ખેડૂતો દ્વારા કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ હવે ભારત બંધ તરફ વધી રહ્યો છે. શુક્રવારે કિસાન મહાપંચાયતે નિર્ણય લીધો કે, 8 ડિસેમ્બરે ભારત બંધ રહેશે. સરકાર જ્યાં પણ આ કૃષિ કાયદા ખેડૂતો માટે લાભદાયી જણાવી રહી છે, ત્યાં ખેડૂતો આ ત્રણેય કાયદા રદ કરવા આંદોલન કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં લોકસભામાં ત્રણ કૃષિ બિલ પસાર કરીને આ કાયદા ઘડ્યા હતા. તેમાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈઝ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ તેમજ એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) એક્ટ સામેલ છે. કેન્દ્રએ આ ત્રણેય બિલ પસાર કર્યા પછી જ દેશભરમાં ખેડૂતોએ વિરોધ કર્યો અને આંદોલન શરૂ થયું. આ આંદોલન સતત મોટું રૂપ ધારણ કરી રહ્યું છે.
આજે વિશેષ રિપોર્ટમાં જાણો, આખરે દેશના ખેડૂતોની સ્થિતિ શું છે. નાબાર્ડના 2019માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં દરેક ખેડૂત પર રૂ. 1 લાખથી વધુનું દેવું છે. એ પણ ત્યારે જ્યારે દેશમાં કેન્દ્ર અને સરકારો દ્વારા લગભગ રૂ. 3.36 લાખ કરોડ઼ની સબસિડી ખેડૂતોને અપાઈ રહી છે. જોકે, ખેડૂતોનો આરોપ છે કે, પાકનું યોગ્ય મૂલ્ય નહીં મળવાના કારણે જ ખેડૂતો દેવાના ભાર તળે દબાઈ જાય છે. એટલે ખેડૂતો ટેકાના ભાવની ગેરંટી માંગી રહ્યા છે. એક આંકડા પ્રમાણે, દેશમાં ફક્ત 6% ખેડૂતોને જ તેનો લાભ મળે છે.
કેટલું મુશ્કેલ છે, દેશમાં ખેડૂત બનવું… સાત મુદ્દાથી જાણો
1. દેશમાં કુલ ખેડૂતો
ઓછામાં ઓછા 14.5 કરોડ ખેડૂત પરિવાર છે
દેશમાં સરકાર પાસે ખેડૂતોની સંખ્યાનો કોઈ ચોક્કસ આંકડો નથી. કેન્દ્ર સરકારે વડાપ્રધાન કિસાન નિધિ માટે 14.5 કરોડ પરિવારનું અનુમાન કર્યું છે. એટલે દેશમાં ઓછામાં ઓછા 14 કરોડ ખેડૂત છે.
2. ખેડૂતો પાસે જમીન?
68% ખેડૂતો પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે
2018માં જારી કૃષિ વસતી 2-15-16 પ્રમાણે, 68% ખેડૂતો એવા છે, જેમની પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે. દેશમાં 86% કૃષિ જમીન સીમાંત અને નાના ખેડૂતો પાસે છે. બે હેક્ટર સુધી જમીનના માલિકને નાના ખેડૂત ગણાય છે.
3. સબસિડીનો લાભ
રૂપિયા 3.36 લાખ કરોડની વાર્ષિક સબસિડી
માર્ચ 2019માં ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય સંયુક્ત રીતે આશરે રૂ. 3,36,000 કરોડની સબસિડી ખેડૂતોને આપે છે. કેન્દ્ર રૂ. 1,20,500 કરોડ અને રાજ્ય રૂ. 1,15,500 કરોડ સબસિડી આપે છે.
4. સર્વાધિક ખેડૂતો ક્યાં?
યુપીમાં 2.38 કરોડ ખેડૂત
કૃષિ સેન્સસ 2015-16 મુજબ યુપીમાં 2.38 કરોડ લોકો પાસે ખેતીની જમીન છે, જે દેશમાં સૌથી વધુ છે. ત્યાર બાદ બિહારમાં 1.64 કરોડ, મહારાષ્ટ્રમાં 1.52 કરોડ, મ.પ્ર.માં 1 કરોડ, કર્ણાટકમાં 80 લાખ, આંધ્રમાં 85.2 લાખ લોકો પાસે ખેતીની જમીન છે.
5. ખેડૂતો પર કેટલું દેવું?
52.5% ખેડૂત પરિવારો પર દેવાંનો બોજ
હવે ખેડૂતો પર દેવાંની સ્થિતિ સમજીએ. ગત વર્ષે 16 ઓગસ્ટે નાબાર્ડ દ્વારા જારી અખિલ ભારતીય ગ્રામીણ નાણાકીય સમાવેશ સર્વેક્ષણના રિપોર્ટ મુજબ દેશમાં 52.5% ખેડૂત પરિવારોના માથે દેવું છે. દરેક વ્યક્તિના માથે સરેરાશ 1 લાખ રૂ.થી વધુ દેવું છે.
6. ખેડૂતોની આર્થિક સ્થિતિ
સરકારી દાવામાં માસિક આવક 6 હજારથી 9 હજાર રૂ.
સરકાર પાસે ખેડૂતોની કુલ સંખ્યાની જેમ તેમની આવકના પણ કોઇ ચોક્કસ આંકડા નથી. જોકે, NSSOના આંકડાં અનુસાર, 2012-13માં દરેક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 6,426 રૂ. હતી જ્યારે 2016માં પ્રકાશિત નાબાર્ડના એક રિપોર્ટ મુજબ ખેડૂતોની માસિક આવક સરેરાશ 8,931 રૂ. છે.
7. દેશમાં ખેડૂતોની સબસિડીની શું સ્થિતિ છે?
ખેડૂતદીઠ વાર્ષિક સરેરાશ 20 હજાર રૂ. સબસિડી મળી રહી છે
સેન્ટર ફોર WTOસ્ટડીઝના 2018-19ના રિપોર્ટ મુજબ ભારતમાં ખેડૂતોને માથાદીઠ અંદાજે 20 હજાર રૂ. સબસિડી (બધા સ્ત્રોતોની મળીને) મળે છે જ્યારે અમેરિકામાં 45.22 લાખ રૂ.(2016ના રિપોર્ટ મુજબ) સબસિડી અપાય છે.
ખેતી પર નિર્ભર 28 લોકો રોજ આપઘાત કરી રહ્યા છે
એનસીઆરબીના 2019માં આવેલા ‘એક્સિડેન્ટલ ડેથ એન્ડ સ્યૂસાઇડ’ રિપોર્ટ મુજબ, 2019માં ખેતી પર નિર્ભર 10,281 લોકોએ આપઘાત કર્યો, જેમાંથી સર્વાધિક 3,927 લોકો મહારાષ્ટ્રના હતા.
ખેતી દ્વારા કેટલા લોકોને રોજગારી મળી રહી છે?
રોજગારીમાં ખેતીનો હિસ્સો હજુ પણ સૌથી વધુ 41.49%
વર્ષ | ખેતી | ઇન્ડસ્ટ્રી | સર્વિસ |
{2020 | 41.49 | 26.18 | 32.33 |
{2019 | 42.39 | 25.58 | 32.04 |
{2018 | 43.33 | 24.95 | 31.72 |
{2017 | 44.05 | 24.7 | 31.25 |
{2016 | 45.14 | 23.98 | 30.87 |