દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધતા નોઈડા માટે એક્શન પ્લાન તૈયાર, બોર્ડર પર થશે રેન્ડમ ટેસ્ટિંગ

0
64

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કાળો કહેર વરસતા હવે નોઈડામાં પણ પ્રશાસને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, દિલ્હી અને નોઈડાની વચ્ચે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય છે, જેના કારણે નોઈડા પ્રશાસને પણ આગમચેતી પગલા ભરવાનો નિર્ણય લીધો છે. ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારીએ તે વાતનો સ્વીકાર કર્યો છે કે ક્રોસ બોર્ડર પર અવરજવરના કારણે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે, જેના કારણે તેમણે કોરોના સંક્રમણ રોકવા માટે એક પ્લાન બનાવ્યો છે.

ગૌતમબુધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ એલ.વાય.એ આ માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મળતી માહિતી મુજબ, જિલ્લામાં કોરોના ચેપને રોકવા માટે હવે ક્રોસ બોર્ડર ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખીને નોઈડાને અડીને આવેલી તમામ સરહદો પર રેન્ડમ પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે ગૌતમબુધ નગરની તમામ સંસ્થાઓને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ક્રોસ બોર્ડર મુલાકાતીઓ પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ સિવાય જે વિસ્તારોમાં એકથી વધુ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિઓનું સંક્રમણ જોવા મળશે તે વિસ્તારોને માઇક્રો કન્ટેન્ટઝોનમાં રૂપાંતરિત કરવામાં આવશે. ત્યારબાદ તેમના ટાર્ગેટ સેમ્પલિંગ કરવામાં આવશે, જેમાં ડિલીવરી બોય, દુકાનદાર, રીક્ષા ચાલક અને અન્ય લોકો પણ સામેલ થશે.

દિલ્હીમાં ફરીથી લોકડાઉનની તૈયારીઓ!

દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી સરકારે લગ્નોમાં આપવામાં આવતી છૂટ પાછી ખેંચી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે અમે લગ્ન સમારોહમાં 200 જેટલા લોકોની હાજરીની પરવાનગી પાછી ખેંચી લીધી છે. હવે ફક્ત 50 લોકો જ લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે. તેના સિવાય દિલ્હીના નાના નાના ભાગોમાં પણ લોકડાઉન થઈ શકે છે. આ સંદર્ભમાં દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 48 રાજ્યમાં રિકવરી રેટ 95 ટકાથી વધુ છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 88 લાખ 74 હજાર 172 થયો છે. એમાંથી 82 લાખ 88 હજાર 169 સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 28 હજાર 377 નવા દર્દી મળ્યા છે. છેલ્લા 4 મહિનામાં આ આંકડો સૌથી ઓછો છે. આ પહેલાં 14 જુલાઈએ સૌથી ઓછા 29 હજાર 917 દર્દી મળ્યા હતા. એક્ટિવ કેસમાં પણ ફરીથી ઝડપથી ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 25 હજાર 944 ઘટી છે. હવે દેશમાં 4 લાખ 53 હજાર 449 એક્ટિવ કેસ રહ્યા છે. આ મામલમાં ભારત એક ક્રમાંક ઘટીને 5મા નંબરે પહોંચી ગયું છે. હવે સૌથી વધુ એક્ટિવ કેસના મામલામાં બેલ્જિયમ ચોથા નંબરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here