પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈના મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ, SP-સ્થાનિક પોલીસ પાસે જવાબ માગ્યો

0
53
  • પૌત્રીની સગાઈમાં 2000 લોકોનું ટોળું ભેગું થતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો
  • મંત્રીએ ગાઇડલાઇન્સ ભંગ બદલ માફી માગી, પુત્ર વિરુદ્ધ ફરિયાદ

રાજ્યના પૂર્વ માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈમાં કોરોના ગાઇડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન કરી 2000 લોકોનું ટોળું ભેગું કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી આ મામલે જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં એ અંગેની માહિતી માગી હતી.

ગઈકાલે ડોસવાડા ગામે રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી અને સુમૂલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ 30મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાઈડલાઈન્સનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. આ સગાઈ પ્રસંગનો મોટી મેદની સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાલમાં વિશ્વવ્યાપી કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડલાઇન્સ બહાર પાડે છે. સામાજિક પ્રસંગોએ 100થી વધુ લોકો ભેગા ન થાય એ માટે સૂચના આપી છે. જોકે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષના નેતાઓ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે આવાં જ કારણોસર દંડ વસૂલ કરે છે.

સોશિયલ ડિસ્ટન્સનો અભાવ એ મારી ભૂલ થઈ ગઈ છે અને એની હું માફી પણ માગું છું: કાંતિ ગામીત
આ મુદ્દે કાંતિ ગામીતે જણાવ્યું હતું કે અમારે ત્યાં મારા પિતાના વખતથી તુલસીવિવાહનો કાર્યક્રમ વર્ષોથી ચાલતો આવ્યો છે. એ પ્રમાણે સોમવારે તુલસીવિવાહ આયોજિત થયો હતો, સાથોસાથ આ શુભ પ્રસંગે મારી પૌત્રીની સગાઈવિધિ પણ થઈ હતી. આ સંદર્ભે હું કે મારા પરિવાર દ્વારા કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ મારા સંબંધોને કારણે લોકો સ્વયંભૂ આવી ગયા હતા. દર વર્ષની માફક અંદાજિત 1500થી 2000 માણસોનું જમવાનું પણ બનાવવામાં આવ્યું હતું. કોરોના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ અંગે તકેદારી ન રાખવાની મારી ભૂલ થઈ ગઈ છે અને એની હું માફી પણ માગું છું. આ પ્રસંગ અંગે પોલીસ પાસે કોઈ પરમિશન લીધી ન હતી અને આ અંગે પોલીસે હાલ મને જવાબ માટે બોલાવ્યો છે.

તંત્રની પણ લાપરવાહી ખૂલીને સામે આવી
માજી મંત્રીના ઘરે પૌત્રીની સગાઈ પ્રસંગે ભીડ ભેગી થઈ એમાં સરકારી અને પોલીસની લાપરવાહી ખૂલીને સામે આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફ નગરમાં દુકાનમાં માસ્ક વિના એકલા બેસેલા દુકાનદારો પાસે અને રસ્તા પરથી પસાર થતા સામાન્ય લોકો પાસે માસ્ક ન પહેરવા બદલ તોતિંગ દંડ વસૂલ કરે છે, પરંતુ રાજકીય નેતાઓ અને આયોજનો સામે આ જ પોલીસ વામણી બની જાય છે. કાયદા અને નિયમોની અમલવારીમાં થતા આ ભેદભાવ સામે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ
આર. એલ. માવાણી, નાયબ પોલીસ વડા, તાપી- ડોસવાડામાં તુલસીવિવાહ અને સગાઈના પ્રસંગ આયોજિત થયો હતો, એમાં કોવિડ-19ની ગાઈડલાઇન્સ​​​નો ભંગ થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સંદર્ભે જેમની પુત્રીની સગાઈ હતી એવા કાંતિભાઈ ગામીતના પુત્ર જિતુભાઇ ગામીત સામે આઈપીસી કલમ 279,270 અને એપિડેમિક ડિઝીઝ એક્ટ અને જાહેરનામાં ભંગ બાબતે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આ સંદર્ભે તપાસ શરૂ કરાઈ છે અને હજી સુધી કોઈની અટક થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here