કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં એક મહિનાથી ધરણા
– પંજાબમાં 2225 માલગાડીઓ, 1350 પેસેંજર ટ્રેનોને રદ કરવી પડી, આંદોલન શરૂ રાખવા ખેડૂતોની ચીમકી
ગુર્જરોએ પણ રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર બેસી અનામત આંદોલન કર્યું, સરકાર સાથે વાતચીત માટે નેતાઓ તૈયાર
અમૃતસર, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
પંજાબમાં ખેડૂતોએ કૃષી કાયદાના વિરોધ માટે રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું અને ઘણા દિવસો સુધી ખેડૂતો રેલવેના પાટા પર બેસી રહ્યા હતા. જેને પગલે પેસેંજર ટ્રોને ચાલી નહોતી શકી. જારી આંકડા અનુસાર આ દરમિયાન રેલવેને આશરે 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પ્રદર્શનને કારણે આશરે 2225 માલગાડીઓને રદ કરવી પડી છે.
પંજાબમાં આશરે 32 સૃથળોએ રેલ પાટા પર બેસીને ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને કેન્દ્રને કાયદો પરત લેવા માટે વિનંતી કરી રહ્યા છે. રેલવે દ્વારા જારી નિવેદન અનુસાર ખેડૂતોના રેલ રોકો આંદોલનને પગલે આશરે 1350 જેટલી ટ્રેનોને રદ કરવી પડી છે તો કેટલીક મોડી ચાલી હતી.
ખેડૂતો સાથે કોઇ અકસ્માત ન થાય તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ સામે ચાલીને ધરણા પ્રદર્શન સૃથળોએથી પસાર થતી ટ્રેનોને રદ કરી દીધી છે. જોકે આ દરમિયાન મોટા પ્રમાણમાં જે માલગાડીઓ છે તેને પણ રદ કરી દેવી પડી છે જેને પગલે મોટા પ્રમાણમાં ખાધ્ય પદાર્થો અને કોલસા જેવી વસ્તુઓને પહોંચતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ રેલવેએ જણાવ્યું હતું,
બીજી તરફ ખેડૂતોએ હવે ધરણા પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે અને કેન્દ્રના કાયદાથી ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું હોવાનું કહી રહ્યા છે. હાલ દેશમાં કેટલાક રાજ્યોમાં કૃષી કાયદાને લઇને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુર્જર અનામત આંદોલન પણ વેગ પકડી રહ્યું છે. રાજસૃથાનમાં ગુર્જર સમાજ દ્વારા મોટા પ્રમાણમાં રેલવે પાટા પર બેસી આંદોલન કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ રાજસૃથાન સરકાર હાલ રેલવેને બદલે અન્ય કોઇ સૃથળે ગુર્જરો આંદોલન લઇ જાય તેવી અપીલ કરી રહી છે, આંદોલનની આગેવાની લઇ રહેલા કર્નલ કિરોડી બૈંસલા વાતચીત માટે તૈયાર છે. જોકે બીજી તરફ ગુર્જર સમાજના પંચ પટેલોએ આ આંદોલનના વિરૂદ્ધમાં પંચાયત કરી છે. પંચ પટેલોનું કહેવું છે કે જ્યાં સુધી અનામત સંબંધી બધી માગો સ્વીકારી ન લેવાય ત્યાં સુધી આંદોલનને અટકાવવા નહીં દઇએ.