ધો.10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ગુજરાત બહારથી પાસ કરનાર તમામ મેડિકલમાં પ્રવેશ માટે લાયક

0
84

ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કરનારી વિદ્યાર્થિનીને એમબીબીએસ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યોગ્ય કરવા હાઈકોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટે ચુકાદો આપ્યા બાદ ગુજરાત સરકારે માત્ર આ એક વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ના વર્ષ પૂરતું જ ધો.૧૦ ગુજરાત બહારથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલના નીટ આધારિત ચારેય કોર્સ માટે લાયક ગણવા મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આવા વિદ્યાર્થીઓ તા.૧૦-૧૧માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

રાજ્યની મેડિકલ કોલેજોમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવવા અને મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળે તે હેતુથી ૨૩, જૂન, ૨૦૧૭ના રોજ સરકારે ધો.૧૦ અને ૧૨ ગુજરાતમાંથી જ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લાયક ગણવા ડોમિસાઈલ નિયમો બનાવીને જાહેરનામું બહાર પાડયું હતું. જેને એક વિદ્યાર્થિનીએ પડકાર્યું હતું. આ વિદ્યાર્થિનીએ કોટામાંથી ધો.૧૦ પાસ કર્યું અને ધો.૧૨ ગુજરાતમાંથી પાસ કર્યું હતું. જેથી હાઈકોર્ટે સરકારને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા સૂચન કર્યું હતું.

હજુ પણ ગુજરાત બહારથી જેણે ધો.૧૦ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થી પાછળથી કોર્ટનો આશરો લે તો સમગ્ર એડમિશન પ્રક્રિયા ખોરવાઈ જવાનો ભય રહે. તેના બદલે સરકારે ૨૩, જૂન, ૨૦૧૭ પહેલાં રાજ્યની બહાર ધો.૧૦માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ રાજ્યની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપથીના સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે અન્ય નિયમોની પૂર્તતા સાથે લાયક ગણવામાં આવશે તેવો આજે નિર્ણય કર્યો છે.આ વિદ્યાર્થીઓ આવતીકાલ તા.૧૦ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી પીન ખરીદી શકશે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૧૦ના રોજ રાત્રે ૮ વાગ્યા સુધી થઈ શકશે. હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તા.૧૦ના રોજ બપોરે ૪-૩૦ વાગ્યા સુધી થઈ શકશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તા.૧૧ના રોજ બપોરે ૪-૩૦ વાગ્યા સુધી માત્ર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગરના હેલ્પ સેન્ટર ખાતે થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here