ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું તો અટલ ટનલને બર્બાદ કરી દેશે ચીની સેના: ગ્લોબલ ટાઇમ્સ

    0
    140

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અટલ ટનલનું ઉદ્દઘાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ આ ટનલનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે આ ટનલ દેશના બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરની નવી તાકાત બનશે. પીએમ મોદીએ ઈશારામાં ચીનને સંદેશ આપ્યો અને કહ્યું કે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરના ઘણા પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે અને ઘણા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતના સરહદી વિસ્તારમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનતા જોઇ ચીની મીડિયા પણ બેચેન થઈ ગઈ છે. હંમેશાની જેમ ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે અટલ ટનલને લઇ પોતાનો પ્રોપગેન્ડા છાપ્યો છે અને ભારતને ધમકી આપવાની કોશિષ કરી છે.

    ગ્લોબલ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો છે અને લખ્યું છે કે ભારતને અટલ ટનલ બનાવવાથી બહુ ખાસ ફાયદો થવાનો નથી. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે આ વિસ્તાર પહાડી ક્ષેત્ર છે આથી તેનું નિર્માણ ફક્ત લશ્કરી હેતુ માટે જ કરવામાં આવ્યું છે.

    ચીની અખબારે લખ્યું છે કે અટલ ટનલ ખૂલવાથી ભારતીય સેનાને સરહદ પર ઓછા સમયમાં તૈનાત કરી શકાય છે અને તેની સાથે જ સૈન્ય પુરવઠો પણ આ ટનલ દ્વારા લઇ જઇ શકાય છે. એ સાચું છે કે આ ટનલ બની જવાથી ભારતના બાકી ભાગોથી લેહ પહોંચવામાં હવે ઓછો સમય લાગશે. સેનાની તૈનાતી અને રણનીતિક ચેનલ તરીકે આ ખૂબ જ અગત્યનું છે.

    ગ્લોબલ ટાઇમ્સે વધુમાં લખ્યું છે કે શાંતિપૂર્ણ સમયમાં તો આ ટનલમાંથી ભારતીય સેના અને પુરવઠામાં ખૂબ જ મદદ મળશે પરંતુ યુદ્ધના સમયે, ખાસ કરીને સૈન્ય સંઘર્ષમાં તેનો ફાયદો થવાનો નથી.” ચીન પીપલ્સ આર્મીની પાસે આ ટનલને બેકાર કરવાની કેટલીય રીતો છે. ભારત અને ચીન માટે એ શ્રેષ્ઠ રહેશે કે બંને એકબીજાની સાથે શાંતિપૂર્ણ રીતે રહે.

    અખબારે ભારતને સંયમ રાખવાની સલાહ આપી છે અને કહ્યું છે કે તેણે કોઈ પણ ઉશ્કેરણીજનક ગતિવિધિથી બચવું જોઈએ. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે કોઈ પણ ટનલ ભારતની લડાકુ ક્ષમતાને વધારી શકતી નથી. ભારત અને ચીનની લડાઇ ક્ષમતામાં ચોક્કસપણે મોટો તફાવત છે, ખાસ કરીને ભારતની યુદ્ધ ક્ષમતા બિલકુલ પણવ્યવસ્થિત નથી. ભારત ચીનની ક્ષમતાથી હજુ ઘણું દૂર છે.

    ગ્લોબલ ટાઇમ્સે તેના લેખમાં લખ્યું છે કે ભારત ચીનની સાથે સરહદ પર રસ્તાઓ, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરી રહ્યું છે. ડારબુક-દોલત બેગ ઓલ્ડી (ડીએસડીબીઓ) રસ્તો 255 કિલોમીટર લાંબો છે જેનું ગયા વર્ષે બાંધકામ પૂરું થયો હતો. તેને બનાવવામાં ભારતને બે દાયકા લાગ્યા. આ રસ્તો લદાખ સુધી જાય છે. આ રસ્તાઓ ઉપરાંત ભારત સરકારે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત-ચીન સરહદ પરના 73 મહત્વપૂર્ણ રસ્તાઓની ઓળખ કરી છે જેના પર શિયાળામાં પણ કામ થતું રહેશે.

    ચીનના અખબારે લખ્યું છે કે યુદ્ધ માટે તૈયાર આ રસ્તાઓનું ભવિષ્ય ત્રણ વ્યવહારુ તબક્કાઓ પર નિર્ભર કરે છે. પહેલી વાત કે ભારત સરકાર શું ઇચ્છે છે. મોદી સરકારને જોતા લાગે છે કે તે ભારત-ચીન સરહદ પર સૈન્યની હાજરીને વધુ મજબૂત કરવા માંગે છે. બીજી વાત છે- બજેટ. ભારત પોતાનું સંરક્ષણ બજેટ વધારી રહ્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલાં કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે જેનું લક્ષ્ય ચીનને રોકવાનો છે. ત્રીજી વસ્તુ ટેકનોલોજી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની ક્ષમતાની દ્રષ્ટિએ ભારત ચીનથી ઘણું પાછળ છે. હકીકતમાં 73 રસ્તાઓના નિર્માણની વાત 10 વર્ષ પહેલાં કરવામાં આવી હતી પરંતુ આજ સુધી આ રસ્તાઓ બની શકયા નથી. આ બતાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની ક્ષમતા સીમિત છે. તદ્ઉપરાંત પહાડી વિસ્તારોમાં રસ્તા બનાવવા ખૂબ જ મુશ્કેલ કામ છે અને ભારતને આવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો બહુ ઓછો અનુભવ છે.

    ગ્લોબલ ટાઇમ્સે અંતે લખ્યું છે કે અત્યારે શાંતિનો સમય છે અને ભારતને એ અહેસાસ નથી થઇ રહ્યો કે યુદ્ધ થવા પર અટલ ટનલ કામ આવશે નહીં. આ ટનલ બનવાથી આખો દેશ ખુશ છે પરંતુ જ્યાં સુધી ભારતીય રાજનેતાઓની વાત છે તેઓ આનો ઉપયોગ માત્ર દેખાડો અને પોતાના રાજકીય લાભ માટે કરી રહ્યા છે. આ સ્પષ્ટપણે માત્ર રાજકીય પ્રોપેગેન્ડા છે. ટનલ જંગમાં કામ આવશે કે નહીં, ભારતીય રાજનેતાઓ માટે આ વિચારનો વિષય નથી પરંતુ તે પોતાના રાજનીતિ હિતોને સાધવા માટે તેને હથિયાર બનાવી રહ્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here