– બેંગકોકથી 50 કિમી દૂર ચાચોંગસાવોમાં બનેલી ઘટના
– બસમાં સવાર 60 કામદારો નજીકના સામુત પાકેન પ્રોવિન્સમાં બૌદ્ધ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા
થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી 50 કિલોમીટર પૂર્વમાં આવેલા ચાચોન્ગસાઓમાં વહેલી સવારે રેલવે ટ્રેક ઓળંગી રહેલી યાત્રાળુઓથી ભરેલી એક બસની સાથે કાર્ગો ટ્રેન ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 20 લોકોના મોત નીપજ્યા હતા અને 40થી વધુ ઘાયલ થયા હતા.
પ્રચંડ વિસ્ફોટ સાથે થયેલી ટક્કરમાં બસના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. કાટમાળમા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. ઘાયલ થયેલા 30થી વધુ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ચારની હાલત અતિ ગંભીર હોવાનું હોસ્પિટલનના ડાયરેક્ટર સોમબત ચુટિમાનુકુલે જણાવ્યું હતુ. કુલ 23 વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બસમાં સ્થાનિક ફેક્ટરીના 60 જેટલા કામદારો હતા, જેઓ સામુત પ્રાકાન પ્રોવિન્સમાં આવેલા બૌદ્ધ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. બસ ડ્રાઈવરે ગાર્ડ રહિત રેલવે ક્રોસિંગને ઓળંગવાના પ્રયાસમાં બેદરકારી દાખવી હતી અને આ અકસ્માત સર્જાયો હતો. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી અને ટ્રેનનો હોર્ન પણ બસ ડ્રાઈવરને સંભળાયો ન હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
તત્કાળ ઘટનાસ્થળે ઘસી ગયેલી રાહત અને બચાવ ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોને ભારે જહેમતપૂર્વક બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં 17 વ્યક્તિઓના તો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 40 વ્યક્તિઓને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાટમાળને દૂર કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
થાઈલેન્ડમાં માર્ગ અકસ્માતો અને રેલ અકસ્માતો સામાન્ય છે કારણ કે સલામતીના ધોરણોને જાળવવામાં આવતા નથી. વર્ષ 2018ની વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટના જણાવવામાં આવ્યું છે કે, માર્ગ અકસ્માતમાં થતાં મત્યુના મામલે થાઈલેન્ડ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે.