ભારત બંધની સાથે કોણ છે, એની વિરુદ્ધમાં કોણ છે? ખેડૂતોની માગને લઈને સરકાર આગળ શું કરશે?

0
49

પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો છેલ્લા 13 દિવસથી દિલ્હીની સરહદ પર ધરણાં પર બેઠા છે. આંદોલનકારી ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધને ઘણા રાજકીય પક્ષો અને ટ્રેડ યુનિયનોએ પણ ટેકો આપ્યો છે.

ખેડૂતો મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો અને કેન્દ્ર સરકારની વચ્ચે અત્યારસુધીમાં પાંચ વખત વાતચીત થઈ ચૂકી છે. ત્યાર બાદ પણ કોઈ સર્વસંમતિ થઈ નથી. બુધવારે છઠ્ઠી વખત વાટાઘાટો થવાની છે. એના એક દિવસ પહેલાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.

આખરે એને બંધ કેમ કહેવામાં આવે છે? બંધનું કેટલા સમય માટે એલાન કરવામાં આવ્યું છે? ખેડૂતો કઈ માગણીઓ પર અડગ છે? નવા કાયદા અંગે સરકારનું વલણ શું છે? શું સરકાર ખેડૂતોના આંદોલન બાદ એને પાછા ખેંચી શકે છે? આવો જાણીએ…

આજે ભારત બંધનું એલાન કેમ આપ્યું?
બંધનું એલાન ખેડૂતોએ આપ્યું છે. આ ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની સાથે છેલ્લા 13 દિવસથી દિલ્હીની સરહદ પર ધરણાં પર બેઠા છે. ખેડૂતોના બંધને અનેક વિપક્ષ પાર્ટીઓ અને ટ્રેડ યુનિયન દ્વારા સમર્થન મળ્યું છે.

બંધનો સમય શું રહેશે, શું બંધ દરમિયાન કોઈને છૂટ મળશે?
આખો દિવસ બંધ રહેશે, પરંતુ ચક્કાજામ માત્ર સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે સામાન્ય લોકોને હેરાન કરવા નથી માગતા, તેથી આવો સમય રાખવામાં આવ્યો છે, કેમ કે 11 વાગ્યા સુધી મોટા ભાગના લોકો ઓફિસ પહોંચી જાય છે અને 3 વાગે છૂટવાનો સમય શરૂ થઈ જાય છે. ટિકૈતે કહ્યું હતું કે અમે શાંતિથી પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશું.

ખેડૂતોના નેતા બલદેવ સિંહ નિહાલગઢના જણાવ્યા પ્રમાણે, મંગળવારે બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.

કઈ પાર્ટી ખેડૂતોના બંધને સમર્થન આપે છે અને કઈ વિરોધમાં છે?
અત્યારસુધી લગભગ 20 રાજકીય પાર્ટીએ ખેડૂતોના બંધને ટેકો આપ્યો છે. એમાં ભાજપના સહયોગી અસમ ગણ પરિષદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પણ સામેલ છે. બંધનું સમર્થન કરતી પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા, ડીએમકે, રાજદ, ટીઆરએસ, આપ, શિવસેના, અકાલી દળ અને તમામ લેફ્ટ પાર્ટીઓ સામેલ છે.

દેશના દસ કેન્દ્રિય વેપાર સંગઠનોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. ખેડૂતોને કહ્યું છે કે, ભારત બંધ દરમિયાન તેઓ દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ બ્લોક કરશે. તમામ ટોલ પ્લાઝા બંધ કરવામાં આવશે અને ત્યાં પ્રદર્શન કરવામાં આવશે.

જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતો અને APMC(Agricultural produce market committee)એ ભારત બંધને ટેકો નથી આપ્યો. તામિલનાડુ સરકારના મંત્રી ડી. જયકુમારે પણ આવી જ વાત કહી છે.

આ ત્રણ કાયદા શું છે, જેનો વિરોધ થઈ રહ્યો છે?
1. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020: ખેડૂતોનું કહેવું છે કે એનાથી લઘુતમ ટેકાના ભાવ (MSP)ની પ્રણાલીનો અંત આવશે. ખેડૂતો જો બજારની બહાર ઊપજનું વેચાણ કરશે તો મંડીઓનો અંત થઈ જશે.

જોકે સરકાર દાવો કરી રહી છે કે MSP પહેલાંની જેમ જ ચાલુ રહેશે. બજારો બંધ નહિ થાય, પરંતુ આ વ્યવસ્થામાં જ ખેડૂતોને બજારોની સાથે જ અન્ય સ્થાનો પર પાક વેચવાનો વિકલ્પ મળશે.

2. કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ 2020: ખેડૂતોની કહેવું છે કે કોન્ટ્રેક્ટથી ખેડૂતોનો પક્ષ નબળો પડશે. તેઓ કિંમત નિર્ધારિત નહીં કરી
શકે. નાના ખેડૂતોને નુકસાન થશે. વિવાદની સ્થિતિમાં મોટી કંપનીઓને લાભ થશે.

સરકારનો દાવો છે કે કોન્ટ્રેક્ટ કરવો કે નહીં, તેમાં ખેડૂતોને આઝાદી મળશે. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ભાવ રાખીને પાક વેચી શકશે. મેક્સિમમ 3 દિવસમાં પેમેન્ટ મળી જશે. દેશમાં 10 હજાર ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ્સ બની રહ્યાં છે. આ FPO નાના ખેડૂતોને જોડી માર્કેટમાં યોગ્ય ભાવ અપાવવાની દિશામાં કામ કરશે. વિવાદ સ્થાનિક જગ્યાએ જ નીપટાવી લેવામાં આવશે.

3. આવશ્યક વસ્તુ બિલ-2020: ખેડૂત કહી રહ્યા છે કે એનાથી મોટી કંપનીઓ જરૂરી વસ્તુઓ સ્ટોરેજ કરશે. તેમની દખલગીરી વધશે. કાળાં બજાર પણ વધી શકે છે.

સરકારનો દાવો છે કે એનાથી કૃષિક્ષેત્રમાં ખાનગી રોકાણ વધશે. કોલ્ડસ્ટોરેજ અને ફૂડ પ્રોસેસિંગના વિસ્તારમાં રોકાણ વધવાને લીધે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. ખેડૂતોને પાક ખરાબ થવાની ચિંતા દૂર થશે. તેઓ બટાકા-ડુંગળી જેવા પાક કોઈપણ ચિંતા વગર વાવી શકશે. ઇન્સ્પેકટર રાજ પૂરું થશે અને ભ્રષ્ટાચાર પણ.

ખેડૂતોની માગ શું છે?
ખેડૂત નેતા હન્નાન મોલ્લાહનું કહેવું છે કે શરૂઆતમાં જ અમારી માગ છે કે કાયદો પરત લેવામાં આવે. સંશોધન ઇચ્છતા નથી. એવું લાગે છે કે 9 ડિસેમ્બરે મીટિંગમાં સરકાર કાયદો પરત લેશે. ખેડૂત નેતા રાજેન્દ્ર આર્ય પણ કહે છે, ત્રણ કાયદા રદ કરવા સિવાય ખેડૂતો કોઈપણ વાત નહિ માને. જરૂર પડે તો એક વર્ષ સુધી રસ્તા પર બેસીશું.

શનિવારે પાંચમી મીટિંગ દરમિયાન ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર કૃષિ કાયદાને પરત કરવામાં હા કે નામાં જવાબ આપે. ત્રણ કલાકની વાતચીત પછી કોઈ નિરાકરણ નહીં દેખાય તો ખેડૂત નેતાઓની સામે રાખેલા કાગળ પર યસ ઔર નો લખીને મંત્રીઓને દેખાડ્યું. ખુરશી પાછળ કરીને મોઢા પર આંગળી રાખીને બેઠા હતા. એ પછી કૃષિમંત્રીએ ખેડૂત પાસે સમય માગ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે અમે તમને છેલ્લીવાર સમય આપી રહ્યા છે.

ખેડૂતોની માગ પર સરકાર શું કહી રહી છે?
ખેડૂતોએ સાથે વાતચીત પછી લેખિત જવાબ માગ્યો છે. સરકારે ખેડૂતોને લખીને આપી દીધું છે. મીટિંગમાં સરકાર જ્યારે સુધારાની વાત પર અડગ હતી ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે GSTમાં તમે ઘણા સુધારાઓ કરી ચૂક્યા છો, પણ કઈ ફાયદો થયો નથી.

ખેડૂતોનું કહેવું છે કે આ બિલમાં અમને એટલી તકલીફ પડી છે કે તેમાં સુધારાઓ કર્યા પછી પણ કાયદાઓનો કોઈ અર્થ નહિ રહે, આથી એને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવે.

…તો શું સરકાર કાયદા પરત લઇ શકે છે?
5 ડિસેમ્બરે ખેડૂતો સાથે પાંચમી વાર વાતચીત પહેલાં પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને ત્રણ અન્ય મંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મીટિંગમાં કાયદો
પરત લેવા પર પણ ચર્ચા થઈ.

પાંચમી વખતની વાતચીતમાં જ્યારે કોઈ કઈ નિવારણ ના આવ્યું તો સરકારે ફરીથી સમય માગ્યો. હવે 9 ડિસેમ્બરે બેઠકમાં કોઈ નિર્ણય થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here