તેલંગાણાની સ્થાપનામાં માતબર પ્રદાન કર્યું છે એવો દાવો
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અલગ તેલંગાણા રાજ્યની સ્થાપનામાં માતબર ફાળો આપ્યો છે માટે તેલંગાણાની સ્કૂલોમાં તેમની જીવનકથા અભ્યાસક્રમમાં ભણાવવી જોઇએ એવી માગણી તેલંગાણાના એક કોંગ્રેસી નેતાએ કરી હતી.
બુધવારે સોનિયા ગાંધીના 74મા જન્મદિને ઓલ ઇન્ડિયા તેલંગાણા કોંગ્રેસના નેતા શ્રવણ દાસોજુએ તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવને એેવી અપીલ કરી હતી કે અલગ તેલંગાણા રાજ્યની સ્થાપનામાં સોનિયા ગાંધીએ ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે એટલે તેલંગાણાની સ્કૂલોના અભ્યાસક્રમમાં સોનિયા ગાંધીની જીવનકથા ઉમેરીને બાળકોને ભણાવવી જોઇએ.
દાસોજુએ કહ્યું હતું કે 2014માં તમેજ એટલે કે રાજ્યના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે જાહેરમાં કહ્યું હતું કે અલગ તેલંગાણા રાજ્યની સ્થાપનાનો યશ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ઘટે છે. તમારા જ શબ્દો હતા કે ‘સોનિયા ગાંધી વિના તેલંગાણાનું અસ્તિત્ત્વ ન હોત…’ હવે સ્કૂલોમાં સોનિયા ગાંધીની જીવનકથા અભ્યાસક્રમમાં ઉમેરીને બાળકોને તેમના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય કરાવવો જોઇએ.