વિદેશોમાં આજકાલ ગુજરાતીઓના દિવસો સારા ચાલી રહ્યા નથી, તેમ એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા પણ ગુજરાતીઓના વેપાર ધંધા અને નોકરીનું હબ ગણવામાં આવે છે, ત્યાં ગુજરાતના અનેક લોકો વસેલા છે. ત્યારે અવાર નવાર ગુજરાતીઓ સાથે નાના મોટા બનાવો બનતા રહે છે.
આજે પણ દક્ષિણ આફ્રિકામાં ભરૂચના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે, જેમાં પતિ-પત્નીનું મોત થયું છે, પરંતુ એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં એક રોડ પર મૂળ ભરૂચના પરિવારની કારનો અકસ્માત સર્જાયો હતો.
Photo Gallery

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ આફ્રિકાના ગ્રે ટાઉનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના દંપતીનું મોત નીપજ્યું છે. મૂળ અમોદના સાકીર પટેલ અને તેમની પત્નીનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, પરંતુ આ ઘટનામાં પુત્રીનો આબાદ બચાવ થયો છે. ગ્રે ટાઉન રોડ ઉપર કાર પલ્ટી જવાથી આ અકસ્માત સર્જાયો છે. ભરૂચના વાગરા તાલુકાના કોલવણાનો એક પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો.
કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યારે સાકીર પટેલ, તેની પત્ની રોજમીના પટેલ અને તેમની નાની દીકરી કારમાં સવાર થઈને બહાર જઈ રહ્યા હતા. તે દરમિયાન સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉન માર્ગ ખાતે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સુરત જિલ્લાના બે યુવાનોનું દક્ષિણ આફ્રિકાના ડરબન ખાતે કાર અકત્માતમાં મોત નિપજ્યું હતું. સુરત જિલ્લાના પાંચ યુવાનો કાર લઇને રોટ્સની બીચ ગયા હતા. જ્યાંથી પરત ડરબન જતા હતા તે દરમિયાન તેમની કારનો અકસ્માત નડ્યો હતો.
આ કાર અકસ્માતમાં બે યુવાનો ના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં મૃતક બંને યુવાનો સુરતના તડકેશ્વર ગામના હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનો માંગરોળના નાની નારોલી ગામના હોવાનું સામે આવ્યું હતું.