બહુ ઉપયોગી લેસરના ઝળહળતાં છ દાયકા

  0
  92

  – ઓપરેશન ટેબલથી સ્ટાર વૉર સુધી…

  – હોટલાઈન- ભાલચંદ્ર જાની

  – આજે લેસરનો ઉપયોગ ઔષધથી માંડીને ધાતુઓને  ઓગાળી નાંખવા સુધી અને સંરક્ષણથી માંડીને ગુન્હાખોરીને શોધી કાઢવા સુધી કરી શકાય તેમ છે.

  લે સર શબ્દથી હવે કોઈ અજાણ્યું નથી. પરંતુ છ દાયકાથી આપણી વચ્ચે અસ્તિત્ત્વ ધરાવતી આ ટેક્નિકનું મહત્ત્વને આપણે હજુ પૂરેપૂરી સમજ્યા નથી.  વિજ્ઞાાનની દુનિયાનું આ રૂપકડું નામ છે. લેસરનો ઉપયોગ માનવ હિતથી માંડીને માનવસંહાર એમ બેઉ બાબતો માટે થઈ શકે તેમ છે.

  ધારો કે ધરતીના ભંડારોમાંથી તેલ અને કોલસો ખલાસ થઈ જાય.  ઉર્જાની કટોકટી સર્જાય તો વિજ્ઞાાનીઓએ વિચાર્યું છે કે સૂર્ય એજ એવો વિકલ્પ છે કે જે સતત શક્તિનો ધોધ વહાવી શકે. પરંતુ વ્યવહારીક રીતે સૂર્ય બધે એક સરખો દ્રષ્ટિ ગોચર થતો ના હોઈ તેની કેટલીક મુશ્કેલીઓ રહે છે. વાદળો આવે ત્યારે અથવા રાત્રે સૂર્યકિરણો ઝાંખા અથવા અનુપલબ્ધ રહે છે. તેથી એક એવી કલ્પના કરવામાં આવી કે, પૃથ્વીથી ખૂબ ઊંચે એક મહાકાય ઉપગ્રહ ચડાવવામાં આવે જેને વાદળ નડે નહીં અને સતત સૂર્ય પ્રકાશ ઝીલતો રહે. તેની વિશાળ સૌર પાંખો લેસર દ્વારા પૃથ્વી પર ગોઠવેલા ભૂમિ મથક પર ઝીલાતી રહે અને ફરી તેને કેબલમાં વહેતી કરી લોકો સુધી પહોંચાડે.

  આજે લેસરનો ઉપયોગ ઔષધથી માંડીને ધાતુઓને  ઓગાળી નાંખવા સુધી અને સંરક્ષણથી માંડીને ગુન્હાખોરીને શોધી કાઢવા સુધી કરી શકાય તેમ છે.

  ‘લેસર’ની મઝેદાર વાત એ છે કે, લેસર જેવું કાંઈ હોઈ શકે તેવી કલ્પના વિજ્ઞાાન કથાઓના લેખકોએ પહેલા ંકરી હતી. છેક ૧૮૯૮માં એચ.જી. વેલ્સે લખેલી ‘ધી વોર ઓફ ધ વર્લ્ડ’ નવલકથામાં આવી કલ્પના દર્શાવવામાં આવી હતી. આ કથામાં મંગળવાસીઓ એક પ્રકારનાં કિરણોવાળાં શસ્ત્રો લઈને પૃથ્વી પર ચડાઈ કરે છે એમ દર્શાવવામાં આવ્યું હતું.

  આલ્બર્ટ આઈનસ્ટાઈન નામના વિખ્યાત વિજ્ઞાાનીએ લેસર અંગેના સિધ્ધાંતોને  પ્રતિપાદીત કર્યા બાદ થિયોડોર મેઈનમેન નામના તેત્રીસ વર્ષના એક એન્જિનીયરે હ્યુજીસ રીસર્ચ લેબોરેટરીમાં ચાર ઈંચનું એક એવું સીલીન્ડર બનાવ્યું અને તેમાં તેણે લેસર કિરણો પેદા કર્યા. તેના બે દાયકા બાદ લેસર ટેક્નીકલ ક્રાંતિ તરીકે વિશ્વવિખ્યાત બન્યું.

