દીવો પિત્તળનો છે કે તાંબાનો એ જાણવા દીવાને માંજવા બેઠો, પણ જેવો એણે દીવાને ઘસ્યો એ સાથે જ ‘ હુકમ સરકાર સેવક હાજર છે!’ કહેતા જીન પ્રગટ થયો. માણસ તો સ્ટેચ્યુની જેમ સ્તબ્ધ થઈ ગયો. પછી એને ખ્યાલ આવ્યો કે આ તો અલાઉદ્દિનનો જાદુઈ ચિરાગ છે. પણ જીન તો હવે પ્રગટ થઈ ચૂક્યો હતો. લોકવાયકા દ્વારા એણે જાણ્યું હતું કે જીનને કાબુમાં લઈએ તો એને સતત કામ કરાવતા રહેવું પડે. એ નવરો પડે તો આપણને પજવે’ આણે એક પછી એક કામ સોંપવા માંડયા. ઘરના અને બહારના નાના મોટા બધા જ કામો કરાવ્યા. પ્લાસ્ટર કરાવ્યું.

ઘરને કલર કરી આપ્યો. પછી કોઈ કામ એની પાસે નહોતું. એણે એક કિલો જુવારમાં એક કિલો બાજરી ભેળવીને જીનને કહ્યું. ‘લે આમાંથી બાજરીના દાણા અલગ કરી આપ ! જીન તો તગારૂ લઈને બેસી ગયો. આને થયું કે આ કામ પણ કરી નાંખશે, પછી બીજુ ક્યું કામ આપીશ. એ અંગે નીચા મોઢે વિચાર તો રહ્યો એ દરમ્યાન એનો એક હાથ માથાના વાળની એક લટ સાથે રમતો રહ્યો. એક વાળ તૂટીને હાથમાં આવ્યો. કેટલીયવાર સુધી વાળને જોયા કર્યો. વાળ વાંકોડિયો હતો.

એણે જીનને કહ્યું. ‘ લે આ વાળ સીધો કર ! ‘ જીને એ વાળની એક છેડો ચપટીમાં પકડી રાખ્યો અને બીજા હાથની ચપટીમાં વાળ લઈને ખેંચ્યો, વાળ સીધો થઈ ગયો. એણે ચપટી છોડી. સાપ લહેરાતી ચાલે ચાલતો હોય, એમ ચપટીમાંથી કરેલો વાળ લહેરાઈને પાછો વાંકો થઈ ગયો. એકાદ વળાંક હોય તો નજર અંદાઝ પણ થઈ શકે. પણ વાળમાં તો બે ત્રણ વળાંક હતા ને એ વળાંક જિદ્દી પણ હતા. એણે સીધા નહિ થવાની જીદ પકડી હતી અને જીન એને સીધો કરવા જીદે ચડયો હતો. દરેક કામ એક ચપટીમાં કરી નાખતા જીનને પેલાએ ચપટી દ્વારા જ થઈ શકે એવું કામ સોંપ્યું હતુ અને જીને બબ્બે હાથની ચપટીઓને કામે વળગાડી દીધી હતી. એક ચપટીએ વાળનો છેડો ઝાલી રાખ્યો અને બીજી ચપટી વાળને ખેંચી તાણીને સીધો કરવા મથતી હતી.

પેલાને ખબર હતી કે વાળ સીધો થવાનો નથી ને જીન આપણને પજવવાનો નથી ! જીનને વાળ સીધો કરવાના કામે લગાડીને પેલો નિરાંતે પોતાના મનગમતા કામો કર્યા કરતો રહ્યો ! અને જીન હવે એની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે તેમ નહોતો! આ વાત આપણી પ્રજાને એટલે કે આપણને પૂરેપૂરી લાગુ પડે છે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ મળી અને કેટલાકના હાથમાં જાદુઈ ચિરાગ આવી ગયો.

