બટાટા માટે ૨૦૨૦ શ્રેષ્ઠ બની રહ્યું : વેપારીઓ ત્રણ ગણું કમાયા

0
48

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ આમ તો વસમું વર્ષ છે. જોકે બટાટાના ખેડૂતો અને વેપારીઓ માટે તે શ્રેષ્ઠ પુરવાર થયું છે. સિઝનની શરૂમાં કોલ્ડમાં બટાટા ભરનારાઓના નાણા વર્ષની મધ્યમાં જ ત્રણ ગણાથી વધુ થયા હતા અને હજુ પણ માલ પકડી બેઠેલાઓને ઊંચો ભાવ મળી રહ્યો છે એક માત્ર માર્ચ-એપ્રિલ દરમિયાન લોકડાઉનને કારણે માલ કાઢવામાં થોડી તકલીફ નડી હતી. જોકે ત્યારબાદ મે મહિનાથી લઈ અત્યાર સુધી તેમને માટે સમય સારો જ રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે ચાલુ વર્ષે મોટાભાગના લીલા શાકભાજીઓ સામે બટાટા પ્રીમિયમ ભાવે વેચાતાં રહ્યાં છે.

દહેગામ સ્થિત કોલ્ડ સ્ટોરેજ ઓવનર જણાવે છે કે ફેબ્રુઆરીમાં સિઝનમાં રૂ. ૨૫૦-૩૦૦ પ્રતિ કટ્ટાના ભાવે કોલ્ડમાં માલ ભરનારાઓને રૂ. ૮૦૦-૯૦૦માં એટલે કે ત્રણ ગણા ભાવે માલ વેચવાની તક મળી હતી. અગાઉ આ ભાવે ક્યારેય બટાટાનું વેચાણ નહોતું થયું. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન બટાટામાં તેજી જળવાઈ હોય તેવું પણ ક્યારેય જોવા નહોતું મળ્યું. બટાટામાં મજબૂતીનું મુખ્ય કારણ યુપી જેવા મહત્ત્વના રાજ્યમાં નીચું ઉત્પાદન હતું. જોકે સિઝનની શરૂઆતમાં કોઈને એવો ખ્યાલ નહોતો કે વર્ષ આટલું સારું રહેશે અને તેથી મોટાભાગના ખેડૂતોએ સિઝનની શરૂમાં રૂ. ૨૦૦-૨૨૫ના સારા ભાવ જોઈને તેમનો માલ વેચી દીધો. જ્યારે ૨૦-૨૫ ટકા જેટલા ખમતીધર ખેડૂતોએ પોતાના ખર્ચે માલ કોલ્ડમાં મૂકવાનું પસંદ કર્યું હતું. જેમણે એક સિઝનમાં ત્રણ સિઝનની કમાણી કરી હતી એમ ૩૦૦ વીઘામાં બટાટાની ખેતી કરતા ખેડૂત જણાવે છે. જોકે અગાઉના વર્ષોમાં કોલ્ડમાં સ્વખર્ચે બટાટા મૂક્યાં બાદ ભાવ પાણી-પાણી થતાં એવું પણ બન્યું છે કે ખેડૂતો બટાટા કાઢવા માટે કોલ્ડની વિઝિટ લેવાનું જ માંડી વાળે છે. કેમકે તેમ કરવામાં કોલ્ડનું ભાડું ચૂકવવું માથે પડતું હોય છે. આમ સિઝનમાં સારા ભાવ મળે તો તેઓ સ્ટોરનું જોખમ નથી લેવાનું ટાળે છે.

નવી સિઝનનું બટાટુ શરૂ થતાં ભાવ તેની ટોચથી ઘટીને હાલમાં રૂ. ૪૦૦-૫૦૦ પર ચાલી રહ્યા છે. સામાન્યરીતે ડિસેમ્બરમાં મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ ખાલી થતાં હોય છે અને મેઈન્ટેનન્સ માટે જતાં હોય છે. જોકે હજુ પણ માલ પડયો છે અને તેથી ૧૫ દિવસ બાદ તે સાફ-સફઈ માટે જશે એમ વર્તુળો જણાવે છે. વેપારીઓને ભાવ મળી રહ્યા હોવાથી તેમને માલ ઉપાડવાની ઉતાવળ નથી. સામાન્યરીતે સ્ટોરેજમાં માલ રાખવાની બે પ્રકારની ડીલ હોય છે. એકમાં સપ્ટેમ્બર સુધી ઉપાડની શરતે ભાડું ચૂકવવાનું રહે છે.

જ્યારે બીજામાં ડિસેમ્બર સુધીનું ભાડું લાગે છે. પંજાબના બટાટાની આવક પાછળ ડિસેમ્બરમાં ભાવ તૂટી જતાં હોય છે. ઉપરાંત શિયાળુ શાકભાજી પાછળ પણ બટાટાનો વપરાશ ઘટી જાય છે ને ભાવ તૂટે છે. જોકે ચાલુ વર્ષ પરંપરાગત નથી અને તે આગવું વર્ષ બની રહ્યું છે. વેપારીઓ પણ માને છે કે કોવિડને કારણે શરૂમાં નુકસાન જશે એવી ચિંતા હતી પરંતુ પાછળથી ટ્રેન્ડ બદલાઈ ગયો. જેઓએ નિકાસ માટે સારી પ્રોસેસિંગ વેરાઇટી ભરી હતી તેઓએ તેમનો માલ બિહાર-યુપીમાં તેમનો માલ ભાવોભાવ વેચવો પડયો હતો. કેમકે નિકાસ સંભવ નહોતી. ગુજરાતમાં તેમનાં બટાટા કોઈ ખાય નહીં પરંતુ બિહારમાં ભાવોભાવ તેમનો માલ ખાવામાં ખપી ગયો હતો અને તેઓ નુકસાનમાંથી બચ્યાં હતાં એમ નિકાસકાર જણાવે છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં બિયારણના બટાટાના ઊંચા ભાવોને કારણે નાનો ખેડૂત વાવેતરથી દૂર રહેતાં બટાટાનું વાવેતર સારા વર્ષ છતાં ઊંચી વૃદ્ધિ નથી દર્શાવી રહ્યું. બટાટાનું બિયારણ સામાન્ય કરતાં બેથી ત્રણ ગણા ભાવે વેચાયું હતું. ઊંચા ભાવે બિયારણ ખરીદી વાવેતર કર્યાં બાદ જો ઊપજના ભાવ ના આવે તો એવી શંકાને કારણે જ નાના ખેડૂતો બટાટાથી દૂર રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here