  આજે આંખની સુક્ષ્મ શસ્ત્રક્રિયા માટે લેસર કિરણોનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. મગજમાં થયેલી કેન્સરની ગાંઠ ઓગાળી નાંખવાથી માંડીને હૃદયરોગનો ભોગ બનાવતા લોેહીની નસોમાં જામી ગયેલા ચરબીના ગઠ્ઠાને પણ ઓગાળી નાંખવા માટે લેસરના અખતરા થઈ રહ્યા છે.

  લેસરની વધુ વાત કરીએ તે પૂર્વે તેની સાદી સરળ સમજ મેળવી લઈએ.

  લેસર કેવી રીતે કામ કરે છે? આ માટે એક નાનો દાખલો પૂરતો છે. દિવસે સૂરજ જ્યારે તપતો હોય અને મોટા બીલોરી કાચ વડે સૂરજના કિરણો એકત્ર કરી કોઈ કાગળ પર નાંખવામાં આવે  તો કાગળ બળવા માંડે છે તે જ રીતે શક્તિશાળી કિરણોનું કેન્દ્રીકરણ કરીને તેને એક જ રેખામાં વાપરવામાં આવે છે તે જ પધ્ધતિ લેસરની છે. ફરક એટલો છે કે લેસરનો પ્રકાશ અધિક તેજોમય છે. અને તે જુદા જ સિધ્ધાંત પર કામ કરે છે. સૂર્ય પ્રકાશને ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર કરવામાં આવે તો તેવાં છ જેટલી વેવલેન્થ પર અલગ અલગ રંગ દેખી શકાય છે. જ્યારે લેસર એક જ વેવલેન્થ ધરાવે છે. લેસર એટલે લાઈટ એમ્પ્લિીફીકેશન બાય સ્ટીમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન (LASER)

  લેસર ટેકનોલોજીથી શું થઈ શકે છે? પ્રીસીસન માર્કીંગ જ્યાં ચોક્કસ માપ પ્રમાણે માર્કીંગની જરૂર હોય છે ત્યાં ‘લેસર’ માર્કીંગ થાય છે. માર્કીંગથી માંડી મેસરમેન્ટ લેવા લેસર વપરાય છે. 

  આજે જ્યારે ઊર્જા કે એનર્જી ક્ષેત્રે કુદરતી સ્ત્રોત ઘટતો જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે તેવાં સંજોગોમાં ‘લેસર’ ક્લીન અને અમર્યાદિત ‘પાવર’ સપ્લાય કરી શકે તેમ છે.

  જેમ સૂર્ય ઊર્જાનો અવિરત ધોધ વહેતો મુકે છે તેવો લીમીટલેરી એનર્જીનો ધોધ માનવ કલ્યાણ માટે વહી શકે તેમ છે. યુરોપનાં વૈજ્ઞાાનિકોએ આ કોન્સેપ્ટને ‘HIPER’નામનાં પ્રોજેક્ટમાં ફેરવી નાખ્યો છે. ‘HIPER’ ભવિષ્યનું પ્રોટો-ટાઈપ પાવર સ્ટેશન સાબીત થશે!  આ  રીતે લેસર બીમનો ઉપયોગ  કરી, સુર્યનાં કેન્દ્રમાં જે તાપમાન છે તેનાં કરતાં દસ ગણું વધારે તાપમાન પેદા કરી શકાય છે. 