એમણે સમગ્ર પ્રજાને જીન બનાવીને વાળ સીધો કરવા જેવી સમસ્યાઓ વચ્ચે કરી લીધી. અંગ્રેજોના જમાનામાં પણ પ્રજા જેલમાં પૂરાતી હતી પણ એ જેલની તોતિંગ દિવાલો હતી. આમણે પ્રજાને ભીંતો વગરની કેદમાં પૂરી દીધી છે. એ કેદમાંથી આજે તોંતેર વર્ષથી પ્રજા એ કેદમાંથી મુક્ત થઈ શકી નથી ! પ્રજા હજી કેદમાં છે પણ ભીંતો વગરની કેદમાં હોવાથી તમે કહી શકો નહિ કે પ્રજાને મુક્તિ મળી નથી ! જેલની દિવાલ તોડીને કેદીઓ ફરાર થતાં હોવાના કિસ્સા ભૂતકાળમાં પણ બન્યા હતા. અને આજે પણ બને છે ! પણ આ આઝાદ દેશની પ્રજા એવી જેલમાં કેદ છે જેને દિવાલો જ નથી. દીવાલ દેખાય તો તોડેને ?  દીવાલ તૂટવાની નથી ને પ્રજા ફરાર થઈ શકવાની નથી !

પ્રજા પાસે એકજ ઉપાય સુરક્ષિત છે. અને તે છે મતાધિકાર ! એ મતાધિકારનો ઉપયોગ કરીને જેલર બદલવામાં પ્રજા ક્યારેક સફળ તો થાય છે. પણ નવો જેલર કેદીઓની સમસ્યા હળવી કરવાને બદલે નવી નવી શરતો લાગું કરીને સમસ્યાને વધુ જટિલ બનાવી દે છે !

નવી ટેકનોલોજી આવી ! સમાજના દરેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું. એ પરિવર્તનનો લાભ પણ સ્થાપિત હિતોને જ મળ્યો. નવી ટેકનોલોજીએ ટેલિવિઝન આપ્યું. ટેલિવિઝન જોતા જ પ્રજા પ્રભાવિત થઈ ગઈ ! પ્રજાને એ પ્રભાવિત મુગ્ધતામાં બેભાન રાખીને સ્થાપિત હિતોએ એના મૂળભૂત હેતુને ઉપયોગમાં લીધો ! સ્થાપિત હિતોને પોતાના પ્રચાર અને પડકાર માટે ટેલિવિઝન ઉપયોગી નિવડયુંને ટેલીવિઝનને પ્રજા ઉપયોગી નિવડી !

ટેલીવિઝન પ્રજાને પોતાની તરફ ખેંચવા જાત જાતના ખેલ શરૂ કર્યા અને પ્રજા રામાયણ, મહાભારત, ટીપુ સુલતાન, બુનિયાદ, નુક્કડ અને યહી હે જિન્દગી જેવી સિરિયલોમાં મુગ્ધ થઈ ગઈ ! પ્રજાની આ મુગ્ધતાએ અત્યંત જરૂરી એવા પ્રશ્નો અને સમસ્યાઓ ભૂલાવી દીધી. જેલરને પણ કેદીઓની સમસ્યાનો ઉકેલ શોધવાની મથામણમાંથી મુક્તિ મળી ગઈ. આ બધી સિરિયલોએ અવાજ ઉઠાવે એવા ઉપલા વર્ગને ઝાલી રાખ્યો. 

મીડલ કલાસ અને લોઅર મિડલ કલાસને જકડી રાખવા સાસુ વહુની સિરિયલે જબરદસ્ત સફળતા મેળવી. પ્રજા ટેલીવિઝનની મુગ્ધતામાંથી બહાર આવે એ પહેલા એના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દીધો અને પ્રજા વોટસએપ, ફેસબુક, યુ ટયૂબ, ઈન્સ્ટ્રાગ્રામ, ટવીટરમાં માથાબોળ ડૂબી ગઈ ! અને હવે આ કોરોના જેવી મહામારીએ ઘરમાં રહો, સુરક્ષિત રહોનું ફરમાન કરીને બધાને પોત પોતાના ઘરમાં પૂરી દીધા, એ કેદનું શું નામ આપીશું ? એક વાત સાબિત થઈ ગઈ કે પ્રજાને બંદુકની ધાકે, અથવા ટેલિવિઝન અને મોબાઈલ જેવા સાધનો દ્વારા કે કોરોના જેવી બિમારીનું કારણ હોય, પ્રજાને તો હંમેશા કેદી અવસ્થામાં જ જીવવાનું છે !

અડપલુ

જીવને ખાંસી ચડે છે શહેરમાં,

મૃત્યુ ખોંખારા કરે છે શહેરમાં,

પોત પોતાનો જનાજો લઈ હવે

જીવતી લાશો ફરે છે શહેરમાં !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here