પોલીસની ઓળખ આપી એક જ દિવસમાં 8 લોકોને ખંખેરી લીધા

0
67

જેતપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં રાહદારીઓ લૂંટાયા

– સફાળી જાગેલી પોલીસે વડિયા પાસેથી બેલડીને ઝડપીને 14 મોબાઈલ સહિત રૂ. 65700 નો મુદ્દામાલ કબજે કર્યો

જેતપુર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ચાલીને જતા પરપ્રાંતીય મજૂરો કે સીનીયર સીટીઝનને બે શખ્સો રસ્તા પર કોઈ ન હોય ત્યારે મોકો જોઈ રોકી પોલીસ તરીકેની પોતાની ઓળખ આપી મારકૂટ કરી મોબાઈલ અને રોકડની લૂંટના આઠેક જેટલા બનાવો એક જ દિવસમાં બનતા પોલીસ સફાળી જાગી હતી અને ખાનગી બાતમીને આધારે લૂંટારું બેલડીને વડીયાથી ઝડપી તેની પાસેથી ૧૪ મોબાઈલ સહિત ૬૫,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે વડીયા જઈ બંનેને ઉઠાવી લાવી તેઓના નામ સરનામાં પુછતાં બંને વડીયામાં જ રહેતા વિજય ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંભણીયા અને  અજય ઉર્ફે કાનો ચિનુભાઈ લાલકીયા હોવાનું જણાવ્યું હતું.  બંનેએ ગુનો સ્વીકારી લીધો હતો.  

શહેરની ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા દિપકભાઈ રસીકભાઈ ત્રિવેદીએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઈ કાલે શનિવારે રાત્રે ૮ વાગ્યાના અરસામાં ચાલીને જતા હતા ત્યારે દાતાર તકીયા નજીક પહોંચતા એક એકટીવા પર આવેલા બે શખસોએ તેને અટકાવી અહી દારૂ કયા મળે છે. તેવી ૫ૂછપરછ કરી. મને ખબર નથી એવું કહેતા બંને શખ્સોએ, કેમ ખોટુ બોલે છે. તેમ કહી એમને લાફા મારી મોબાઈલ અને ૩૨૦૦ રૂપિયા પડાવ્યા હતા. 

આ બેલડીએ ભાદર સામા કાંઠે વિસ્તારમાં બે લોકો પાસેથી પણ મોબાઈલ અને પેઢલા વાળા દિનેશભાઇ અમરાભાઇ ભડલીયા પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂા.૮૦૦ની તેમજ ભેસાણના બામણગઢ ગામે રહેતા પ્રદિપભાઈ ડાભી  જૂનાગઢ રોડ પર ચાલીને જતો હતો ત્યારે આ બે શખ્સોએ ‘તું ફોન કરતો હતો’ તેમ કહી તેના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લઈ ‘પાસવર્ડ આપ અમે પોલીસ છીએ’ તેમ કહી લાફા મારી મોબાઈલ અને ૩૨૦ રૂપિયા પડાવ્યા હતા.  ઉપરાંત બે વ્યક્તિના મોબાઈલની પણ લુંટ કરી છે.

શનિવાર સાંજના એક જ દિવસમાં સાંજના સમયે શહેરના જુદાજુદા વિસ્તારો કે જ્યાં રસ્તા પર કોઈ ન હોય ત્યારે ચાલીને જતા પરપ્રાંતીય કે સીનીયર સીટીઝનને પોલીસ હોવાનું જણાવી લૂંટ કર્યાના આઠેક જેટલા બનાવો એક સાથે બનતા સીટી પોલીસ સફાળી જાગી હતી. શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા તપાસતા ફરીયાદીએ વર્ણન કરેલું  તેવા બે શખ્સો કાળા કલરના એક્ટિવા મોટર સાયકલ પર વડીયા બાજુ જતા નજરે પડયા હતા. 

આરોપીઓ પર ભૂતકાળમાં પણ અન્ય શહેરોમાં ગુન્હાઓ નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેમાં વિજય પર રાજકોટમાં લૂંટ અને જાહેરનામા ભંગનો ગુન્હો અને અજય પર અમરેલીમાં એક લૂંટનો તેમજ જેતપુરમાં ત્રણ પ્રોહીબિશનના ગુના નોંધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here