  બીજી બાજુ વિશ્વનો ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાંખી શકે તેવાં ખતરનાક લેસર આધારીત શસ્ત્રો પણ સ્ટારવૉરના ભાગરૂપે તૈયાર કરવામાં આવી રહ્યા છે. યુદ્ધ વખતે અમેરિકાનો નાશ કરવા દુશ્મનો જો મીસાઈલ્સ છોડે તો તેને અંતરીક્ષમાં જ તોડી પાડવા અવકાશમાં લેસર-શસ્ત્રો ગોઠવી દેવા જોઈએ. એ પ્રકારની હિમાયત હાઈડ્રોજન બોમ્બના જનક ડૉ.એડવર્ડ ટેલરે અઢી  દાયકા પૂર્વે કરી હતી.

  બોઈંગ ૭૬૭ અને બોઈંગ ૭૫૭ જેવા મહાકાય વિમાનો ઉડાડતા પાયલોટો રસ્તો શોધવા માટે હવે ‘લેસર જીરોસ્કોપ’ નામના નવા ભૌમિતિક સાધનનો ઉપયોગ કરે છે. સુપર માર્કેટના કારકુનો પણ હવે  ચીજ  વસ્તુઓના  ભાવો અને આંતરરાષ્ટ્રીય કોડની ચકાસણી માટે લેસરનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અમેરિકામાં ન્યુયોર્કમાં બેઠેલો વેલ્ડર છેક જાપાનમાં પડેલા લોખંડના ટુકડાને લેસર કિરણો વડે કાપીને વેલ્ડીંગ પણ કરી શકે છે.

  તારના દોરડા કે રેડિયો તરંગોની જેમ લેસરનો ઉપયોગ આમ તો માધ્યમ તરીકે સફળતાપૂર્વક  કરી શકાય છે. વિજળીને લેસર કિરણોમાં ફેરવીને ફરી તેને વીજળીમાં ફેરવી શકાય છે તેમ ટેલિફોનના અવાજને લેસરમાં ફેરવી તે કિરણો દૂર દૂર મોકલી ફરી તેને અવાજમાં ફેરવી શકાય છે. એ જ રીતે તસ્વીરો પણ લેસર દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે પ્રકાશની ઝડપે મોકલી શકાય છે. જાપાને દાયકા પૂર્વે તો લેસર ડીસ્ક મૂકી ધ્વની-સંગીતની દુનિયામાં એક નવી જ ક્રાંતિ સર્જી છે. કોમ્પેક્ટ ડિસ્ક અને ડિજિટલ સાઉન્ડના આલમમાં લેસર ટેક્નોલોજીએ ડંકો વગાડયો છે.

  ટાઈમ મેનેજમેન્ટના સંદર્ભમાં પણ લેસર ખૂબ ઉપયોગી છે. સમયની પરીભાષામાં એક સેકન્ડનાં અબજો ગણા ભાગમાં (૧૦૦૦ x દસ લાખ x દસ લાખ) જેને ફેયરો-સેકન્ડ કહે છે તે લેવલે પહોંચ્યા છે. હવે સેકન્ડને (દસ લાખ x દસ લાખ x દસ લાખ વડે ભાગતાં) જે મળે તે એટ્ટો-સેકન્ડે વૈજ્ઞાાનિકો પહોંચી શક્યાં છે. આ સ્કેલ એટલે કે એટ્રો સેકન્ડે કામ કરતાં વૈજ્ઞાાનિકો મેટર/પદાર્થ કઈ રીતે આંતર પ્રક્રિયા કરે છે તે જાણી શકાશે.

  ૧૯મી સદીમાં બે મહત્ત્વની શોધોએ ક્રાંતિ આણી તેમાં એક હતી વરાળથી ચાલતા યંત્રની શોધ અને બીજી હતી વિજળીની શોધ… પરંતુ લેસરની શોધ આ બન્ને શોધોની બરાબરી કરી શકે તેમ છે એમ મનાય છે.

  અને તેથી લેસર જ્યારે પ્રકાશમાન બને ત્યારે તેને કેટલાકે અપાર્થિવ ઉર્જા તરીકે પણ ઓળખાવ્યું છે.

