ભાવનગર જિલ્લાને વધુ 3 મોબાઈલ પશુ વાન અપાઈ

0
69

– પ્રથમ તબક્કામાં 8 મોબાઈલ પશુ વાન અપાઈ હતી

– જેસર, પાલીતાણા તેમજ મહુવા તાલુકાના ગામોને પણ મળશે પશુ વાનનો લાભ : પશુને નિઃશુલ્ક સારવાર આપશે

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાને પહેલા ફેઝમાં ૮ અને શુક્રવારે બીજા ફેઝમાં ૩ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા મંત્રી અને રાજ્ય શિક્ષણમંત્રીએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નવા જ અભિગમ સાથે રાજ્યમાં પશુની સારવાર માટે ૧૯૬૨ મોબાઈલ પશુવાહન દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં ભાવનગર જિલ્લામાં આજરોજ ૩ નવી મોબાઈલ પશુવાહનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં જેસર તાલુકાના બેલા ગામ ખાતે, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી તથા મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે કાર્યરત થશે. આ પશુ દવાખાનાની જ્યાં જરૂર હશે ત્યાં જઈ નિઃશુલ્ક સારવાર આપશે. કોરોનાના સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લગતી તમામ નોંધપાત્ર કામગીરી કરી છે તેમ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યુ હતું. 

૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. જેના પહેલા ફેઝમાં ૮ તેમજ બીજા ફેઝમાં ૩ અને હજુ પણ ત્રીજા ફેઝમાં ૮ એમ તબક્કાવાર કુલ ૧૯ ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ૧૦૮ની સેવા શરૂ કરી હતી. આજ પ્રણાલીને આગળ વધારી આજે મુખ્યમંત્રીએ માનવીની જેમ જ પશુઓની પણ દરકાર લીધી છે. ઘણા રાજ્યોમા હાલ માનવીઓ માટે પણ એમ્બ્યુલન્સની સુવીધા નથી ત્યારે ગુજરાત સરકારે પશુઓ માટે આ સુવિધાઓ ઉભી કરી માનવી જેટલુ જ પશુનુ જીવન પણ અમુલ્ય છે અને તેને રક્ષિત કરવા કટીબધ્ધ બની છે તેમ ભાવનગરના મહિલા ધારાસભ્ય અને રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં સરકારી અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતાં. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here