ફેસબૂકનું વિભાજન કરવાની અમેરિકી સરકારની તૈયારી, 48 રાજ્યોએ કેસ કર્યા

0
82

ગેરકાયદે મોનોપોલી સ્થાપવા બદલ એન્ટીટ્રસ્ટ કેસ

– ‘વેચાઈ જાવ અથવા ભુંસાઈ જાવ’ની ફેસબૂકની (અ)નીતિ

ભારતમાં સરકાર અમુક કંપનીઓને જ પ્રાધાન્ય આપી રહી છે, અમેરિકામાં ઉલટો કિસ્સો

ગેરકાયદેસર રીતે મોનોપોલી સ્થાપી માર્કેટ લિડર બનવા બદલ ફેસબૂક સામે અમેરિકામાં કેટલાક સમયથી તપાસ ચાલે છે. હવે અમેરિકી સરકાર ફેસબૂકનું વિભાજન કરી નાંખવા માંગે છે.

કેમ કે કંપની સતત મોટી થતી જાય એમ માર્કેટ માટે, લોકશાહી માટે, સરકાર માટે ખતરરારૂપ બની રહી છે. એટલે સરકારે વિભાજન કરવાની તૈયારી આદરી છે. બીજી તરફ અમેરિકાના 50 પૈકી 48 રાજ્યોએ ફેસબૂક વિરૂદ્ધ અમેરિકાના એન્ટીટ્રસ્ટ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ફેસબૂક, ગૂગલ, એપલ વગેરે કંપનીઓની નીતિ રહી છે કે હરિફો ભુંસાઈ જાય અથવા પોતાને ત્યાં વેચાઈ જાય. જે એવુ નથી કરતા એ હરિફોને પછાડવા ફેસબૂક-ગૂગલ વગેરે પોતાના વ્યાપક નેટવર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. પરિણામે ફેસબૂક સામે અમેરિકી સરકારના ફેડરલ ટ્રેડ વિભાગ અને રાજ્યોએ કેસ માંડયા છે.

ભારતમાં સરકાર અમુક જ માનીતી કંપનીઓને એરપોર્ટથી માંડીને તમામ બિઝનેસ પધરાવી રહી છે અને મોનોપોલી સ્થાપવા મોકળું મેદાન આપી રહી છે. અમેરિકામાં ટ્રમ્પની ગમે તેટલી ટીકા છતાં ટ્રમ્પ સરકાર ફેસબૂક અને તેના જેવી ટેકનોલોજી જાયન્ટ કંપનીઓ મોનોપોલી ન સ્થાપે એ માટે સક્રિય છે.

ફેસબૂકે એવી નીતિ અપનાવી છે કે જે તેની સામે હરિફાઈ પુરી પાડી શકે એમ હોય તેને ખરીદી લેવા. જેમ કે વોટ્સઅપ અને ઈન્સ્ટાગ્રામ. આ બન્ને એપ લોકપ્રિય થઈ એટલે ફેસબૂકે તે ખરીદી લીધી હતી. પરિણામે ટ્વિટર સિવાયના લોકપ્રિય સોશિયલ મીડિયા પર ફેસબૂકનો જ દબદબો છે. લોકોને શું વિચારવું, શું જોવું, ઓનલાઈન કેટલો સમય વ્યસ્ત રાખવા વગેરે ફેસબૂકના હાથમાં આવતું જાય છે.

ફેસબૂકે લોકપ્રિયતાનો દુરૂપયોગ કર્યો, વપરાશકર્તાઓનો ડેટા લીક થવા દીધો, લોકો પર રાજકિય વિચારધારા ઠોકી બેસાડવા પ્રયાસ કર્યો.. વગેરે અનેક આક્ષેપો છે અને ઘણા અંગે પુરાવા મળ્યા છે. એટલે 14 મહિનાની તપાસ પછી હવે વિધિવત રીતે ફેસબૂક વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. સરકારે આ બધા આક્ષેપો કોર્ટમાં પુરવાર કરવા પડશે.

ભવિષ્યમાં ફેસબૂક કોઈ મોટી કંપનીની ખરીદી કરે તો એ પહેલા પણ સરકારને જાણ કરે એવી શરત પણ સરકાર મુકવા જઈ રહી છે. આ પહેલા ગૂગલ સામે કેસ થઈ ચૂક્યો છે અને એ અત્યારે ચાલી રહ્યો છે. 1990ના દાયકામાં જ્યારે માઈક્રોસોફ્ટે પણ માર્કેટ પર આધિપત્યનો પ્રયાસ કર્યો હતો ત્યારે અમેરિકી સરકારે એન્ટીટ્રસ્ટ કાયદા દ્વારા તેના પર બ્રેક મારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here