  લેસરની શોધ બાદ તેના નાટયાત્મક રીતે રૂપ બદલતા ગયા છે. ગેસ, સોલીડ સ્ટેટ  એમ  જાતજાતના લેસરનું સર્જન કરવામાં આવ્યું છે. દરેક લેસર જુદી જુદી વેવલેન્થ પર પ્રકાશે છે. કેટલાંક હૃદયના ધબકારાની જેમ ધબકે છે, તો કેટલાક સતત પ્રવાહીત  રહે છે. દા.ત. કાર્બન ઓક્સાઈડ ગેસ લેસર ગમે તેવી શક્તિશાળી ધાતુને આબાદ રીતે કાપી નાંખી શકે છે. તથા વેલ્ડીંગથી તેને સાંધી પણ શકે છે.

   હજુ ખૂબ શક્તિશાળી લેસર શોધવાનું બાકી છે. લેસર પ્રયોગશાળામાં ૧૦ કરોડ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન ઉત્પન્ન કરી શકે છે અને ૧૦૦ કરોડ એટમોસ્ફીઅર દબાણ ઉત્પન્ન કરી શકે છે, એટલે કે તે સૂર્યને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકે છે. આટલા શક્તિશાળી કિરણો ઊડતા પંખીને, વિમાનને કે રોકેટને ભોંય ભેગા કરી શકે છે. તે ગમે તે વસ્તુને બાળીને રાખ કરી શકે છે. 

  લેસરનું જ્યાં પણ પ્રદર્શન થાય છે ત્યાં શંકર ભગવાનની મૂર્તિ મૂકવામાં આવે છે. શંકર ભગવાનના ત્રીજા નેત્રમાંથી નીકળેલ અગ્નિએ કામદેવને રાખ કરી દીધા હતા. ખૂબ જ શક્તિશાળી લેસરનું નામ શિવાલેસર રાખવામાં આવ્યું છે. એટમિક એનર્જીના  મકાનનો આકાર શિવલિંગ જેવો રાખવામાં આવે છે, કારણ કે તે અણુઊર્જાનું સ્થાન છે. 

  ભારતમાં ઈંદોરની પ્રયોગશાળામાં લેસર વિશે સંશોધન થાય છે. લેસર ત્રિશૂળ અને સુદર્શન ચક્ર જેવું ભયાનક શસ્ત્ર છે. લેસર જાડી સ્ટીલની પ્લેટમાં દેખાય નહીં તેવું છિદ્ર પાડી પસાર થઈ જાય છે. રોકેટ કે સ્પેસ શટલ કે વિમાનમાં ક્યાંય છિદ્ર રહી ગયું નથી ને તે જાણવા લેસરનો ઉપયોગ થાય છે. આવાં સાધનોનાં સાંધામાં ક્યાંય જગ્યા નથી રહી ગઈને તે જાણવા લેસર વપરાય છે.

  ચાર વોટનું લેસર બીમ ચંદ્ર પરથી આરામથી જોઈ શકાય છે, 

  જ્યારે મુંબઈ શહેરની બધી જ લાઈટો ચંદ્ર પરથી દેખાતી નથી તેટલા શક્તિશાળી લેસર કિરણો છે, તેટલું જ નહીં તે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એક મિલિમીટરની ભૂલ સાથે માપી શકે છે. તે પ્રસરતા (ગૈપીયિી) થતા નથી. પ્રકાશ જેમ જેમ દૂર જાય તેમ તેમ પ્રસરી જાય છે. 

  લો-પાવર લેસરનો ઉપયોગ તો હવે તબીબો ઓપરેશન માટે કરતા થયા છે.

