ફર્ટિલાઇઝર્સ શેર્સમાં રોકાણકારોની ભારે લેવાલીનો દોર ચાલુ રહ્યો

0
71

માર્કેટે જ્યારે વિરામ પસંદ કર્યો હતો ત્યારે ફર્ટિલાઈઝર્સ કંપનીઓના શેર્સમાં ખરીદી જળવાઈ  હતી. ખાતર ક્ષેત્રે જાહેર સાહસો સહિત ખાનગી પ્લેયર્સના શેરમાં ૫ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો અને તેઓ વાર્ષિક ટોચ પર અથવા તો સર્વોચ્ચ સપાટી પર બંધ રહેવામાં સફ્ળ રહ્યાં હતાં. એનાલિસ્ટ્સના મતે મહામારી વચ્ચે કૃષિ ક્ષેત્રે સારા વૃદ્ધિ દર પાછળ ખાતર કંપનીઓ વિક્રમી વેચાણ વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાક પ્રમોટર્સ જ ઓપન માર્કેટમાંથી ખરીદી કરીને કંપનીમાં તેમનો હિસ્સો વધારી રહ્યાં છે. જેને કારણે ભાવને સપોર્ટ મળી રહ્યો છે.

ગુરુવારે ગુજરાત સરકારના સાહસ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સનો શેર ૪ ટકાથી વધુ સુધરી રૂ. ૨૫૪ની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજના અંતે તે રૂ. ૭થી વધુના સુધારે રૂ. ૨૫૦ પર બંધ રહ્યો હતો. કંપનીની મહત્ત્વની પ્રોડક્ટ ટોલ્યુઈન ડાયઆઈસોસાઈનાઈટ (ટીડીઆઈ) વૈશ્વિક ભાવમાં મજબૂતીને કારણે કંપનીને નોંધપાત્ર લાભ થવાનો છે. સરકારે ટીડીઆઈ પર એન્ટિડ-ડમ્પીંગ લાગુ પાડેલી છે અને તેનો સૌથી મોટો લાભ જીએનએફ્સીને થાય છે. કેમકે કંપની દેશમાં ટીડીઆઈની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. ખાનગી ફર્ટિલાઈઝર સાહસ ચંબલ ફર્ટિલાઈઝર્સનો શેર છેલ્લા કેટલાક સત્રોથી નવી ટોચ દર્શાવી રહ્યો છે. ગુરવારે પણ તે એક તબક્કે ૭ ટકા ઉછળી રૂ. ૨૩૪.૨૦ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે બજાર નરમ બનતાં તે ૨.૬ ટકાના સુધારે રૂ. ૨૧૭.૨૫ના ભાવે બંધ આવ્યો હતો. કંપનીના પ્રમોટર ઘણા સમયથી ઓપન માર્કેટમાંથી કંપનીના શેર્સની ખરીદી કરી રહ્યાં છે. જે કંપનીના ભવિષ્યમાં તેમનો મજબૂત વિશ્વાસ સૂચવે છે. એક અન્ય ખાનગી સાહસ દિપક ફર્ટિલાઈઝરનો શેર બે ટકાના સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારના જાહેર સાહસ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સનો શેર ૨.૩૨ ટકા સુધરી રૂ. ૫૨.૯૦ની ટોચ પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here