પાપડ-મઠિયાંથી કરોડોની કમાણી કરતા ઉત્તરસંડા ગામ પર કોરોનાનો માર, દિવાળીમાં થતો 90 ટનનો વેપાર આ વર્ષે 30 ટકા પર પણ પહોંચ્યો નથી

0
132
  • ઉત્તરસંડાનાં પાપડ-મઠિયાં-ચોળાફળીની અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારે ડિમાંડ
  • વેપાર ઠપ થતાં હાલમાં અમારે 5થી 10 રૂપિયાના નફે સામાન વેચવો પડી રહ્યો છે: વેપારી

આ વર્ષે કોરોના મહામારીને પગલે મોટા ભાગના વેપાર-ધંધા ઠપ પડ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં મંદીનો માહોલ સર્જાતાં વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવાળીના સમયમાં ગુજરાતના ચેરોતરમાં આવેલું ઉત્તરસંડા ગામ ગૃહ ઉદ્યોગના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીના 15થી વધુ એકમો આવેલા છે જેમાં 2000થી વધારે લોકોને રોજગારી મળે છે. દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલરમાં થાય છે, કારણ કે દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળી છે. વેપારીઓ મોટા પ્રમાણમાં પાપડ-મઠિયાં સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ જોકે આ વર્ષે કોરોના મહામારીને પગલે તેમના ધંધા પર મોટી અસર પડી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, કોરોનાને પગલે માગ ઓછી થવાના પગલે આ વર્ષે લોકોની આવક લગભગ અડધી થઇ છે.

દિવાળીના તહેવારોમાં વેપાર 70થી 90 ટન જેટલો થતો હતો, આ વર્ષે 30 ટન પણ નથી
આ વિષય પર ઉત્તરસંડાના પાપડ-મઠિયાંના વેપારી કેતન પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે અમારા વેપારને ખૂબ જ મોટી અસર પડી છે, સૌથી પહેલા તો ટ્રાન્સપોર્ટ બંધ થવાથી નિકાસ બંધ થઈ ગઈ છે. એને કારણે અમારે કુરિયરનો સહારો લેવો પડે છે, જેનાં ભાડાં પણ વધી ગયાં છે. આ વર્ષે અમારી 90 ટકા નિકાસ ઓછી થઈ છે, સાથે જ લોકલ માર્કેટમાં પણ ધંધો ઠપ છે. અડદદાળ, મગદાળ તેમજ તેવળદાળના ભાવમાં સતત વધારો થયો છે. દિવાળીના 15 દિવસ અમારો વેપાર 70થી 90 ટન જેટલો થતો હતો, જે આ વર્ષે 30 ટન પણ ક્રોસ નથી થયો. અમારો વિદેશમાં સૌથી વધુ બિઝનેસ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાંથી આવે છે. ત્યાં વસતા ગુજરાતીઓ તહેવારોના સમયે મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે, પરંતુ આ વર્ષે એમાં પણ ઘણું મોટું નુકસાન થયું છે. વેપાર ઠપ પડતાં હાલમાં અમારે 5થી 10 રૂપિયાના નફે સામાન વેચવો પડી રહ્યો છે.

ગામનો મોટા ભાગનો પરિવાર પાપડ-મઠિયાંના વેપાર પર નિર્ભર છે: વેપારી
અમારા ગામમાં મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં આવેલાં છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90થી 100 લોકો કામ કરે છે. ગામના મોટા ભાગના લોકોની રોજગારી આ ધંધા સાથે જોડાયેલી છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયાં-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ માર્ચ મહિનાની કોરોના મહામારીને પગલે અમારે પણ અમારો સ્ટાફ અડધો કરવો પડ્યો હતો, સાથે જ અન્ય કર્મચારીઓને ત્રણ મહિના સુધી પગાર ચૂકવ્યો હતો. નવરાત્રિમાં વેપાર થોડો સારો થયો હતો, ત્યારે આશા હતી કે દિવાળીના તહેવારોમાં પાછલા 6 મહિનાનું નુકસાન સરભર થઈ જશે, પરંતુ હાલની સ્થિતિને જોતાં એ શક્ય લાગતું નથી.

શું છે ગામનો ઈતિહાસ?
ગુજરાત આણંદ-નડિયાદ પાસે ઉત્તરસંડા ગામ આવેલું છે. આ ગામમાં આશરે 20થી 25 હજારની વસતિ રહે છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહીં બનતાં પાપડ, મઠિયાં અને ચોળાફેળી છે. અહીં એન્ટર થતાં જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળશે. એ સિવાય અહીં પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ પણ છે. કહેવાય છે કે ઉત્તરસંડાના પાપડનો શ્વાદ દેશ-વિદેશમાં વખણાય છે. ઈ.સ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. જોકે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી, પરંતુ એ ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય એ માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી, જે માટે ફેક્ટરીને ઘણો ખર્ચો થઈ જતો હતો, જેથી કંપનીએ વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી, જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here