  વેશ્યાગમનથી એક ચેપીરોગ દાયકાથી બહુ ફેલાયો છે. ખાસ કરીને અમેરિકી પ્રજા તેનાથી ત્રાસી ગઈ છે. તે ‘હરપીસ’ તરીકે ઓળખાય છે.  આ એક જાતનો ‘વેનેરલ ડીસીઝ’ છે, જેમાં પુરુષની ઈન્દ્રીય પર નાની નાની ફોડલીઓ થઈ આવે છે અને કદિક તેમાંથી પાણી ઝર્યા કરે છે.

  ‘હરપીસ’ એ વાયરસથી થતો રોગ છે. તેને મટાડવાની અસરકારક દવા કે રસી હજી ઉપલબ્ધ નથી. ત્યારે અમેરિકામાં કેટલાક તબીબોએ હરપીસના કારણે થતી એ ફોડલીઓને કાયમ માટે દૂર કરવા માટે લેસરના અખતરા કર્યા છે અને ‘હરપીસમાંથી’ મુક્તિ અપાવવામાં લેસર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે તેમ છે તેવું તેમને લાગ્યું છે. અલબત્ત આ ખૂબ જ મોંઘી સારવાર છે.

  લેસરમાં ગરમી અને શક્તિ બેઉ છે. ઓપરેશન થિયેટરોમાં મગજ અને કરોડરજ્જુની ગાંઠોેને ઓગાળી નાંખવા માટે પણ લેઝરનો ઉપયોગ થવા માંડયો છે. જ્યાં મગજ ખોલવામાં વધુ જોખમ છે  તેવા કેસોમાં લેસર વધુ ઉપયોગી સાબીત થયું છે. અમેરિકામાં તો ‘લેસર-ન્યુરોસર્જનો’ હવે બહાર આવ્યા છે. ૧૫ વર્ષ પહેલાં લેસરથી થતાં ઓપરેશનોની સંખ્યા માંડ ૨૦ની હતી, આજે વરસે દહાડે  ૧૫,૦૦૦ થી વધુ ઓપરેશનો લેસરની મદદથી થાય છે.

  આમ છતાં એક વાત સમજી લેવી જોઈએ, કે કેટલાક કેસોમાં લેસર એ સંપૂર્ણ તો નથી જ. કેન્સર માટે લેસર એ કોઈ રામબાણ ઈલાજ નથી. તેથી કહેવાય છે કે કોઈ મૂર્ખ સર્જનને લેસર સારો સર્જન બનાવી શકતું નથી. બલ્કે એક સારા સર્જન માટે સહાયભૂત થતું ઉત્તમ સાધન છે.

  અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયામાં કેન્સરના દર્દીને શસ્ત્રક્રિયા વગર જ લેસરનો ઉપયોગ કરી કેન્સર મટાડવા માટે અખતરા થઈ રહ્યા છે. આ સારવારને ‘ફોટો રેડીએશન પધ્ધતિ’  કહે છે. અહીં લેસરનો પ્રકાશ તરીકે જ ઉપયોગ થાય છે, ગરમીના વાહક તરીકે નહીં. આ પધ્ધતિ જાણવા જેવી છે. દરદીના શરીરમાં એક પ્રકારનું  ‘ફોટો સેન્સેટીવ કેમીકલ ઈન્જેક્શનથી આપવામાં આવે છે. આ રસાયણ શરીરમાં જ્યાં કેન્સરની ગાંઠ હોય ત્યાં એકત્ર થાય છે. હવે બહારથી લેસરનાં કિરણો તે ગાંઠ પર ફોકસ કરવામાં આવે છે.

  બીજી બાજુ કેન્સરની ગાંઠમાં જમા થયેલું ફોટોસેન્સેટીવ રસાયણ લેસરનાં કિરણો સ્પર્શતાં જ એક પ્રકારની પ્રતિક્રિયા શરૂ કરે છે. અને તેને કારણે કેન્સરની ગાંઠને તે ઓગાળી નાંખે છે.

  એ જ રીતે ફેંફસાઓનું કેન્સર શોધી કાઢવા માટે લેસર કિરણોને ફેફસામાં મોકલી એક ખાસ પ્રકારના યંત્ર દ્વારા ફેફસાંમાં કેન્સર છે કે કેમ તે શોધી કાઢી શકાય છે, આ યંત્રને ‘ફ્લોરેસન્સ બ્રોન્કોસ્કોપ’ કહે છે.

  આંખની અંદર રહેલી અત્યંત બારીક રક્તવાહિનીઓને નુકસાન ના થાય તે રીતે માઈક્રો-સર્જરી માટે લેસર સૌથી સલામત શસ્ત્ર તરીકે બહાર આવી રહ્યું છે. આંખની છેક ઊંડાણમાં આવેલા પડદાની આસપાસની ખરાબી દૂર કરવા માટે આંખને નુકસાન કર્યા વગર શસ્ત્રક્રિયા કરવા માટે લેસરનો ઉપયોગ થઈ રહ્યો છે. ઝામરના દરદીની આંખમાંથી લેસર થોડીક જ ક્ષણોમાં પાણી ખેંચી શકે છે.

  પરંતુ છરીનો ઉપયોગ જેમ શાકભાજી સમારવા માટે થાય છે અને કોઈના પેટમાં ભોંકી દેવા માટે પણ થાય છે તે જ રીતે લેસરનો લશ્કર દ્વારા થનારો ઉપયોગ ખતરનાક હશે. હવાઈ જહાજ, મીસાઈલ્સ, ટેન્કો, અને જહાજોની ઈલેક્ટ્રોનિક સેન્સર સીસ્ટમને ખતમ કરી તે જહાજોને આંધળા કરી નાંખવાનું કામ પણ લેસર કરી શકશે. કેટલાક તો એવી પણ કલ્પના કરે છે કે લેસર-આયુધોથી સજ્જ અવકાશી મથકો કોઈપણ મથકેથી વિમાનો કે મિસાઇલો ઉડે તે પહેલાં જ તેમને ખતમ કરી શકશે. શક્તિશાળી લેસર-આયુધોના સંશોધન માટે અમેરિકાએ ૨૫ અબજ ડોલર ફાળવ્યા છે. 

  કેટલાક તો એમ પણ  માને છે કે ‘લેસર શસ્ત્રો’નો આઈડિયા ‘સ્ટાર-વૉર્સ’ નામના ચિત્રમાંથી ઉઠાવવામાં આવ્યો છે. અમેરિકા પૃથ્વીની આસપાસ દર ૮૦૦ થી ૧૦૦૦ માઈલના અંતરે અવકાશમાં લેસર-યુદ્ધમથકો ઊભાં કરવા માંગે છે, જે ચીન અને રશિયા પર સતત ચાંપતી નજર નાંખતાં રહેશે, આ મથકો શક્તિશાળી અરીસા પણ ધરાવતાં હશે જેથી કોઈપણ  રશિયન કે ચીન મીસાઈલ ઉપર બરાબર નિશાન તાકી શકાય. આવી મીસાઈલને શોધીને ઉડાવી દેતાં ફક્ત એક જ સેકંડ લાગશે.

  દરમિયાન  દુનિયાનું સૌથીમોટું  દ્વિહેતુ લેસર કેન્દ્ર સ્થાપ્યું છે.  આ યોજનામાં રશિયા લગભગ ૪૫ અબજ  રૂબલ (૧.૫ અબજ ડોલર)નું  રોકાણ કર્યું છે. 

   રશિયાના નિઝની નોવગોરોદ ક્ષેત્રમાં  આ દ્વિહેતુક લેસર સેન્ટર પરમાણું કેન્દ્રની નજીક જ સ્થાપવામાં આવ્યું  છે.

  આ કેન્દ્રનો ઉપયોગ સેનાની સામગ્રીના નિર્માણ માટે તેમજ વૈજ્ઞાાનિક સંશોધન માટે એમ બન્ને પ્રકારે થશે. ખાસ કરીને ‘લેસર થર્મોન્યુક્લિયર’ સંચલનના અનુસંધાને સંશોધન કરાશે. લેસર થર્મોન્યુક્લિયર દ્વારા શક્તિ ઉત્પન્ન કરીને પ્રણાલી સંચાલન કરવાના મુદ્દાને વૈજ્ઞાાનિકો અણુક્ષેત્રમાં કરોડરજ્જુ સમાન માને છે. બીજી તરફ લેસરનો એક કલ્પના  બહારનો ઉપયોગ કરવા માટે સંશોધન થઈ રહ્યું છે.  આ એક એવી ટેક્નિક હશે જેનાથી ભવિષ્યમાં કોઈપણ વસ્તુ અદ્રશ્ય કરી શકાશે.

  અદ્રશ્ય થવાની ટેકનીક પર સફળ સંશોધનના કારણે વિશ્વમાં નામના મેળવનારા પ્રા.ક્રિસ ફીલીપ્સે આ અંગે વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ વસ્તુઓ જોઈ શકાય છે કારણકે તેના અણુઓ પ્રકારના શેરડા સાથે તાલ મીલાવે છે.જ્યારે પ્રકાશનુ આ કિરણ એટલે કે ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ કોઈ પણ વસ્તુના એટમ સાથે અથડાય છે ત્યારે તેમાં સાવ ઓછી એનર્જી સાથેના  ઈલેક્ટ્રોન પોતે આ વેવની એનર્જીને શોષી લઈને પોતાની એનર્જીના સ્તરમાં વધારો કરે છે.

  એનર્જીના આ બંને સ્તરના તફાવત સાથે સંવાદ સાધી શકે તેવા એક રંગના પ્રકાશને બાદ કરતા અન્ય રંગો વસ્તુમાંથી આરપાર નીકળી જાય છે.પરંતુ જો આ એક રંગને પણ એટમમાં શોષાતો અટકાવવામાં આવે તો વસ્તુ જોઈ શકાય નહી.ક્વોન્ટમ ફીઝીક્સની મદદથી અમે આવુ કરવામાં સફળ રહ્યા છે.આ માટે અમે આર્ટીફીશીલ એટમ ્અને અત્યંત તીવ્રતા વાળા ઈનફ્રા રેડ લેસરનો ઉપયોગ કર્યો છે.આ લેસર રશીયામાં વિકસાવાયેલા વિશેષ પ્રકારના સેમી કન્ડક્ટર ક્રીસ્ટલ પર આધારીત છે.

  પ્રો.ફીલીપ્સે કહ્યંું હતું કે આ લેસરની તીવ્રતા ૧૦ મીલીયન વોટની હોવા છતા તેનાથી કોઈ નુકસાન માનવશરીર પર થતુ નથી.આમ છતા હું જ્યારે પણ આ પ્રયોગ કરૂ છુ ત્યારે કોઈ દુર્ઘટના ના બને તે માટે ભારે તકેદારી રાખવી જરૂરી બની જાય છે.

  તેમણે કહ્યું હતું કે અમારા પ્રયોગ અને જાદુના પ્રયોગ વચ્ચેનો તફાવત એ છે કે જાદુગર દ્રષ્ટિભ્રમ ઉભો કરે છે અને અમે ફીઝીક્સની મદદથી વસ્તુને અદ્રશ્ય કરવામાં સફળતા મેળવી છે.

  એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો મને અદ્રશ્ય થઈને કોઈ ક્ષણને નિહાળવાની તક મળે તો હું મારા સંતાનોની થોડા સમય માટે જાસૂસી કરવાનુ પસંદ કરીશ.

  ખેર, લેસરના આવા તો કંઈ કેટલાય ઊપયોગ ભવિષ્યમાં શોધાશે. અને એટલે જ લેસર  ટેક્નિકના આવિષ્કારના છ દાયકા પછી કહેવું  પડે કે  આગે આગે દેખો હોતા હૈ  ક્યાં!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here